જામનગરના બિલ્ડરના મૃત્યુ પ્રકરણમાં ગાંધીનગર પોલીસ ટુકડીના જામનગરમાં ધામાં: તપાસનો ધમધમાટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar News : જામનગરના બિલ્ડર મેરામણભાઈ પરમારના મૃત્યુ પ્રકરણમાં તેમના પુત્ર દેવ પરમાર દ્વારા ગાંધીનગર જિલ્લાના અડાલજ પોલીસ મથકમાં 11 વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવ્યા બાદ હવે તપાસનો દોર જામનગર સુધી પહોંચ્યો છે. આ ફરિયાદના અનુસંધાને ગાંધીનગર પોલીસની તપાસ ટુકડી ગઈકાલે રવિવારે બે-ત્રણ વાહનોના કાફલા સાથે જામનગર આવી પહોંચી હતી અને સ્થાનિક સી-ડિવિઝન પોલીસની મદદથી આરોપીઓ સાથે સંકળાયેલા વિવિધ સ્થળોએ તપાસ હાથ ધરતાં શહેરમાં આ કાર્યવાહી ટોક ઓફ ધ ટાઉન બની હતી.
મેરામણભાઈ પરમારના મૃત્યુને લઈને તેમના પરિવારજનોએ કરેલા આક્ષેપ મુજબ આ બનાવ કુદરતી મૃત્યુનો નહીં પરંતુ માનસિક ત્રાસને કારણે ઝેરી પદાર્થ પી આપઘાતનો હોવાનું જણાવાયું છે. આ અંગે તેમના પુત્ર દેવ પરમારે તા. 27 ઓગસ્ટ, 2026ના રોજ અડાલજ પોલીસ મથકમાં ભીખુભા હરીસિંહ વાઢેર, ધવલસિંહ ભીખુભા વાઢેર, વિરેન્દ્રસિંહ ભીખુભા વાઢેર, શૈલેન્દ્રસિંહ ભીખુભા વાઢેર, ગજરાબા ભીખુભા વાઢેર, અનિતાબા વિરેન્દ્રસિંહ વાઢેર, કશ્મીરાબા ધવલસિંહ વાઢેર, પ્રવિણભાઈ શૈલેન્દ્રસિંહ વાઢેર, પ્રવિણભાઈ લક્ષ્મણભાઈ દોમડિયા, કાંતાબેન પ્રવિણભાઈ દોમડિયા અને વિશાલ પ્રવિણભાઈ દોમડિયા સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જમીન-મિલકતના વ્યવહારો અને નાણાંકીય લેવડદેવડને લઈને મેરામણભાઈને કથિત રીતે માનસિક ત્રાસ તથા વધુ નાણાંની માંગણી કરવામાં આવતી હોવાના આક્ષેપો કરાયા છે. ફરિયાદ મુજબ મેરામણભાઈએ મૃત્યુ પૂર્વે બે અલગ-અલગ સુસાઇડ નોટ લખી હતી, જેમાં નાણાંકીય વ્યવહારો, મિલકતોના દસ્તાવેજો તથા સંબંધિત વ્યક્તિઓ અંગે વિગતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
ફરિયાદ નોંધાયા બાદ ગાંધીનગર પોલીસ દ્વારા સમગ્ર પ્રકરણમાં નાણાંકીય વ્યવહારો, બેન્ક સ્ટેટમેન્ટ, જમીન-મિલકતોના દસ્તાવેજો, સબ-રજિસ્ટ્રાર કચેરીના રેકોર્ડ તથા સુસાઇડ નોટ સહિતના પુરાવાઓની તપાસ શરૂ કરવામાં આવી છે. આ જ તપાસના ભાગરૂપે પોલીસની ટુકડી જામનગર આવી હોવાનું જાણવા મળે છે.
