જામનગર જિલ્લામાં જુદા જુદા વિસ્તારોમાં જુગારના ચાર દરોડા, 5 મહિલા અને 21 કિન્નર સહિત 26 આરોપી ઝડપાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar: જામનગર જિલ્લામાં પોલીસ દ્વારા જુગાર વિરોધી ઝુંબેશ અંતર્ગત અલગ-અલગ ચાર સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. જામજોધપુર, કાલાવડ ગ્રામ્ય, લાલપુર તથા જામનગર શહેરના ધારાનગર વિસ્તારમાં કરવામાં આવેલી કાર્યવાહીમાં પાંચ મહિલા અને એક કિન્નર સહિત કુલ છવ્વીસ શખ્સો ઝડપાયા હતા. પોલીસે ચારેય સ્થળેથી કુલ રૂ. 70,450ની રોકડ, ગંજીપત્તાના પાનાં, ટોકન સહિતનો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ અલગ-અલગ ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રથમ દરોડો : ગીંગણી ગામની વાડીમાં જુગારનો અખાડો ઝડપાયો
જામજોધપુર પોલીસે ગીંગણી ગામની સીમમાં આવેલી અશોકભાઈ ભગવાનજીભાઈ આલોદ્રાની વાડીના ઝૂંપડામાં ચાલતા તીનપત્તી "રોન પોલીસ" જુગાર પર ખાસ વોરંટના આધારે દરોડો પાડ્યો હતો. પોલીસને ખાનગી બાતમી મળતાં મદદનીશ પોલીસ અધિક્ષક પાસેથી જુગારધારા કલમ-૬ મુજબ ખાસ વોરંટ મેળવી કાર્યવાહી કરવામાં આવી હતી. દરોડા દરમિયાન સંચાલક અશોકભાઈ ભગવાનજીભાઈ આલોદ્રા ઉપરાંત રૂપેશભાઈ નવીનભાઈ લાડાણી, મનોજભાઈ વલ્લભભાઈ શાપરીયા, દીપકભાઈ ખીમજીભાઈ કાલરીયા અને મહેન્દ્રભાઈ પોપટભાઈ હિંગશજીયા ઝડપાયા હતા. પોલીસે કુલ રૂ. 45 હજારની રોકડ, ગંજીપત્તાના પાના, જુગારમાં વપરાતા એકસો ટોકન તથા અન્ય મુદ્દામાલ કબજે કરી તમામ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો હતો.
બીજો દરોડો : મોટી માટલી ગામે નદી કાંઠેથી આઠ જુગારીઓ ઝડપાયા
કાલાવડ ગ્રામ્ય પોલીસે મોટી માટલી ગામના બસ સ્ટેન્ડ નજીક નદી કાંઠે ઈંટોના ભઠ્ઠા પાછળ જાહેરમાં ચાલતા તીનપત્તી "રોન પોલીસ" જુગાર પર દરોડો પાડી આઠ શખ્સોને ઝડપી લીધા હતા. ઝડપાયેલા આરોપીઓમાં અનિલભાઈ પ્રેમજીભાઈ વાઘેલા, રજાકભાઈ કારાભાઈ પઠાણ, પ્રવીણભાઈ બાલુભાઈ પરમાર, પાલાભાઈ હઠાભાઈ ગમાસ, કાંતીભાઈ અમરાભાઈ મકવાણા, વિક્રમસિંહ ઉદેસિંહ ચૌહાણ, સંજયભાઈ જીવરાજભાઈ મકવાણા તથા ગીરધરભાઈ રાશીંગભાઈ રાઠોડનો સમાવેશ થાય છે. તેમની પાસેથી કુલ રૂ. 4,210ની રોકડ તથા ગંજીપત્તાના બાવન પાનાં કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
ત્રીજો દરોડો : લાલપુરમાં નદી કાંઠે છ શખ્સ ઝડપાયા
લાલપુર પોલીસે નાંદુરી ચોકડી નજીક કેતનભાઈ જમનભાઈ માકડીયાની ખેતીની જમીન પાસે નદી કાંઠે ચાલતા તીનપત્તી જુગાર પર દરોડો પાડી હરેશભાઈ દામજીભાઈ માકડીયા, કમલેશભાઈ બાલકૃષ્ણભાઈ દુધરેજીયા, અકબરભાઈ જુમાભાઈ અખાણી, રમેશભાઈ મૂળજીભાઈ ધોળકિયા, ઓનઅલી રમજાનઅલી કાનાણી તથા દેવજીભાઈ જેરાજભાઈ નેસડિયાને ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પરથી કુલ રૂ. 10,240ની રોકડ અને ગંજીપત્તાના બાવન પાનાં કબજે કર્યા હતા. દેવજીભાઈ નેસડિયાને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ 35(3) મુજબ નોટિસ આપવામાં આવી હતી, જ્યારે સમગ્ર ગુનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ચોથો દરોડો : ધારાનગરમાં મહિલાઓ સહિત સાત શખ્સ જુગાર રમતા ઝડપાયા
જામનગર શહેરના સી. ડિવિઝન પોલીસ સ્ટેશનની ખોડીયાર પોલીસ ચોકીની ટીમે ધરારનગર વિસ્તારમાં શિવ મંદિર સામે સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં ચાલતા તીનપત્તી જુગાર પર દરોડો પાડી પાંચ મહિલાઓ અને બે પુરુષ સહિત કુલ સાત શખ્સોને ઝડપી લીધા હતા. ઝડપાયેલા આરોપીઓમાં માનસંગ ધીરુભા કંચવા, હિતેશ ભીખુભાઈ નાંગશ, કિન્નર ભારતીદે મીનાદે પાવૈયા, માનકુંવરબા વિક્રમસિંહ જાડેજા, ભારતીબેન ભીખુભાઈ નાંગશ, ચંદ્રાબા નાનભા જેઠવા અને કિરણબા માનસંગ કંચવાનો સમાવેશ થાય છે. પોલીસે કુલ રૂ. અગિયાર હજાર બસોની રોકડ અને ગંજીપત્તાના બાવન પાનાં કબજે કર્યા હતા. પાંચેય મહિલાઓને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ 35(3) હેઠળ નોટિસ આપી મુક્ત કરવામાં આવી હતી, જ્યારે બંને પુરુષ આરોપીઓની અટકાયત કરીને તેમની સામે જુગારધારા હેઠળ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.




