Jamnagar

જામનગરમાં ડુપ્લીકેટ દારૂ બનાવવાના કાવતરાનો પર્દાફાશ : 96 ખાલી બોટલો, 270 ઢાંકણા અને 52 સ્ટીકર અને 1000 લીટર કેમિકલનો નાશ

By GS Team
18 Sep 20265 mins read
TukuTouch Logo
જામનગરમાં ડુપ્લીકેટ દારૂ બનાવવાની તૈયારીનો પર્દાફાશ થયો છે. મધુવન સોસાયટીમાંથી પોલીસે 96 ખાલી બોટલો, 270 ઢાંકણા અને 52 સ્ટીકર જપ્ત કર્યા. સમન્દરસિંહ ગુર્જર અને વિષ્ણુ ગુર્જરે રસાયણ, કલર, એસેન્સથી દારૂ બનાવવાનું આયોજન કર્યું હતું. પોલીસે કાર્યવાહી કરતા પહેલા 1000 લીટર રસાયણ ગટરમાં ઢોળી અને 100 બોટલો સળગાવી દેવાઈ હતી. પોલીસે 3 આરોપીઓ સામે તપાસ શરૂ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં ડુપ્લીકેટ દારૂ બનાવવાના કાવતરાનો પર્દાફાશ : 96 ખાલી બોટલો, 270 ઢાંકણા અને 52 સ્ટીકર અને 1000 લીટર કેમિકલનો નાશ

Jamnagar Duplicate Liquor : જામનગર શહેરમાં રસાયણ, કલર અને એસેન્સના મિશ્રણથી ડુપ્લીકેટ દારૂ તૈયાર કરી તેનું વેચાણ કરવાની કથિત તૈયારીનો પોલીસ તપાસ દરમિયાન પર્દાફાશ થયો છે. જામનગર સીટી બી ડિવિઝન પોલીસ મથકના જાણવા જોગની તપાસ દરમિયાન મધુવન સોસાયટીના એક મકાનમાંથી ડુપ્લીકેટ દારૂ ભરવા માટેની ખાલી પ્લાસ્ટિકની બોટલો, વિવિધ બ્રાન્ડના ઢાંકણા અને દારૂની બોટલો ઉપર લગાવવાના સ્ટીકર સહિતનો સામાન મળી આવ્યો હતો. વધુ તપાસમાં 1000 લીટર રસાયણનો જથ્થો અગાઉ જ ગટરમાં ઢોળી નાશ કરી દેવાયો હોવાનું તથા આશરે 100 ખાલી પ્લાસ્ટિકની બોટલો સળગાવી દેવાઈ હોવાનું બહાર આવ્યું છે.
જામનગર સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલા જાણવા જોગ નંબર 10/2026, તા.07-09-2026ની તપાસ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, જામનગર શહેરના મધુવન સોસાયટી, શેરી નંબર-2, મકાન નંબર-16માં રહેતો સમન્દરસિંહ ભરતસિંહ ગુર્જર પોતાના રહેણાંક મકાનમાં અંગ્રેજી દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે. બાતમીના આધારે જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તેમજ સીટી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફે સ્થળ પર દરોડો પાડ્યો હતો. મકાન બંધ હોવાથી પંચોની હાજરીમાં તાળું તોડી અંદર પ્રવેશ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન મકાનના હોલમાંથી ડુપ્લીકેટ દારૂ ભરવા માટે ઉપયોગમાં લેવાતી આશરે 750 મિલીની ખાલી પ્લાસ્ટિકની બોટલો નંગ-96 મળી આવી હતી. આ ઉપરાંત મેકડોવેલ નંબર-1, યુનાઇટેડ સ્પિરિટ્સ પ્રા.લિ., પલવલ, હરિયાણા વગેરે લખાણ ધરાવતા દારૂની બોટલના ઢાંકણા નંગ-270 મળી આવ્યા હતા.
