જામનગરમાં રહેતી 15 વર્ષીય સગીરાને લલચાવી અપહરણ કરી જઇ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar: જામનગર પંથકમાં રહેતી 15 વર્ષીય સગીરાને ઈન્સ્ટાગ્રામ મારફતે સંપર્કમાં આવ્યા બાદ લલચાવી-ફોસલાવી લઈ જઇ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ પોલીસ મથકે નોંધાવાઈ છે. સગીરાની ફરિયાદના આધારે પોલીસે સાગર અબ્દુલભાઈ બામણીયા (રહે. હાલ ગજણા ગામના વાડી વિસ્તાર, તા. લાલપુર) વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તથા પોક્સો કાયદાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, સગીરા પોતાના પરિવાર સાથે ચન્દ્રાગા ગામના વાડી વિસ્તારમાં ખેતમજૂરી માટે રહેતી હતી. આશરે એક મહિના અગાઉ ઈન્સ્ટાગ્રામ મારફતે સાગર બામણીયા સાથે સંપર્ક થયો હતો. ત્યારબાદ બંને વચ્ચે મોબાઈલ ફોન પર વાતચીત શરૂ થઈ હતી અને પ્રેમસંબંધ બંધાયો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. સગીરાના માતા-પિતા કામસર બહાર ગયા હતા તે દરમિયાન તેણીએ સાગરને તેને લેવા આવવા જણાવ્યું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
ત્યારબાદ સાગર સગીરાને વાડી વિસ્તારમાંથી લઈ જઈ લાલપુર તરફ ગયો હતો અને ત્યાં પોતાના મિત્રના વાડી વિસ્તારમાં તેને લઈ ગયો હતો. ફરિયાદ મુજબ, સગીરા આશરે બે અઠવાડિયા જેટલો સમય ત્યાં રોકાઈ હતી. આ દરમિયાન સાગર બામણીયાએ તેની સાથે અનેક વખત શરીર સંબંધ બાંધ્યો હોવાનો સગીરાએ આક્ષેપ કર્યો છે.
બાદમાં સગીરાના પરિવારજનોને સમગ્ર હકીકતની જાણ થતાં તેઓ તેને પરત લઈ આવ્યા હતા. પરિવારને ઘટનાની જાણ કર્યા બાદ સગીરા પરિવારજનો સાથે પોલીસ મથકે પહોંચી હતી અને સાગર બામણીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 137(2), 87, 64(2)(એમ), 65(1) તથા પોક્સો કાયદાની કલમ 4(2) અને 6 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









