Jamnagar

જામનગરમાં વ્યાજખોરોએ 153 કરોડની મિલકતો પચાવી પાડતાં બિલ્ડરની આત્મહત્યા

By GS Team
28 Aug 20264 mins read
TukuTouch Logo
જામનગરના જાણીતા બિલ્ડરના આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. 11 વ્યાજખોરોએ 153 કરોડથી વધુની 28 મિલકતો પચાવી પાડી, પૈસા પરત કરવા છતાં દસ્તાવેજો ન આપી માનસિક ત્રાસ આપ્યો હતો, જેના કારણે તેમણે ઝેરી પદાર્થ પી આપઘાત કર્યો. મૃતકના પુત્ર દેવ પરમારે અડાલજ પોલીસ સ્ટેશનમાં 11 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે સુસાઈડ નોટ સહિતના પુરાવાઓ આધારે તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં વ્યાજખોરોએ 153 કરોડની મિલકતો પચાવી પાડતાં બિલ્ડરની આત્મહત્યા

Jamnagar Crime news : જામનગરના અગ્રણી ધનાઢ્ય બિલ્ડર મેરામણભાઇ પરમારના મૃત્યુના સંદર્ભમાં પરિવાર દ્વારા ચોંકાવનારો ખુલાસો થયો છે. તેમના મૃત્યુનો બનાવ આકસ્મિક નહીં, પરંતુ આપઘાતનો હતો એમ કહીને આક્ષેપ કરાયો છે કે વ્યાજે લીધેલા નાણા ભરપાઈ કરવા છતાં 11 વ્યાજખોરોએ લખાવી લીધેલી દોઢ- સો કરોડની 28 મિલકતોના દસ્તાવેજો પરત ન કરી માનસિક ત્રાસ આપીને આપઘાત માટે મજબૂર કરવામાં આવ્યા હતા. મૃતકના અમદાવાદમાં રહેતા પુત્ર દેવ પરમારે ગાંધીનગરના અડાલજ પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવતાં પોલીસે જામનગરના 11 વ્યક્તિ સામે ગુનો નોંધ્યો છે.

આ ઘટનામાં જામનગરના પાંચ મહિલા સહિત 11 વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસ દ્વારા નાણાંની લેવડદેવડ, જમીન-મિલકતના દસ્તાવેજો તથા સુસાઇડ નોટ સહિતના મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે. કુલ 153 કરોડથી વધુની 28 જેટલી મિલકતો પચાવી પાડયાનો આક્ષેપ છે.

ફરિયાદ મુજબ, મેરામણભાઈએ વિવિધ વ્યક્તિઓ પાસેથી નાણાં લીધા હતા અને તેની સામે જમીન-મિલકતના દસ્તાવેજો તેમજ અન્ય વ્યવહારો કરવામાં આવ્યા હતા. નાણાં તથા વ્યાજ પરત ચૂકવ્યા હોવા છતાં આરોપીઓ દ્વારા વધુ નાણાંની માગણી કરી ધાકધમકી આપવામાં આવતી હતીે. આ અંગે મેરામણભાઈએ અલગ-અલગ સુસાઇડ નોટમાં પણ નાણાંની લેવડદેવડ અને મિલકતના વ્યવહારો અંગે વિગતો લખી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. તા.10 જાન્યુઆરી, 2025ના રોજ મેરામણભાઈએ ઝેરી પદાર્થ પી લેતાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

આપઘાતના 10 દિવસ બાદ સ્યુસાઈડ નોટ મળ્યા બાદ પછી બેંક સ્ટેટમેન્ટ અને સબ રજિસ્ટ્રાર કચેરીના દસ્તાવેજો વગેરે પણ ચકાસવામાં આવ્યા હતા, જેમાં વ્યાજ પેટે લીધેલા નાણાની સિક્યુરિટી અને જામીનગીરી પેટે વાઢેર પરિવાર જામનગર શહેર, નાઘેડી નગરસિમ અને રાવલસર ગામની સીમમાં આવેલી કુલ 28 કીમતી જમીનો તથા પ્લોટ વગેરેના વેચાણ દસ્તાવેજો પોતાના તથા પોતાના પરિવારની મહિલાઓના નામે કરાવી લીધા. જામનગર નજીક ઢીંચડા ગામની સીમમાં આવેલી 17,027 ચોરસ ફૂટ જમીન પરની નંદવિજ્ઞાાન નિકેતન સ્કૂલ પૈકી 7,0021 ચોરસ મીટર મિલકત 50% હિસ્સો પ્રવીણભાઈ લખમણભાઇ નાણાકીય રોકાણ સામે સિક્યુરિટી પેટે પોતાના તથા પત્ની કાંતાબેનના નામે રજીસ્ટર કરાવી દીધો હતો, અવેજ પેટે પાંચ વર્ષ દરમિયાન વાષક બે ટકા લેખે કરોડોનું વ્યાજ વસુલ્યું હોવા છતાં દોમડીયા પરિવારે સ્કૂલનો સો ટકા કબજા વગરનો કરાર પોતાના પુત્ર વિશાલ દોમડીયાના નામે કરાવી લીધો હતો, જે દસ્તાવેજ કરી દીધા બાદ પણ 50 કરોડની વધુ માંગણી કરી માનસિક ત્રાસ આપવાનું ચાલુ રખાયું હતું.

