Jamnagar

જામનગરના રાજપાર્કમાં થોડા વરસાદમાં જ આંગણવાડીનું પ્રાંગણ તળાવમાં ફેરવાયું

By GS Team
16 Sep 20262 mins read
TukuTouch Logo
જામનગરમાં મેઘરાજાની પધરામણી સાથે જ શહેરના વોર્ડ નં. 10ના રાજપાર્ક વિસ્તારમાં આવેલી આંગણવાડી કેન્દ્ર-4માં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. થોડા વરસાદમાં જ આંગણવાડીનું પ્રાંગણ તળાવમાં ફેરવાઈ જતાં નાના ભૂલકાં અને વાલીઓને ભારે હાલાકી પડી રહી છે. પાણી નિકાલ ન થતા બાળકોને કાદવ-કીચડમાંથી પસાર થવું પડે છે. સ્થાનિકો અને વાલીઓએ કાયમી ઉકેલની માગ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના રાજપાર્કમાં થોડા વરસાદમાં જ આંગણવાડીનું પ્રાંગણ તળાવમાં ફેરવાયું

Jamnagar News : જામનગર શહેરમાં મેઘરાજાની પધરામણી સાથે જ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાઓ પણ સામે આવી રહી છે. શહેરના વોર્ડ નં. 10માં આવેલા રાજપાર્ક વિસ્તારમાં થોડા વરસાદમાં જ નંદઘર કેન્દ્ર-4 એટલે કે આંગણવાડીનું સમગ્ર પ્રાંગણ પાણીમાં ગરકાવ થઈ જતાં નાના ભૂલકાંઓ અને તેમના વાલીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
રાજપાર્ક વિસ્તારમાં આવેલી આંગણવાડીમાં વરસાદ પડતાં જ પ્રાંગણમાં પાણી ભરાઈ જતું હોવાનું સ્થાનિકો અને વાલીઓ જણાવી રહ્યા છે. વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થવાના કારણે આંગણવાડીનું પ્રાંગણ જાણે તળાવમાં ફેરવાઈ જતું હોય તેવી સ્થિતિ સર્જાય છે. પરિણામે આંગણવાડીમાં આવતા નાના બાળકોને અંદર આવવા-જવા માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
ખાસ કરીને નાના ભૂલકાંઓને વરસાદી પાણીમાંથી પસાર થઈને આંગણવાડી સુધી પહોંચાડવામાં વાલીઓને ભારે પરેશાની થાય છે. બાળકોના કપડાં અને ચંપલ-જૂતાં પણ પાણીમાં ભીંજાઈ જવાની સ્થિતિ સર્જાતી હોવાથી વાલીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.
થોડા વરસાદમાં જ પાણી ભરાવાની સમસ્યા
સ્થાનિકોના જણાવ્યા મુજબ આ કોઈ એક વખતની સમસ્યા નથી, પરંતુ અવારનવાર થોડો વરસાદ પડે ત્યારે પણ આંગણવાડીના પ્રાંગણમાં પાણી ભરાઈ જાય છે. વરસાદ બંધ થયા બાદ પણ પાણીનો નિકાલ ઝડપથી થતો ન હોવાથી લાંબા સમય સુધી કાદવ-કીચડ અને ભરાયેલા પાણીની સ્થિતિ રહે છે.
આંગણવાડીમાં અભ્યાસ અને પોષણ સહિતની વિવિધ પ્રવૃત્તિઓ માટે આવતા નાના બાળકો માટે સ્વચ્છ અને સુરક્ષિત વાતાવરણ જરૂરી છે. પરંતુ વરસાદી પાણી ભરાવાની સમસ્યાને કારણે આંગણવાડીના બાળકો તેમજ તેમના વાલીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
વોર્ડના નગરસેવકો સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવે તેવી માગ
રાજપાર્ક વિસ્તારના વાલીઓમાં એવી માગ ઉઠી છે કે વોર્ડ નં.10ના નગરસેવકો તથા મહાનગરપાલિકાના સંબંધિત તંત્ર દ્વારા આંગણવાડીની પાણી ભરાવાની સમસ્યાનું સ્થળ નિરીક્ષણ કરી તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે. માત્ર વરસાદી પાણીનો નિકાલ કરવાને બદલે જ્યાંથી પાણી ભરાય છે તે કારણ શોધી કાયમી ધોરણે પાણી ન ભરાય તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ માગ કરવામાં આવી છે.
નાના ભૂલકાંઓના આરોગ્ય અને સલામતીને ધ્યાનમાં રાખીને આંગણવાડીના પ્રાંગણમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો વહેલી તકે ઉકેલ આવે તે જરૂરી બન્યું છે.