જામનગર તાલુકાની સિક્કા નગરપાલિકામાં રૂ.1 હજારની લાંચ માગવાના કેસમાં નિવૃત્ત સિનિયર ક્લાર્ક સહિત બે સામે ગુનો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar: સિક્કા નગરપાલિકાની ટેક્સ શાખામાં મકાનના દસ્તાવેજમાં નામ ટ્રાન્સફર કરી એનઓસી આપવા માટે રૂ.1 હજારની લાંચ માગવામાં આવી હોવાના કેસમાં એસીબીએ નિવૃત્ત સિનિયર ક્લાર્ક કમ ટેક્સ ઇન્સ્પેક્ટર સહિત બે સામે ગુનો દાખલ કર્યો છે. આ કેસમાં વર્ષ 2022માં તા. 7 અને 8 માર્ચે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું, પરંતુ છટકું નિષ્ફળ રહ્યું હતું. ત્યારબાદ ખુલ્લી તપાસના અંતે તા. 19 સપ્ટેમ્બર 2026ના રોજ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
એસીબીના જણાવ્યા મુજબ, સિક્કામાં વર્ષ 2018માં એક વ્યક્તિએ મકાન ખરીદ્યું હતું. મકાનનો ટેક્સ ભર્યા બાદ દસ્તાવેજમાં પોતાનું તથા પત્નીનું નામ ટ્રાન્સફર કરાવી એનઓસી મેળવવાની કાર્યવાહી કરવાની હતી. આ કામગીરી માટે સિક્કા નગરપાલિકાની ટેક્સ શાખાના તત્કાલીન સિનિયર ક્લાર્ક કમ ટેક્સ ઇન્સ્પેક્ટર અતુલકુમાર રમણીકલાલ પંડયા તથા કોમ્પ્યુટર ઓપરેટર કમ ક્લાર્ક નીલેશકુમાર ભુદરદાસ મેસવાણીયાએ રૂ.1,000ની લાંચની માંગણી કરી હોવાનો આક્ષેપ છે.
આ અંગે એસીબી સમક્ષ ફરિયાદ થતાં તા. 7 માર્ચ 2022 તથા તા. 8 માર્ચ 2022ના રોજ લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. જોકે બંને વખત છટકું નિષ્ફળ રહ્યું હતું અને લાંચની રકમની સ્વીકૃતિ કે રિકવરી થઈ ન હતી.
પછી સમગ્ર મામલે ખુલ્લી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસના અંતે એસીબીના જણાવ્યા મુજબ, બંને આક્ષેપિતોએ પોતાના અંગત લાભ માટે હોદાનો દુરુપયોગ કરી એકબીજાને મદદગારી કરીને ફરિયાદી પાસેથી રૂ.1,000નો અનુચિત લાભ મેળવવા લાંચની માંગણી કરી હોવાનું બહાર આવતાં તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ કેસમાં અતુલકુમાર રમણીકલાલ પંડયા (ઉ.વ. 59), તત્કાલીન સિનિયર ક્લાર્ક કમ ટેક્સ ઇન્સ્પેક્ટર, ટેક્સ શાખા, સિક્કા નગરપાલિકા, વર્ગ-3, હાલ નિવૃત્ત અને નીલેશકુમાર ભુદરદાસ મેસવાણીયા (ઉ.વ. 42), કોમ્પ્યુટર ઓપરેટર કમ ક્લાર્ક, કરાર આધારિત, ટેક્સ શાખા, સિક્કા નગરપાલિકા સામે કાર્યવાહી કરવામાં આવી છે.
આ કેસની તપાસ તથા ગુનો દાખલ કરવાની કામગીરી જામનગર એસીબી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર.ગોહિલે કરી છે. સમગ્ર તપાસનું સુપરવિઝન એસીબી રાજકોટ એકમના મદદનીશ નિયામક જે.ડી.મેવાડા દ્વારા કરવામાં આવી રહ્યું છે. અને આગળની તપાસ દેવભૂમિ દ્વારકા એ.સી.બી. ના પોલીસ ઇન્સ્પેક્ટર ને સોંપાઈ છે.




