જામનગરમાં ફૂડ વિભાગ એક્શનમાં, એક ચિકન શોપ સીલ, બે પેઢી બંધ કરાવાઈ, બેડેશ્વરમાં પાંચ કિલો રાઈસનો નાશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar News : જામનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ખાદ્યપદાર્થોનું વેચાણ કરતી પેઢીઓમાં સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાના નિયમોના પાલન અંગે સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. 31 ઑક્ટોબરના રોજ હાથ ધરાયેલી આ ઝુંબેશ દરમિયાન લાયસન્સના અભાવ અને અસ્વચ્છ પરિસ્થિતિમાં ખાદ્યપદાર્થોનું વેચાણ થતું હોવાનું જણાતાં એક ચિકન શોપને સીલ કરવામાં આવી હતી, જ્યારે અન્ય બે પેઢીઓ બંધ કરાવવામાં આવી હતી. આ ઉપરાંત વિવિધ રેસ્ટોરન્ટમાંથી ખાદ્યપદાર્થોના નમૂના લઈ પ્રયોગશાળામાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા અને અસ્વચ્છ હાલતમાં રાખેલા પાંચ કિલો રાઈસનો નાશ કરવામાં આવ્યો હતો.
મહાનગરપાલિકાના કમિશનર દીપેશ કેડિયા, નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, આરોગ્ય અધિકારી એમ.એચ. ગોરી તથા નાયબ કમિશનર ભાવેશ જાનીના માર્ગદર્શન હેઠળ ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ કરી હતી. બેડેશ્વર વિસ્તારમાં આવેલી સ્ટાર ચીકન શોપ ખાતે એફએસએસએઆઈના નિયમોનો ભંગ અને માન્ય લાયસન્સનો અભાવ જણાતાં પેઢીને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
રણજીતસાગર રોડ પર હર્ષદ મિલ ચાલી વિસ્તારમાં આવેલી ફેમશ ગાઝી ચાઇનીઝ ચીકન અને નશીબ ફીશ નામની પેઢીઓમાં અસ્વચ્છ પરિસ્થિતિ જણાતાં જરૂરી સુધારણા કરવામાં ન આવે અને આગળનો હુકમ ન થાય ત્યાં સુધી બંને પેઢીઓ બંધ કરાવવામાં આવી હતી. આ જ વિસ્તારમાં આવેલી હુશેની ચીકન પેઢીને પણ સ્વચ્છતાની સ્થિતિમાં સુધારો કરવા માટે કડક તાકીદ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન બેડેશ્વર વિસ્તારમાં આવેલી હાજીપીર રેસ્ટોરન્ટમાંથી તૈયાર ચીકન બિરયાની, તૈયાર મટન અને તૈયાર ચીકનના નમૂના લેવામાં આવ્યા હતા. જ્યારે બોમ્બે એ-વન બિરયાની માંથી ચીકન દમ બિરયાનીનો નમૂનો લઈને વધુ પરીક્ષણ માટે પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યો હતો.
બીજી તરફ, બેડેશ્વરમાં આવેલી ન્યુ બોમ્બે બિરયાની ખાતે ખુલ્લા અને અસ્વચ્છ સ્થિતિમાં રાખવામાં આવેલા આશરે પાંચ કિલો રાઈસ મળી આવતાં તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. ફૂડ વિભાગની ટીમ દ્વારા રણજીતસાગર રોડ પર આવેલી નાગોરી ચીકન ઉપરાંત મીરા રેસ્ટોરન્ટ, રજવાડી રાઈસ બિરયાની, ધોરાજીના ચીકન રોલ, ન્યુ ફેમશ બોમ્બે બિરયાની અને કે.એમ.સી. ચીકન શોપ સહિતની પેઢીઓમાં પણ તપાસ કરવામાં આવી હતી.
નાગરિકોના આરોગ્યની સુરક્ષા અને ખાદ્યપદાર્થોની ગુણવત્તા જાળવવાના હેતુથી મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ આવી તપાસ અને નિયમોનો ભંગ કરતી પેઢીઓ સામે કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેમ મહાનગરપાલિકાના સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા જણાવાયું છે.




