જામનગર નજીક મેઘપરમાંથી ગાંજાના જથ્થા સાથે પકડાયેલા બંધુઓ વતન બિહારથી 5 કિલો ગાંજો લાવી છૂટક વેચાણ કરતા હોવાની કબુલાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Police : જામનગરના મેઘપર ગામમાં ભાડાની ઓરડીમાં ગાંજાનું છૂટક વેચાણ કરતા એક બિહારી શખ્સને પોલીસે ઝડપી પાડી રૂ.2 લાખની કિંમતનો ચાર કિલો ગાંજો કબજે કર્યા બાદ સમગ્ર પ્રકરણમાં વધુ વિગતો બહાર આવી છે. ઝડપાયેલા આરોપી અને તેના સગા ભાઈએ બિહારથી પાંચ કિલો ગાંજો ખરીદી મેઘપર ખાતે લાવી મજૂરોને છૂટક વેચાણ શરૂ કર્યું હતું. જેમાં એક કિલો ગાંજો વેચાઈ ગયા બાદ પોલીસને બાતમી મળતાં કાર્યવાહી કરવામાં આવી હતી. ઝડપાયેલા આરોપીને અદાલતમાં રજૂ કરતાં તેના આઠ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.
મેઘપર ગામે ભાડાની ઓરડીમાં રહેતા મૂળ બિહારના મૌરા બુઝુર્ગ ગામના સુનિલકુમાર રામબાબુ રાયને પોલીસે તા.27 સપ્ટેમ્બરના રોજ રૂ.2 લાખની કિંમતના ચાર કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેના સગા ભાઈ સુજીતકુમાર રામબાબુ રાય તેમજ બિહારના બહુઆરા ગામે રહેતા ગાંજાના સપ્લાયર મોનુનું નામ ખુલ્યું હતું. પોલીસે બંનેને ફરાર જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરી છે.
પોલીસ તપાસમાં એવી વિગતો સામે આવી છે કે, સુનિલકુમાર અને તેનો ભાઈ સુજીતકુમાર પોતાના વતન બિહાર ગયા હતા. ત્યાં બહુઆરા ગામના મોનુનો સંપર્ક કરી તેની પાસેથી રૂ.20 હજારની કિંમતનો પાંચ કિલો ગાંજો ખરીદ્યો હતો. ત્યારબાદ તા.23 સપ્ટેમ્બરના રોજ આ ગાંજાનો જથ્થો લઈને બંને ભાઈઓ મેઘપર આવ્યા હતા અને ભાડાની ઓરડીમાંથી મજૂરોને છૂટક ગાંજો વેચવાનું શરૂ કર્યું હતું.
આ રીતે એક કિલો ગાંજાનો જથ્થો વેચાઈ ગયા બાદ પોલીસને બાતમી મળતાં કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે સ્થળ પરથી ચાર કિલો ગાંજો કબજે કરી સુનિલકુમારની ધરપકડ કરી હતી. વધુ પૂછપરછ અને તપાસ માટે તેને અદાલતમાં રજૂ કરતાં આઠ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. દરમિયાન બિહારના સપ્લાયર મોનુ તથા સુનિલકુમારના ભાઈ સુજીતકુમારની શોધખોળ માટે તપાસનો દોર અન્ય રાજ્ય સુધી લંબાવવામાં આવ્યો છે.




