Jamnagar

જામનગર જિલ્લાના લાલપુરમાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન રિક્ષામાંથી રૂ.17 હજારનો વિદેશી દારૂ ઝડપાયો

By GS Team
27 Sep 20262 mins read
TukuTouch Logo
જામનગરમાં લાલપુર પોલીસે ચાર થાંભલા નજીક મુથુટ ફાઇનાન્સવાળી ગલીમાં દરોડો પાડી, બજાજ મેક્સીમા રિક્ષામાંથી વિદેશી દારૂના 85 ચપટા સાથે હુસેન ફારુકભાઈ પટેલને ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂ અને રિક્ષા સહિત કુલ રૂ. 1.67 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઇરફાન ઘુઘા પાસેથી દારૂ મેળવ્યો હોવાનું ખુલતા, તેની શોધખોળ હાથ ધરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર જિલ્લાના લાલપુરમાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન  રિક્ષામાંથી રૂ.17 હજારનો વિદેશી દારૂ ઝડપાયો

Jamnagar: લાલપુર પોલીસે ચાર થાંભલા નજીક મુથુટ ફાઇનાન્સવાળી ગલીમાં દરોડો પાડી બજાજ મેક્સીમા રિક્ષામાંથી વિદેશી દારૂના 85 ચપટા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. પોલીસે દારૂ તથા રિક્ષા સહિત કુલ રૂ.1.67 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસની ટીમ લાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન અને જુગાર અંગે પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે ચાર થાંભલાથી આગળ મુથુટ ફાઇનાન્સવાળી ગલીમાં એક રિક્ષામાં વિદેશી દારૂનો જથ્થો રાખવામાં આવ્યો છે. બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખી સ્થળ પર દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન પીળા રંગની બજાજ મેક્સીમા રિક્ષા નં. જીજે-10-ટીડબલ્યુ-7248માં ચાલક તરીકે હાજર હુસેન ફારુકભાઈ પટેલ (ઉં.વ.38, રહે. ચાર થાંભલા, લાલપુર) મળી આવ્યો હતો. રિક્ષાની પાછળની સીટ પર રહેલા પ્લાસ્ટિકના બે બાચકાની તપાસ કરતાં ઓલ સીઝન ગોલ્ડન કલેક્શન રિઝર્વ વ્હિસ્કીના 180 મિલીલીટરના કુલ 85 ચપટા મળી આવ્યા હતા. જેની કિંમત રૂ.200 લેખે કુલ રૂ.17,000 થતી હોવાનું પોલીસે જણાવ્યું છે.

પોલીસે દારૂના જથ્થામાંથી નમૂના તપાસ માટે અલગ કરી બાકીના મુદ્દામાલ સાથે કબજે કર્યા હતા. આ ઉપરાંત દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી બજાજ મેક્સીમા રિક્ષા, કિંમત રૂ.1.50 લાખ, કબજે કરી કુલ રૂ.1.67 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પોલીસ પૂછપરછમાં ઝડપાયેલા હુસેન પટેલે દારૂનો જથ્થો ઇરફાન તારમામદ ઘુઘા, રહે. લાલપુર પાસેથી ચાર થાંભલા પાસે મેળવ્યો હોવાનું જણાવ્યું હોવાનું ફરિયાદમાં નોંધાયું છે. આથી પોલીસે ઇરફાન ઘુઘાને આરોપી તરીકે ઝડપી લેવા સહિત તપાસ હાથ ધરી છે.

આ બનાવ અંગે લાલપુર પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(એ), 98(2) અને 81 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ ખીમાભાઈ બેરાને સોંપવામાં આવી છે.