ગાંધીનગરથી આવેલી પોલીસ ટીમે જામનગર સી-ડિવિઝન પોલીસનો સહયોગ મેળવી આરોપીઓ સાથે સંકળાયેલા હોવાનું જણાવાતા રહેણાક તથા અન્ય સ્થળોએ તપાસ કરી હતી. ખાસ કરીને ખોડિયાર કોલોની નજીકના વિસ્તારમાં ટીમ દ્વારા સ્થળ ચકાસણી કરવામાં આવી હતી. પોલીસના કાફલાને જોઈને સ્થાનિક લોકોમાં પણ ભારે ઉત્સુકતા સર્જાઈ હતી અને કેટલાક લોકો સ્થળ પર એકત્રિત થયેલા જોવા મળ્યા હતા.
પોલીસ ટીમે આરોપીઓના રહેણાક, તેમની અવરજવર સાથે સંકળાયેલા સ્થળો તથા અન્ય જરૂરી સ્થળોની પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. દરમિયાન ફરિયાદમાં આરોપી તરીકે દર્શાવાયેલા તમામ લોકોમાંથી કોઈપણ વ્યક્તિ તે સમયે જામનગરમાં હાજર ન હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું હોવાનું જાણવા મળે છે.
આ ઉપરાંત પોલીસે સ્થળ પર હાજર કેટલીક વ્યક્તિઓની પૂછપરછ કરી હતી અને પ્રકરણને લગતી જરૂરી પ્રાથમિક માહિતી મેળવી હોવાનું જાણવા મળે છે. દસ્તાવેજો અને અન્ય વિગતો અંગે પણ તપાસ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસ પૂર્ણ કર્યા બાદ ગાંધીનગર પોલીસની ટીમ વધુ તપાસ માટે પરત રવાના થઈ હોવાનું જાણવા મળે છે.
28 મિલકતો અને રૂ.153 કરોડથી વધુના વ્યવહારોની તપાસ
અડાલજ પોલીસમાં નોંધાયેલી ફરિયાદમાં જામનગર શહેર ઉપરાંત નાઘેડી નગરસીમ તથા રાવલસર ગામની સીમમાં આવેલી આશરે 28 જમીન-મિલકતોના વ્યવહારો અંગે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ફરિયાદી પક્ષના દાવા મુજબ બેન્ક સ્ટેટમેન્ટ, સબ-રજિસ્ટ્રાર કચેરીના દસ્તાવેજો તથા અન્ય નાણાકીય રેકોર્ડની તપાસમાં રૂ. 153 કરોડથી વધુની મિલકતોના વ્યવહારો અંગે પ્રશ્નો ઊભા થયા છે. આ તમામ વ્યવહારોની હકીકત હવે પોલીસ તપાસમાં સ્પષ્ટ થશે.
નંદવિજ્ઞાન નિકેતન સ્કૂલની મિલકતના વ્યવહારનો પણ ઉલ્લેખ
સુસાઇડ નોટમાં નંદવિજ્ઞાન નિકેતન સ્કૂલની મિલકતના વ્યવહાર અંગે પણ ઉલ્લેખ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. નાણાંકીય રોકાણ સામે સિક્યુરિટી તરીકે મિલકતમાં હિસ્સેદારીના દસ્તાવેજો કરાવવામાં આવ્યા બાદ વધુ નાણાની માંગણી કરવામાં આવી હોવાના આક્ષેપો કરાયા છે. આ મુદ્દે પણ પોલીસ દ્વારા દસ્તાવેજો અને નાણાંકીય વ્યવહારોની તપાસ કરવામાં આવી રહી છે.
ગાંધીનગર પોલીસની ટીમના જામનગર આગમનથી મેરામણભાઈ પરમાર મૃત્યુ પ્રકરણમાં તપાસનો દોર વધુ ગંભીર બન્યો હોવાની ચર્ચા બિલ્ડર તથા વેપારી વર્તુળોમાં જોવા મળી રહી છે. જોકે ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપોની સત્યતા અને સમગ્ર નાણાકીય વ્યવહારો અંગેની વાસ્તવિક હકીકત પોલીસની આગળની તપાસ બાદ જ સ્પષ્ટ થશે.




