જામજોધપુર મામલતદાર કચેરીએ આવકનો દાખલો કઢાવવા ગયેલા માલધારી યુવકનું બાઇક ચોરાયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Bike Theft : જામજોધપુર મામલતદાર કચેરી ખાતે આવકનો દાખલો કઢાવવા ગયેલા બમથીયા ગામના એક માલધારી યુવકનું પાર્ક કરેલું મોટરસાઇકલ અજાણ્યો શખ્સ ચોરી કરી જતાં પોલીસમાં ગુનો નોંધાયો છે.
બમથીયા ગામે રહેતા અને માલધારીનો વ્યવસાય કરતા બુધાભાઈ ચાવડાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ ગત 20 જુલાઈના રોજ તેમની માતા પરમાબેન સાથે આવકનો દાખલો કઢાવવા જામજોધપુર મામલતદાર કચેરીએ આવ્યા હતા. રસ્તો બંધ હોવાથી તેમણે પોતાની હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ (રજિસ્ટ્રેશન નંબર જી.જે.10 - ઇ.એ. 6953) સ.વા.૫.વા. સ્કૂલના ખૂણા પાસે પાર્ક કરી હતી. ઉતાવળમાં મોટરસાઇકલમાં ચાવી પણ રહી ગઈ હતી. ત્યારબાદ તેઓ મામલતદાર કચેરી સામે આવેલી વકીલની ઓફિસમાં જરૂરી કાગળી કાર્યવાહી માટે ગયા હતા.
થોડીવાર બાદ પરત ફરતાં પાર્ક કરેલું મોટરસાઇકલ સ્થળ પરથી ગાયબ હતું. ફરિયાદી તથા તેમના ભાઈ હરદાસભાઈએ આસપાસના વિસ્તારમાં તેમજ પોતાની રીતે ઘણા દિવસો સુધી શોધખોળ કરી હતી, પરંતુ મોટરસાઇકલનો કોઈ પત્તો લાગ્યો નહોતો. અંતે વર્ષ 2024 મોડેલનું કાળા રંગનું રૂ.30,000 કિંમતનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ કોઈ અજાણ્યા ચોર ચોરી કરી ગયો હોવાની ફરિયાદ જામજોધપુર પોલીસ મથકે નોંધાવી છે.
ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સ સામે મોટરસાઇકલ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