11 આરોપીમાં દંપતી, 3 પુત્ર- પુત્રવધૂ, બીજું દંપતી અને પુત્રનો સમાવેશ

(1) ભીખુભા હરીસિંહ વાઢેર, (2) ધવલસિંહ ભીખુભા વાઢેર (3) વિરેન્દ્રસિંહ ભીખુભા વાઢેર (4) શૈલેન્દ્રસિંહ ભીખુભા વાઢેર (5) ગજરાબા ભીખુભા વાઢેર (6) અનિતાબા વિરેન્દ્રસિંહ વાઢેર (7) કાશ્મીરાબા ધવલસિંહ વાઢેર (8) પ્રવિણાબા શૈલેન્દ્રસિંહ વાઢેર (9) પ્રવીણભાઈ લક્ષ્મણભાઈ દોમડિયા (10) કાંતાબેન પ્રવિણભાઈ દોમડિયા અને (11) વિશાલ પ્રવિણભાઈ દોમડિયા.

સામાન ચેક કરતી વખતે પત્નીને સ્યુસાઈડ નોટ મળી

7મી જાન્યુઆરી 2025ના રોજ બિલ્ડર મેરામણભાઇ પરમાર સતત માનસિક તણાવમાં રહેતા હતા, 10 જાન્યુઆરી 2025ના રાત્રે ગાંધીનગરના અડાલજ ખાતે ગાડી ઉભી રખાવી ડ્રાઈવરને પાન લેવા મોકલી અને ઝેરી દવા પી લીધી હતી. થોડો સમય પછી સારવાર દરમિયાન તબીબો દ્વારા તેઓને મૃત્યુ પામેલા જાહેર કરાયા હતા. ઘટનાના દસેક દિવસ પછી એટલે કે 21 જાન્યુઆરી 2025ના રોજ મૃતકનો સરસામાન ચેક કરતી વખતે પત્ની કીર્તિબેનને બંધ કવરમાં બે સ્યુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં કવર ઉપર લખ્યું હતું કે આ કવર મારા પરિવારની રૂબરૂમાં ખોલશો એવું લખી તારીખ સાથે અવાચ્ય સહી કરેલુ હતુ. ઘટનાના દોઢ વર્ષ બાદ 27 ઓગષ્ટ 2026ના રોજ પુત્ર દેવ પરમારે અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

શું હતી બિલ્ડરની અક્ષરશ: બંને સ્યુસાઈડ નોટ

પ્રથમ સ્યુસાઈડ નોટ (29-12-2024, રાતે 12 વાગ્યે) : મોટા વ્યાજખોરો ભીખુભા હરીસિંહ વાઢેર, ધવલસિંહ, વિરેન્દ્રસિંહ અને શૈલેન્દ્રસિંહે જે મૂડી વ્યાજથી આપેલ છે તે મૂડી તથા વ્યાજ પણ આપેલ છે, 3 ટકા લેખે જે મુદ્દલ તથા વ્યાજના સંપૂર્ણ પૈસા આપેલ, પણ મારી મિલકત તેઓના નામે સેફ્ટી માટે કરેલ હતી તે પરત કરતા નથી અને ઉપરથી વ્યાજનું ચક્રવૃદ્ધિ વ્યાજ લઈને મને આ પરિવારે અતિ ત્રાસ આપીને મારે આ પગલું ભરવા માટે આ ચારેય જવાબદાર છે, જેના ત્રાસના કારણે આ આપઘાત કરવા પાછળ આ રાક્ષસો જવાબદાર છે.

બીજી સુસાઇડનોટ (2- જાન્યુઆરી 2025, સમય-1.25) : ઢીચડા સ્કૂલમાં પ્રવીણ પટેલને કોઈ હિસ્સો નથી, તે 1327માં દસ્તાવેજ કરી દીધા છે, જેના કોઈ પેમેન્ટ બાકી નથી. 3.50 કરોડનું વ્યાજ 2 ટકાલેખે પાંચ વર્ષથી લે છે અને સ્કૂલમાં મારો 50 ટકા દસ્તાવેજ 1327 જમીનના પ્લોટોનો દસ્તાવેજ કરી આપેલ છે. સેફ્ટી માટે સ્કૂલમાં 50 ટકા દસ્તાવેજ પ્રવીણ લક્ષ્મણભાઈ દોમડિયાએ પરત કરવાનો છે. 3.50 કરોડ આપીને રજિસ્ટર કરાર સ્કૂલનો કરવાનો છે, તેના ઘણા ત્રાસના કારણે ભારે પગલું ભરવું પડે છે અને મને 1327ના પ્લોટના દસ્તાવેજ કરે ત્યારે પરત સ્કૂલનો 50 ટકા હિસ્સો કરવાનો છે, જે કહે છે કે મને ક્લિયર કરી આપ 3.50 કરોડની જમીન, તો હું પરત કરૂં છું.'

સૌરાષ્ટ્રની પહેલી રેન્જ રોવર કાર ધરાવતા હતા, અગાઉ પણ ઝેર પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો

અત્રે નોંધનીય છે કે વર્ષ 2016માં મેરામણભાઈ પરમારે વર્ષ 2016માં સૌરાષ્ટ્રની સૌ-પ્રથમ પાંચ કરોડની રેન્જ રોવર કારની ખરીદી કરી હતી. અગાઉ વર્ષ 2020માં પણ તેમણે મોડી રાતે માકડ મારવાની ઝેરી દવા પી લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.