જોડીયા પંથકના 8 ગામના ખેડૂતોએ કેનાલમાંથી ખેતી માટે પાણી છોડવા માટેની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદન આપ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar News : ઉંડ-1 સિંચાઈ યોજનાની ડાબા કાંઠાની કેનાલના ફલ્લા સેક્શન હેઠળ આવતા ગામોમાં હાલ વરસાદનું પ્રમાણ ઓછું હોવાથી ખેડૂતોને સિંચાઈના પાણીની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ છે. આ અંગે વાવડી ગ્રામ પંચાયત સહિત ફલ્લા સેક્શન હેઠળ આવતા ગામોના ખેડૂતો દ્વારા જામનગર જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી તાત્કાલિક કેનાલમાં સિંચાઈનું પાણી છોડવાની માંગ કરવામાં આવી છે.
રજૂઆતમાં જણાવાયું છે કે ફલ્લા સેક્શન હેઠળ આવતા સોયલ, નથુવડલા, મજોઠ, આણંદા, નેસડા, વાવડી, લીંબુડા અને હડીયાણા સહિતના ગામોના ડેમો તથા નાના ચેકડેમોમાં પૂરતું પાણી ઉપલબ્ધ નથી. જેના કારણે ખેડૂતોને હાલ ખેતી માટે સિંચાઈના પાણીની તાત્કાલિક જરૂરિયાત છે. ખેડૂતોના હિતમાં સૌની યોજના અથવા ઉપલબ્ધ ડેમમાંથી તાત્કાલિક પાણી છોડીને જરૂરીયાત મુજબ ખેતરો સુધી સિંચાઈનું પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવા માંગ કરવામાં આવી છે.
રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે છેલ્લા આશરે 15 દિવસથી જામવંથલી સેક્શનમાં સૌની યોજનાની એરવાલ ખોલીને કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે. ઉપરાંત જામવંથલી સેક્શન હેઠળ આવતા ગામોમાં તાજેતરમાં વરસાદનું પ્રમાણ વધુ રહેતા ઘણા નાના ચેકડેમો ભરાઈ ગયા છે અને ત્યાં ખેતરોમાં પણ હાલ સિંચાઈના પાણીની જરૂરિયાત પ્રમાણમાં ઓછી છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જ્યાં હાલમાં પાણીની તાત્કાલિક જરૂરિયાત નથી તે વિસ્તારની માઇનોરો હાલ પૂરતી બંધ કરીને ફલ્લા સેક્શનના ગામોમાં પાણી પહોંચાડવામાં આવે તો આ વિસ્તારના ખેડૂતોને મોટો લાભ થઈ શકે તેમ રજૂઆતમાં જણાવાયું છે.
ફલ્લા સેક્શનના તમામ ગામોની રજૂઆતને ધ્યાને લઈ તાત્કાલિક સિંચાઈનું પાણી છોડવા તેમજ પાણી છોડવાની કામગીરી દરમિયાન કોઈ અડચણ ઊભી ન થાય તે માટે જરૂરી પોલીસ બંદોબસ્ત પૂરો પાડવા પણ માંગ કરવામાં આવી છે, જેથી ફલ્લા સેક્શન હેઠળ આવતા તમામ ગામોને પૂરતું પાણી મળી શકે.
આ રજૂઆતની નકલ ઉંડ-1 સિંચાઈ યોજનાના કાર્યપાલક ઇજનેર, જામનગરના સાંસદ પુનમબેન માડમ, જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલ તથા કાલાવડના ધારાસભ્ય મેઘજી ચાવડાને મોકલવામાં આવી છે.




