જામનગરના ચકચારી ડેન્ટલ કોલેજના રૂ.1.39 કરોડના કૌભાંડમાં ભાવનગરના એક આરોપીનો જેલમાંથી કબજો લેવાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Dental College Scam : જામનગરની ડેન્ટલ કોલેજના ડીનની સહીવાળા રોગી કલ્યાણ સમિતિના 15 ચેક બેન્કમાં વટાવી રૂ.1.39 કરોડ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લેવાના ચકચારી કૌભાંડમાં પોલીસે વધુ એક આરોપીનો હરિયાણાની જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે કબજો મેળવ્યો છે. આ કેસમાં સુરતના આરોપી હરેશ વસાવડાની બેન્ક ડિટેલની તપાસ દરમિયાન નાણાકીય વ્યવહારોનો રેલો ભાવનગરના હિતેશ પ્રવીણભાઈ ગોટી સુધી પહોંચ્યો હતો. પોલીસે તેની સંડોવણી સામે આવતાં હરિયાણાની મીનકા જેલમાંથી તેનો કબજો મેળવી જામનગર લાવવામાં આવ્યો છે.
આરોપીની પૂછપરછ માટે તપાસનીશ પીએસઆઈ આર.બી.ઠાકોરે તેને અદાલત સમક્ષ રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસ દ્વારા આરોપીની ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરી આ સમગ્ર કૌભાંડના નાણાકીય વ્યવહારોની કડીઓ જોડવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
નેશનલ હેલ્થ મિશન હેઠળ કરાર આધારિત ફરજ બજાવતા ડેન્ટલ કોલેજના ક્લાર્ક શોભિત ગર્ગ સામે ગત મે માસમાં ગુનો નોંધાયા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે કેસમાં થયેલા નાણાકીય વ્યવહારો અને બેન્ક ટ્રાન્ઝેક્શનની ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન સુરતના હરેશ વસાવડાની સંડોવણી સામે આવતા તેની પણ ધરપકડ કરવામાં આવી હતી.
હરેશ વસાવડાની બેન્ક ડિટેલની તપાસ કરતાં પોલીસને વધુ એક શખસ હિતેશ પ્રવીણભાઈ ગોટી સાથે નાણાકીય વ્યવહારો થયાની માહિતી મળી હતી.
પોલીસના પ્રાથમિક તપાસ અહેવાલ મુજબ, કેસના પ્રથમ આરોપી શોભિત ગર્ગ દ્વારા રોગી કલ્યાણ સમિતિના ચેકો મારફતે રકમ પોતાના ખાતામાં જમા કરાવવામાં આવતી હતી. ત્યારબાદ આ રકમ સુરતના હરેશ વસાવડા તથા હાલ કબજામાં લેવાયેલા હિતેશ ગોટી સુધી પહોંચતી હતી અને ત્યાંથી અન્ય બેન્ક ખાતાઓમાં પણ નાણાંના ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
હવે હિતેશ ગોટીને મળેલી રકમનો તેણે શું ઉપયોગ કર્યો? તેણે આ નાણાં અન્ય કોઈ વ્યક્તિને ટ્રાન્સફર કર્યા હતા કે કેમ? તેમજ સમગ્ર કૌભાંડમાં તેની સાથે અન્ય કોઈ વ્યક્તિ સંકળાયેલી છે કે કેમ? સહિતના મહત્વના સવાલોના જવાબ મેળવવા પોલીસે ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે. સમગ્ર નાણાકીય વ્યવહારોની કડીઓ મેળવી પોલીસ કૌભાંડના મૂળ સુધી પહોંચવા વધુ તપાસ કરી રહી છે.









