Jamnagar

જામનગરમાં દિગ્વિજય પ્લોટમાં આવેલી રાજમંદિર આઈસ્ક્રીમ પાર્લરમાં બાળમજૂરી ઝડપાઈ, બે બાળકો મુક્ત કરાવાયા

By GS Team
29 Nov 20262 mins read
TukuTouch Logo
જામનગરમાં બાળમજૂરી નાબૂદી ટાસ્ક ફોર્સે ઓશવાળ હોસ્પિટલ નજીક આવેલી રાજમંદિર આઈસ્ક્રીમ પર દરોડો પાડ્યો હતો. અહીં 14 વર્ષથી ઓછી ઉંમરના 2 સગીર બાળકોને કામ કરતા પકડવામાં આવ્યા હતા. રાજસ્થાનના આ બાળકોને બાળમજૂરીમાંથી મુક્ત કરાવી બાળ સુરક્ષા વિભાગને સોંપાયા. આઈસ્ક્રીમના માલિક અને ઠેકેદાર સામે કાયદેસરની ફરિયાદ નોંધાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં દિગ્વિજય પ્લોટમાં આવેલી રાજમંદિર આઈસ્ક્રીમ પાર્લરમાં બાળમજૂરી ઝડપાઈ, બે બાળકો મુક્ત કરાવાયા

Jamnagar: જામનગરમાં બાળમજૂરી નાબૂદી માટે રચાયેલી ટાસ્ક ફોર્સ દ્વારા ઓશવાળ હોસ્પિટલ નજીક આવેલી રાજમંદિર આઈસ્ક્રીમ (જેઠાભાઈ ભજીયાવાળા) ખાતે દરોડો પાડવામાં આવતાં બે સગીર બાળકો પાસે કામ કરાવવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. બંને બાળકોની ઉંમર 14 વર્ષથી ઓછી હોવાનું જણાતાં તેમને બાળમજૂરીમાંથી મુક્ત કરાવી બાળ સુરક્ષા વિભાગને સોંપવામાં આવ્યા હતા. આ પ્રકરણમાં સંસ્થાના માલિક અને ઠેકેદાર સામે કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને રચાયેલી ટાસ્ક ફોર્સ દ્વારા તા. 27 નવેમ્બરના રોજ સવારે 11:45 વાગ્યે ઓશવાળ હોસ્પિટલ વિસ્તારમાં બાળમજૂરી નાબૂદી અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન આદેશ્વર પ્લાઝા, ગ્રાઉન્ડ ફ્લોર, દુકાન નં. 2, ઓશવાળ હોસ્પિટલ પાસે, સુમેર ક્લબ રોડ પર આવેલી રાજમંદિર આઈસ્ક્રીમમાં તપાસ કરતાં બે સગીર બાળકો કામ કરતા મળી આવ્યા હતા.

તપાસમાં બંને સગીર બાળકો રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના વતની હોવાનું બહાર આવ્યું હતું. 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કામે રાખી તેમની પાસે કામ કરાવવું બાળમજૂરી પ્રતિબંધક કાયદા હેઠળ ગુનો બનતો હોવાથી બંને બાળકોને મુક્ત કરાવી જિલ્લા બાળ સુરક્ષા એકમના અધિકારીઓ મારફતે ઓબ્ઝર્વેશન હોમ (ચિલ્ડ્રન હોમ) ખાતે મોકલવામાં આવ્યા હતા.

આ કાર્યવાહી શ્રમ વિભાગના સરકારી શ્રમ અધિકારી ડી.ડી. રામી સહિત ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગ, બાળ સુરક્ષા એકમ, એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ, મહાનગરપાલિકાના શોપ ઇન્સ્પેક્ટર તથા મજૂર મહાજન સંઘના પ્રતિનિધિઓની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

આ અંગે સરકારી શ્રમ અધિકારી ડી.ડી. રામીની ફરિયાદના આધારે રાજમંદિર આઈસ્ક્રીમના માલિક ત્રિકમદાસ કેશવલાલ સામીયાણી અને ઠેકેદાર દેવીલાલ ઉદાજી ગાયરી સામે બાળમજૂરી પ્રતિબંધક અને નિયમન સુધારા અધિનિયમની કલમ 3 તથા 14(એ) હેઠળ ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.