પોલીસને વધુમાં 750 મિલીની બોટલ ઉપર લગાવવા માટેના અલગ અલગ બ્રાન્ડના સ્ટીકર નંગ-52 પણ મળી આવ્યા હતા. આ સ્ટીકરો ઉપર 42.8 ટકા આલ્કોહોલ સહિતની વિગતો દર્શાવવામાં આવી હતી. સાથે રોયલ ચેલેન્જ ફાઇનસ્ટ પ્રીમિયમ વ્હિસ્કીની એક ખાલી કાચની બોટલ પણ મળી આવી હતી.
પોલીસે સ્થળ પરથી વીજળીનું બિલ તથા સમન્દરસિંહ ભરતસિંહ ગુર્જર અને ભરતસિંહ નાગુરામ ગુર્જરના આધારકાર્ડની નકલો પણ તપાસના કામે કબજે કરી હતી. જોકે સમગ્ર તપાસમાં સૌથી મહત્વની કડી આરોપીની પૂછપરછ દરમિયાન સામે આવી હતી.
ત્રણ મહિના અગાઉ ડુપ્લીકેટ દારૂ બનાવવાનું નક્કી કર્યાનો ખુલાસો
પોલીસે સમન્દરસિંહ ભરતસિંહ ખટાણા ગુર્જરની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હોવાનું ફરિયાદમાં નોંધાયું છે કે, આશરે ત્રણ મહિના અગાઉ તેના મિત્ર વિષ્ણુ ગુર્જર, જે રાજસ્થાનમાં રહે છે, તેની સાથે મળીને જામનગરમાં રસાયણનો ઉપયોગ કરી ડુપ્લીકેટ દારૂ બનાવવાનું નક્કી કર્યું હતું.
આ માટે જરૂરી સામગ્રી એકત્ર કરવાની શરૂઆત કરવામાં આવી હતી. પોલીસ તપાસ મુજબ, વિષ્ણુ ગુર્જરે મુંબઈથી એક ટ્રાન્સપોર્ટ કંપની મારફતે આશરે 1000 લીટર રસાયણ જામનગર મોકલાવ્યું હતું. આ રસાયણ તા.15-01-2026ના રોજ સમન્દરસિંહે જામનગરમાં છોડાવ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
આ ઉપરાંત ડુપ્લીકેટ દારૂ ભરવા માટેની ખાલી પ્લાસ્ટિકની બોટલો, વિવિધ બ્રાન્ડના સ્ટીકર તથા ઢાંકણા પણ વિષ્ણુ ગુર્જરે અલવરથી મોકલાવ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
એક લીટર રસાયણમાં દોઢ લીટર પાણી ભેળવી દારૂ તૈયાર કરવાની તૈયારી
તપાસમાં સમન્દરસિંહે પોલીસ સમક્ષ જણાવ્યું હોવાનું ફરિયાદમાં નોંધાયું છે કે, એક લીટર રસાયણમાં દોઢ લીટર પાણી સાથે કલર અને એસેન્સનું મિશ્રણ કરીને ડુપ્લીકેટ દારૂ બનાવવાની પ્રક્રિયા નક્કી કરવામાં આવી હતી. આ માટે જરૂરી સામગ્રી એકત્ર કરી રાખવામાં આવી હતી અને તૈયાર કરવામાં આવનાર પ્રવાહીને દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલોમાં ભરી તેના ઉપર સ્ટીકર લગાવવાની તૈયારી હતી.
આ સમગ્ર પ્રક્રિયા માટે મંગાવવામાં આવેલું રસાયણ સમન્દરસિંહના બીજા મકાનમાં રાખવામાં આવ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.
પોલીસ કાર્યવાહી પહેલાં 1000 લીટર રસાયણનો નાશ કરાયો
સમન્દરસિંહના જણાવ્યા આધારે પોલીસે જામનગરના ગુલાબનગર-સત્યસાઇનગર વિસ્તારમાં આવેલા તેના બીજા મકાનની તપાસ કરી હતી. પરંતુ ત્યાં 1000 લીટર રસાયણનો જથ્થો મળી આવ્યો નહોતો. આ મકાનની ચાવી રીંકુસિંહ પરશુરામસિંહ કુશવાહા પાસે રહેતી હોવાનું જાણવા મળતાં પોલીસે તેની પૂછપરછ હાથ ધરી હતી.
