જામનગરમાં લોન અપાવવાના બહાને ત્રણ લોકોના દસ્તાવેજ મેળવી રૂ.1.50 કરોડના સાયબર ફ્રોડના નાણાંની હેરફેર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar: જામનગરમાં લોન કરાવી આપવાના બહાને ત્રણ વ્યક્તિઓ પાસેથી દસ્તાવેજો, સહી કરાવેલા ફોર્મ અને મોબાઇલ સિમકાર્ડ મેળવી તેમની જાણ બહાર કર્ણાટક બેંકમાં ત્રણ બેંક ખાતાં ખોલાવી, તા.20 મે, 2025થી તા.8 ઓગસ્ટ, 2025 દરમિયાન આશરે રૂ.1,50,98,000ના સાયબર ફ્રોડના નાણાંના વ્યવહારો કરવામાં આવ્યા હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે.
ફરિયાદી અસલમ દાઉદભાઈ ભગાડ, ઉંમર 27 વર્ષ, રહે જામનગરએ પોલીસને જણાવ્યું હતું કે, તેઓ તથા તેમના ભાઈ અક્રમ ભગાડ જામનગરના બેડેશ્વર વિસ્તારમાં આવેલી રેશમા હોટલમાં મજૂરી કામ કરતા હતા. તે દરમિયાન લોનની જરૂરિયાત હોવાથી હોટલના માલિક અસગર અબ્દુલ ચમડીયાને વાત કરતાં તેમણે તેમના મિત્ર ફેજલ ખફીના ઓળખીતા કર્ણાટક બેંકના કર્મચારી રઘુભાઈ મારફતે લોન કરાવી આપવાની વાત કરી હતી.
ત્યારબાદ ફરિયાદી, તેમના ભાઈ અક્રમ અને ભાભી મીનાઝબેન અસગર સાથે કર્ણાટક બેંકની કુબેર એવન્યુ શાખામાં ગયા હતા અને લોન માટે જરૂરી દસ્તાવેજો આપ્યા હતા. બેંક કર્મચારી રઘુભાઈએ અલગ અલગ ફોર્મમાં તેમની સહીઓ પણ કરાવી હતી. ત્યારબાદ બંને ભાઈઓના નામે મોબાઇલ સિમકાર્ડ કઢાવવાની વાત કરી સિમકાર્ડ પણ મેળવી લેવામાં આવ્યા હતા.
થોડા દિવસ બાદ અસગરે ફોન કરીને સગા-સંબંધિત રીતે તેમનો સીબિલ સ્કોર ખરાબ હોવાથી લોન નહીં થાય તેમ જણાવ્યું હતું. પરંતુ ફેબ્રુઆરી, 2026માં છત્તીસગઢ રાજ્યના બચેલી પોલીસ સ્ટેશનની પોલીસ તેમના ભાઈ અક્રમને અન્ય ગુનાના કામે લઇ જતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો.
ફરિયાદ મુજબ, ફરિયાદીના દસ્તાવેજનો ઉપયોગ કરી ‘સ્ટાર મોબાઈલ’ નામે ખાતું, તેમના ભાઈ અકરમના દસ્તાવેજનો ઉપયોગ કરી ‘સહારા મોભાઈ’ નામે ખાતું તથા ભાભી મીનાઝબેનના નામે અન્ય ખાતું ખોલાવવામાં આવ્યું હતું. આ ત્રણેય ખાતાંમાં તા.20 મે, 2025થી તા.8 ઓગસ્ટ, 2025 દરમિયાન આશરે રૂ.1,50,98,000ના સાયબર ફ્રોડના નાણાંના વ્યવહારો થયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, અસગર અબ્દુલ ચમડીયા, ફેજલ ખફી તથા કર્ણાટક બેંકના કર્મચારી રઘુભાઈ સહિતના શખ્સોએ અગાઉથી આયોજન કરી લોન કરાવી આપવાના બહાને દસ્તાવેજો મેળવી, અલગ અલગ ફોર્મમાં સહીઓ કરાવી તથા મોબાઇલ સિમકાર્ડ મેળવી ફરિયાદી, તેમના ભાઈ અને ભાભીની જાણ બહાર બેંક ખાતાં ખોલાવી સાયબર ફ્રોડના નાણાંની હેરફેર કરી ગુનાહિત વિશ્વાસઘાત કર્યો છે. આ અંગે પોલીસ ઇન્સ્પેક્ટર નીખીલકુમાર બાબુભાઈ ડાભીને તપાસ સોંપવામાં આવી છે.




