Jamnagar

ગુજરાતમાં વધુ એક પેપર લીક? પરીક્ષા પહેલા સવાલો ફરતા થયા, યુનિવર્સિટીએ તપાસ સમિતિની કરી રચના

By GS Team
27 Jul 20262 mins read
TukuTouch Logo
જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં BAMSના શલ્ય તંત્ર-1 વિષયની 20 જુલાઈની પરીક્ષા પહેલા વોટ્સએપ પર 12માંથી 11 પ્રશ્નો વાઈરલ થવાનો દાવો થતાં ખળભળાટ મચ્યો છે. NEET બાદ હવે આયુર્વેદ યુનિવર્સિટી પણ પેપર લીકની શંકાના ઘેરામાં આવી છે. યુનિવર્સિટીએ તપાસ માટે સમિતિ બનાવી છે. વિદ્યાર્થીઓ નિષ્પક્ષ તપાસની માંગ કરી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં વધુ એક પેપર લીક? પરીક્ષા પહેલા સવાલો ફરતા થયા, યુનિવર્સિટીએ તપાસ સમિતિની કરી રચના

BAMS Paper Leak Suspicion: NEET બાદ ગુજરાતની પ્રખ્યાત આયુર્વેદ યુનિવર્સિટી પણ પેપર લીકના શંકાના ઘેરામાં વિવાદોમાં આવી ગઈ છે. જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં BAMSના શલ્ય તંત્ર-1 વિષયની પરીક્ષા પહેલા જ વ્હોટ્સએપ પર જરૂરી વિગતો વાઈરલ થવાના આરોપે ખળભળાટ મચાવી દીધો છે. વિવાદ શરૂ થતાં જ યુનિવર્સિટીએ સમગ્ર મામલાની તપાસ માટે એક સમિતિ બનાવી છે. દાવો છે કે સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલી બાબતો અને પરીક્ષામાં પૂછવામાં આવેલા સવાલોમાં ઘણી સમાનતા છે. આ જ કારણ છે કે પેપર લીકની શંકા ઘેરી બનતી જઈ રહી છે.

BAMS પરીક્ષાના 12 માંથી 11 પ્રશ્નો વાઈરલ

20 જુલાઈએ યોજાયેલી BAMSના ત્રીજા પ્રોફેશનલ વર્ષ MS-શલ્ય તંત્ર-1 વિષયની પરીક્ષા પહેલા જ વ્હોટ્સએપ પર તેનાથી જોડાયેલા કેટલાક સવાલો વાયરલ થઈ ગયા. એટલું જ નહીં, પરીક્ષામાં કુલ 12માંથી 11 સવાલો તેમાંથી પૂછાયા હોવાની ચર્ચાએ સમગ્ર મામલાને વધુ ગંભીર બનાવી દીધો છે. હાલમાં મામલાએ જોર પકડ્યું છે અને વિદ્યાર્થીઓ સતત નિષ્પક્ષ તપાસની માંગ કરી રહ્યા છે.

યુનિવર્સિટી દ્વારા તપાસ માટે સ્પેશિયલ સમિતિની રચના

ઇન્ચાર્જ એક્ઝામિનેશન ડાયરેક્ટરના જણાવ્યા મુજબ-

સવારે પરીક્ષા રેગ્યુલર રીતે પૂરી થઈ, ત્યારબાદ સાંજે મોબાઇલ પર જાણકારી મળી કે પરીક્ષા પહેલા વ્હોટ્સએપ પર કેટલાક જરૂરી સવાલો ફરી રહ્યા હતા. જાણકારી મળતાં જ વાઇસ ચાન્સેલર સાથે વાતચીત કરીને સમગ્ર મામલાની તપાસ માટે એક સ્પેશિયલ સમિતિ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો તપાસમાં કોઈ વ્યક્તિની સંડોવણી અથવા નિયમોનું ઉલ્લંઘન જોવા મળશે, તો યુનિવર્સિટીના નિયમો અનુસાર કડક કાર્યવાહી કરવામાં આવશે.

પરીક્ષા સિસ્ટમની વિશ્વસનિયતા પર ઉઠ્યા સવાલો

હાલમાં, યુનિવર્સિટી સાથે જોડાયેલી 20થી 25 કૉલેજોના વિદ્યાર્થીઓના બીજા વિષયોની પરીક્ષા પહેલાથી નક્કી થયેલા પ્રોગ્રામ અનુસાર ચાલુ રાખવામાં આવી છે. NEET બાદ હવે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીકની શંકાએ રાજ્યની પરીક્ષા પદ્ધતિની વિશ્વાસપાત્રતા પર ફરીથી સવાલો ઊભા કરી દીધા છે. હવે સૌની નજર યુનિવર્સિટીએ બનાવેલી તપાસ સમિતિના રિપોર્ટ પર છે. વિદ્યાર્થીઓ અને વાલીઓની નજર એ વાત પર છે કે તપાસમાં શું હકીકતો સામે આવે છે અને જવાબદાર લોકો સામે શું એક્શન લેવામાં આવશે.