જામનગરના જોડિયામાં ભાદરા પાટિયા પાસે બનેવી-સાળાને સમજાવવા જતાં હુમલો, ગુપ્તીથી જીવલેણ હુમલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Crime : જોડીયા તાલુકાના ભાદરા ગામના શંકર ટેકરી વિસ્તારમાં રહેતા 40 વર્ષીય રાજેશભાઈ ખાનાભાઈ પરમારે પોતાના બનેવી કાળુભાઈ માવજીભાઈ રાણવા તથા તેના ભાઈ જગદીશભાઈ માવજીભાઈ વિરુદ્ધ જીવલેણ હુમલાની ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, તા. 2 સપ્ટેમ્બરે સાતમ-આઠમના તહેવાર નિમિત્તે રાજેશભાઈની બહેન કાંતાબેન તથા તેમના સંતાનોને તેમના બનેવી કાળુભાઈ ઈકો કારમાં ભાદરા ખાતે રાજેશભાઈના ઘરે મૂકી ગયા હતા. સાંજે રાજેશભાઈ ભાણેજ સાથે બહાર આંટો મારવા ગયા હતા અને પરત ફર્યા ત્યારે કાંતાબેને જણાવ્યું હતું કે, તેમના પતિ કાળુભાઈ ફોન કરીને બધાને પરત લઈ જવા આવવાના હોવાનું જણાવ્યું છે.
રાત્રે કાંતાબેન તથા ભાણેજો ભાદરા પાટિયા સર્કલ પાસે ગયા હતા અને રાજેશભાઈ પણ ત્યાં પહોંચ્યા હતા. દરમિયાન રાત્રે સાડા નવ વાગ્યાના અરસામાં કાળુભાઈ ઈકો કાર લઈને ત્યાં આવ્યા હતા અને બહેન તથા ભાણેજોને ઘરે પરત જવા માટે કારમાં બેસવાનું કહેતા હતા. ત્યારે રાજેશભાઈએ સાતમ-આઠમનો તહેવાર હોવાથી બહેનને હજુ બે-ત્રણ દિવસ રોકાવા દેવા સમજાવ્યું હતું.
આ વાતથી કાળુભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને રાજેશભાઈ સાથે ગાળાગાળી કરી હતી. બાદમાં ઈકો કારમાંથી મોટી લોખંડની ગુપ્તી કાઢી રાજેશભાઈને જાનથી મારી નાખવાના ઈરાદે હુમલો કર્યો હતો. રાજેશભાઈએ બચાવ કરવાનો પ્રયાસ કરતાં બંને હાથની આંગળીઓ પાસે ગુપ્તીના ઘા લાગ્યા હતા તેમજ ડાબા પડખામાં પણ ગુપ્તીનો ઘા વાગતાં લોહી નીકળવા લાગ્યું હતું.
આ દરમિયાન કાળુભાઈનો ભાઈ જગદીશભાઈ પણ લાકડાનો ધોકો લઈને ત્યાં આવ્યો હતો અને રાજેશભાઈના માથામાં ધોકાનો ઘા માર્યો હતો. બનાવને પગલે કાંતાબેન તથા ભાણેજોએ રાડારાડ કરતાં આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા. લોકો ભેગા થતાં બંને આરોપીઓ ઈકો કારમાં બેસી નાસી ગયા હતા.
ઇજાગ્રસ્ત રાજેશભાઈને કૌટુંબિક ભાઈઓએ 108 એમ્બ્યુલન્સ મારફતે જોડીયા સરકારી હોસ્પિટલ પહોંચાડ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ ડાબા પડખામાં ગંભીર ઇજા હોવાથી વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં તેમને માથા, બંને હાથની આંગળીઓ, ડાબા હાથની હથેળી, ડાબા પડખા તથા છાતીના ભાગે ઇજાઓ થઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. હાલ તેમની સારવાર ચાલી રહી છે. પોલીસે કાળુભાઈ માવજીભાઈ તથા જગદીશભાઈ માવજીભાઈ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




