જામનગર-ખભાળિયા ધોરી માર્ગ પર વાહન ઓવરટેક કરવા બાબતે બોલાચાલી બાદ ડ્રાઇવરને માર માર્યાની ફરિયાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar: લાલપુર તાલુકાના નવાગામ-નંબર 9 વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં ડ્રાઇવિંગ કરતા રાણસીભાઈ જેશાભાઈ હાથીયા ઉંમર વર્ષ 21એ ક્રેટા કારના ચાલક અર્જુનસિંહ સામે મારામારી તથા સોનાની ચેન ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ તા.5 સપ્ટેમ્બરના રોજ બપોરે આશરે ત્રણ વાગ્યે રાણસીભાઈ પોતાની બોલેરો કાર નં. જીજે-27-ટીએફ-8083 લઈને મોટી ખાવડીથી સાપર ગામ તરફ જતા હતા. તેમની સાથે ખાનગી કંપનીમાં કામ કરતા ચરણસિંગ, ગગસિંગ, શેરસિંગ અને ગૌરવકુમાર પણ હતા. મોટી ખાવડીથી આગળ નાગાર્જુન પેટ્રોલ પંપની સામે રોડ પર આગળ ટ્રક જતો હોવાથી રાણસીભાઈએ સફેદ રંગની ક્રેટા કારને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ દરમિયાન ક્રેટા ચાલકે કાર રાણસીભાઈની કારની નજીક લાવી ચાલુ કારે કાચ ઉતારી બોલાચાલી કરી હતી. ત્યારબાદ સિક્કા પાટીયા પાસે સાંઈ ધાબા નજીક પોતાની કાર ઊભી રાખી બોલેરો પણ ઊભી રખાવી હતી. રાણસીભાઈ નીચે ઉતરી ક્રેટા ચાલક પાસે જતા તેણે પોતાનું નામ અર્જુનસિંહ હોવાનું જણાવી બોલાચાલી કરી હતી. રાણસીભાઈએ ઝઘડો ન કરવા કહેતા અર્જુનસિંહે ધક્કો મારતાં તેઓ બોલેરોની પાછળ લગાવેલા સ્પેર વ્હીલ સાથે અથડાયા હતા અને પીઠના ભાગે મુંઢ ઇજા થઈ હતી.
ફરિયાદમાં વધુમાં જણાવ્યા મુજબ અર્જુનસિંહે ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો. દરમિયાન લોકો ભેગા થતાં બંનેને છોડાવ્યા હતા. રાણસીભાઈ ત્યાંથી પોતાની કાર લઈને જતા રહ્યા હતા. મારામારી દરમિયાન ગળામાં પહેરેલી સોનાની ચેન તૂટીને ક્યાંક પડી ગઈ હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. ચેનની કિંમત આશરે રૂ.80 હજાર હોવાનું અને તેનું બિલ બાદમાં રજૂ કરવાની વાત ફરિયાદીએ કરી છે. આ બનાવ અંગે પોલીસે અર્જુનસિંહ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




