Jamnagar

જામનગર શહેરમાં દારૂના નશામાં તોફાન મચાવનાર પુત્રને પિતાએ જ પોલીસને સોંપ્યો

By GS Team
24 Jul 20261 min read
TukuTouch Logo
જામનગરમાં એક અનોખી ઘટના સામે આવી છે, જ્યાં 75 વર્ષીય પિતા હમીરભાઈ સાદીયાએ દારૂ પીને ઘરમાં તોફાન મચાવનાર 49 વર્ષીય પુત્ર રાજેશને જાતે જ પોલીસને સોંપ્યો હતો. નશામાં ધૂત રાજેશ ગાળાગાળી કરી ઝઘડો કરતો હતો. પિતા તેને રિક્ષામાં બેસાડી સીટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ ગયા. પોલીસે રાજેશની ધરપકડ કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર શહેરમાં દારૂના નશામાં તોફાન મચાવનાર પુત્રને પિતાએ જ પોલીસને સોંપ્યો

Jamnagar: જામનગર શહેરમાં દારૂના નશામાં ઘરમાં તોફાન મચાવનાર પુત્રને તેના વૃદ્ધ પિતાએ જ પોલીસને સોંપ્યાની ઘટના સામે આવી છે. સીટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ન્યૂ હર્ષદ મિલની ચાલી, 80 ફૂટ રોડ, મહાપાન સામે રહેતા હમીરભાઈ ઘેલાભાઈ સાદીયા (ઉં. 75)એ ફરિયાદ નોંધાવી હતી કે તેમનો પુત્ર રાજેશભાઈ હમીરભાઈ સાદીયા (ઉં. 49) દારૂના નશામાં ઘરે આવી ગાળો બોલી ઝઘડો અને હોબાળો કરી રહ્યો હતો.

પરિસ્થિતિ બેકાબૂ બનતા હમીરભાઈ પોતાના પુત્રને રિક્ષામાં બેસાડી સીટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશને લઈ ગયા હતા. પોલીસે પંચોની હાજરીમાં તપાસ કરતાં રાજેશભાઈની આંખો લાલચોળ હોવાનું, જીભ થથરાતી હોવાનું તેમજ શરીરનું સંતુલન જાળવી શકતો ન હોવાનું જણાયું હતું. પોલીસે કેફી પીણું પીવાની પરમિટ માંગતા તેની પાસે કોઈ પાસ-પરમિટ ન હોવાનું સામે આવ્યું હતું.
આથી પોલીસે આરોપીની ધરપકડ કરી તેની સામે ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ 66(1)(બી) અને 85(1) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.