Jamnagar

જામનગરના બેડેશ્વર વિસ્તારમાં બે પાડોશીઓ વચ્ચેના ઝગડામાં પિતા-પુત્રી પર 4 શખ્સોનો હિચકારો હુમલો

By GS Team
8 Sep 20262 mins read
TukuTouch Logo
જામનગરના બેડેશ્વરમાં દીકરીને માર મારવા બાબતે સમજાવવા ગયેલા પિતા પર 4 શખ્સોએ હુમલો કર્યો હતો. લાકડાના ધોકાથી માથામાં ઇજા પહોંચાડી, બે કારના કાચ તોડી રૂ.30 હજારનું નુકસાન કર્યું હતું. ગુલામભાઈ કોરેજાએ હુસેન, કાદર, નાસીર અને સુલતાન સામે ફરિયાદ નોંધાવી છે. સીટી બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના બેડેશ્વર વિસ્તારમાં બે પાડોશીઓ વચ્ચેના ઝગડામાં પિતા-પુત્રી પર 4 શખ્સોનો હિચકારો હુમલો

Jamnagar Crime : જામનગરના બેડેશ્વર વિસ્તારમાં દીકરીને માર મારવા બાબતે સમજાવવા ગયેલા પિતા પર ચાર શખ્સોએ લાકડાના ધોકાથી હુમલો કરી માથામાં ઇજા પહોંચાડ્યાની તથા બે કારના કાચ તોડી રૂ.30 હજારનું નુકસાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ સીટી બી ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે.
ફરિયાદી ગુલામભાઈ આમદભાઈ કોરેજા (ઉ.વ.40, રહે. બેડેશ્વર આઝાદ ચોક) ની ફરિયાદ મુજબ, તા.7 સપ્ટેમ્બરના રોજ સવારે બંદરેથી મજૂરી કામ કરી ઘરે આવ્યા બાદ તેઓ સૂતા હતા. સાંજે આશરે છ વાગ્યાના અરસામાં ઘરની બહાર મહિલાઓની રાડારાડ અને દેકારો સાંભળી તેઓ બહાર આવ્યા હતા. ત્યારે તેમની મોટી દીકરી મુસ્કાને તેમને જણાવ્યું હતું કે, પાડોશમાં રહેતા હુસેન હારૂન છેર, કાદર હનીફ છેર, નાસીર હનીફ છેર અને સુલતાન ગની છેર નામના ચાર શખ્સોએ તેને લાતો મારી હતી.
આથી ગુલામભાઈ દીકરીને શા માટે માર માર્યો તે અંગે પૂછવા ગયા હતા. તે સમયે હુસેન અને કાદર હાથમાં લાકડાના ધોકા લઈને ઉભા હતા અને દીકરી તેમના ઘર પાસે આવી ગાળો બોલતી હોવાનો આક્ષેપ કરી ગુલામભાઈ સાથે ગાળાગાળી તથા ઝઘડો કરવા લાગ્યા હતા. દરમિયાન નાસીર અને સુલતાન પણ આવી પહોંચતાં ચારેય સાથે ઝપાઝપી થઈ હતી. ગુલામભાઈને છોડાવવા તેમના મોટાભાઈ આમીનભાઈ પણ વચ્ચે પડ્યા હતા. તે દરમિયાન હુસેન અથવા કાદરના હાથમાં રહેલો લાકડાનો ધોકો ગુલામભાઈના માથામાં વાગતાં લોહી નીકળ્યું હતું અને તેમને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં માથામાં પાંચ ટાંકા આવ્યા હતા.
આ ઉપરાંત હુમલાખોરોએ ગુલામભાઈ તથા તેમના પરિવારજનોને ગાળો આપી તેમના મોટાભાઈની બલેનો કાર તથા ગુલામભાઈની ઇકો કારના કાચ લાકડાના ધોકા અને પથ્થર મારી તોડી નાખ્યા હતા, જેના કારણે બંને વાહનોમાં આશરે રૂ.30 હજારનું નુકસાન થયું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પોલીસની ગાડીઓ આવતા ચારેય શખ્સો ત્યાંથી જતા રહ્યા હતા અને પોલીસ ફરિયાદ કરશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવમાં ગુલામભાઈની દીકરી મુસ્કાન તથા તેમના મોટાભાઈ આમીનભાઈને પણ શરીરે મૂઢ ઇજાઓ થઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 118(1), 115, 324(2), 352, 351(3), 54 તથા જી.પી. એક્ટની કલમ 135(1) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.