Jamnagar

ધ્રોલ પંથકમાંથી પકડાયેલા ગાંજાના કેસમાં સસરા-જમાઈ સહિતના ત્રણેય આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર

By GS Team
26 Sep 20262 mins read
TukuTouch Logo
જામનગરમાં સોયલ નજીકથી ગાંજાના જથ્થા સાથે ઝડપાયેલા પોરબંદરના જયેશ કારાવદરા, જયદિપગર અપારનાથી અને તેના સસરા બકુલપરી ગોસાઈને કાલાવડ પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતા. પોલીસે 7 દિવસના રિમાન્ડ માંગ્યા, પરંતુ અદાલતે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. ટ્રક ડ્રાઇવર બકુલપરીએ મહારાષ્ટ્રથી ગાંજો લાવ્યાની કબૂલાત કરી છે. પોલીસ હવે સપ્લાય ચેઈન સુધી પહોંચવા મહારાષ્ટ્ર રવાના થઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ધ્રોલ પંથકમાંથી પકડાયેલા ગાંજાના કેસમાં સસરા-જમાઈ સહિતના ત્રણેય આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર

Jamnagar: જામનગર જિલ્લાના સોયલ નજીકથી ગાંજાના જથ્થા સાથે ઝડપાયેલા પોરબંદરના જયેશ રામાભાઈ કારાવદરા અને જયદિપગર દયાગર અપારનાથી તેમજ ગાંજાનો જથ્થો સપ્લાય કરનાર તેમના સસરા બકુલપરી ભગવાનપરી ગોસાઈ સહિતના ત્રણેય આરોપીઓને કાલાવડ ગ્રામ્ય પોલીસ દ્વારા અદાલતમાં રજૂ કરવામાં આવતાં પોલીસે સાત દિવસના રિમાન્ડની માગણી કરી હતી. જોકે, અદાલતે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે ત્રણેય આરોપીઓને કબજામાં લઈ આગળની તપાસ હાથ ધરી છે.

આ કેસમાં અગાઉ નશીલા પદાર્થના જથ્થા સાથે ઝડપાયેલા જયેશ રામાભાઈ કારાવદરા અને જયદિપગર દયાગર અપારનાથીની પૂછપરછમાં જથ્થો પહોંચાડનાર તરીકે જયદિપગરના સસરા બકુલપરી ભગવાનપરી ગોસાઈનું નામ સામે આવ્યું હતું. એસઓજી દ્વારા બકુલપરી ગોસાઈને ઝડપી પાડ્યા બાદ તેને પણ આગળની કાર્યવાહી માટે કાલાવડ ગ્રામ્ય પોલીસને સોંપવામાં આવ્યો હતો.

ત્રણેય આરોપીઓને અદાલતમાં રજૂ કરી પોલીસે નશીલા પદાર્થનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોની પાસેથી મેળવવામાં આવ્યો હતો, તેની પાછળ અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તથા અગાઉ કેટલાવખત આ પ્રકારે જથ્થો લાવવામાં આવ્યો હતો તે સહિતની વિગતો મેળવવા માટે સાત દિવસના રિમાન્ડની માગણી કરી હતી. અદાલતે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

25 વર્ષથી ટ્રક ચલાવું છું, મહારાષ્ટ્રમાં ગાંજો મળે છે તેની જાણ હતી

પોલીસ તપાસ દરમિયાન ઝડપાયેલા બકુલપરી ભગવાનપરી ગોસાઈએ એવી કબૂલાત કરી હોવાનું જાણવા મળે છે કે તે છેલ્લા આશરે ૨૫ વર્ષથી ટ્રક ડ્રાઇવિંગનો વ્યવસાય કરે છે. ટ્રક ચલાવવાના કારણે મહારાષ્ટ્ર તરફના વિસ્તારોમાં નશીલા પદાર્થ મળતા હોવાની તેને જાણ હતી અને આ જ જાણકારીના આધારે મહારાષ્ટ્રમાંથી ગાંજો લાવી જામનગર તરફ પહોંચાડ્યો હોવાનું તેણે કબૂલ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

હવે મહારાષ્ટ્રમાં જથ્થો ક્યાંથી મેળવ્યો તેની તપાસ

બકુલપરી ગોસાઈની કબૂલાતના આધારે કાલાવડ ગ્રામ્ય પોલીસની ટીમ તેને સાથે રાખીને મહારાષ્ટ્ર તરફ રવાના થઈ છે. પોલીસ દ્વારા મહારાષ્ટ્રમાં ગાંજાનો જથ્થો કયા સ્થળેથી મેળવવામાં આવ્યો હતો, કોણે આપ્યો હતો, કેટલા ભાવે ખરીદાયો હતો તથા આ નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંકળાયેલા છે તેની તપાસ કરવામાં આવશે.

પાંચ દિવસના રિમાન્ડ દરમિયાન પોલીસ ગાંજાના જથ્થાની સપ્લાય ચેઇન સુધી પહોંચવાનો પ્રયાસ કરશે. સાથે જ બકુલપરી ગોસાઈએ અગાઉ પણ આ રીતે નશીલા પદાર્થનો જથ્થો લાવ્યો હતો કે કેમ તે અંગેની પણ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.