પોલીસ તપાસ દરમિયાન રીંકુસિંહે જણાવ્યું હોવાનું ફરિયાદમાં નોંધાયું છે કે, મકાનમાં રાખવામાં આવેલું આશરે 1000 લીટર રસાયણ એક વાહનમાં ભરી હાપા વેલનાથ સોસાયટી ખાતે તેના રહેણાંક મકાન પાસે આવેલી ગટરમાં ઢોળી નાશ કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, ડુપ્લીકેટ દારૂ ભરવા માટેની આશરે 100 જેટલી ખાલી પ્લાસ્ટિકની બોટલો પણ સળગાવી નાશ કરવામાં આવી હોવાનું તેણે જણાવ્યું હતું.
ગટર અને બળેલી બોટલોના અવશેષોના નમૂના લેવાયા
રસાયણ તથા પ્લાસ્ટિકની બોટલોનો નાશ કરવામાં આવ્યો હોવાની હકીકત સામે આવ્યા બાદ પોલીસે બંને સ્થળે પંચનામું હાથ ધર્યું હતું. બે પંચોની હાજરી ઉપરાંત એફએસએલ અધિકારીને સાથે રાખીને કાર્યવાહી કરવામાં આવી હતી.
પ્લાસ્ટિકની બોટલો સળગાવી નાશ કરાયેલી જગ્યાએ તપાસ કરતાં બળેલા અવશેષો મળી આવ્યા હતા. તેના જરૂરી નમૂના લેવામાં આવ્યા હતા. જ્યારે રસાયણ ગટરમાં ઢોળવામાં આવ્યું હોવાની જગ્યાએ ગટરમાંથી રસાયણ જેવી વાસ ધરાવતું પ્રવાહી મળી આવ્યું હતું. આ પ્રવાહીના પણ જરૂરી નમૂના લઈ વૈજ્ઞાનિક તપાસ માટે મોકલવાની કાર્યવાહી કરવામાં આવી છે.
ત્રણ શખ્સોની ભૂમિકા અંગે તપાસ આગળ ધપાવાઈ
સમગ્ર તપાસમાં સમન્દરસિંહ ભરતસિંહ ખટાણા ગુર્જર તથા વિષ્ણુ ગુર્જરે કથિત રીતે ડુપ્લીકેટ દારૂ બનાવવા માટેનું આયોજન કરી રસાયણ, કલર, એસેન્સ, ખાલી બોટલો, વિવિધ બ્રાન્ડના સ્ટીકર તથા ઢાંકણા મંગાવ્યા હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.
જ્યારે વિષ્ણુ ગુર્જરે બહારથી જરૂરી સામગ્રી મોકલાવી હતી અને સમન્દરસિંહે તે સામગ્રી જામનગરમાં મેળવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. બીજી તરફ પોલીસ કાર્યવાહી પહેલાં રીંકુસિંહ પરશુરામસિંહ કુશવાહાએ રસાયણ તથા ખાલી બોટલોનો નાશ કર્યો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.
પોલીસે મધુવન સોસાયટીના મકાનમાંથી મળી આવેલા બોટલ, ઢાંકણા અને સ્ટીકર સહિતના મુદ્દામાલને તપાસના કામે કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. ડુપ્લીકેટ દારૂનું વાસ્તવિક ઉત્પાદન થયું હતું કે માત્ર ઉત્પાદન માટેની તૈયારી કરવામાં આવી હતી, તેમજ સમગ્ર પ્રકરણમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ આગળ ધપાવી રહી છે.
જિલ્લા પોલીસ વડા ડો.રવિ મોહન સૈની અને સીટી ડી.વાય.એસ.પી. જે.એન.ઝાલાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના પી.આઈ. વી.બી.ચૌધરી અને તેઓની સમગ્ર ટિમ તેમજ સીટી બી. ડીવિઝનના પી.આઈ. એન.બી.ચૌહાણ અને પી.એસ.આઇ એમ.એચ.મહેતા અને તેઓની ટીમ સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે.