જામનગર નજીક દરેડમાં પરપ્રાંતિય યુવકની હત્યાના મામલે પકડાયેલા ચારેય આરોપીઓને જેલહવાલે કરાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Crime : જામનગરના દરેડ વિસ્તારમાં આવેલા સ્મશાનમાં તા.24 સપ્ટેમ્બરના રોજ ઉછીના રૂપિયા આપવાના મુદ્દે મિત્રો વચ્ચે થયેલી બોલાચાલી બાદ ચાર શખ્સોએ લાકડાના ધોકા વડે એક યુવકને મરણતોલ માર મારતાં તેનું મોત નીપજ્યું હતું. આ હત્યા કેસમાં ફરિયાદ નોંધાયા બાદ પંચકોશી બી ડિવિઝન પોલીસે ચારેય આરોપીઓને ઝડપી લઈ જેલહવાલે કર્યા છે.
મળતી વિગતો મુજબ, બિહારના આમવાષા ગામનો વતની અને હાલ જામનગરના દરેડ વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતો સૂર્યકાન્ત ઉર્ફે સુર્યા બિટેશ્વર પ્રસાદ (ઉ.વ. 28) તા.24 સપ્ટેમ્બરના રોજ દરેડના સ્મશાનમાં મિત્રો સાથે બેઠો હતો. તે દરમિયાન તેના મિત્ર વિમલ પરમારે સૂર્યકાન્ત પાસેથી વાપરવા માટે ઉછીના રૂપિયા માંગ્યા હતા. જોકે, સૂર્યકાન્તે રૂપિયા આપવાની ના પાડતાં વિમલ પરમાર સહિતના શખ્સો ઉશ્કેરાયા હતા.
આ દરમિયાન વિમલ પરમાર, ખોડાભાઈ ઉર્ફે ખોળુ, વિરમ ઉર્ફે રાધે તથા રવીરાજસિંહ કંચવા (રહે. દરેડ)એ સૂર્યકાન્ત પર લાકડાના ધોકા વડે આડેધડ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા સૂર્યકાન્તનું સારવાર મળે તે પહેલાં જ મોત નીપજ્યું હતું.
બનાવ અંગે મૃતકના બનેવી સુગ્રીમકુમાર વર્માની ફરિયાદના આધારે પંચકોશી બી ડિવિઝન પોલીસ મથકમાં ચારેય આરોપીઓ સામે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે તપાસ હાથ ધરી વિમલ પરમાર, ખોડાભાઈ ઉર્ફે ખોળુ, વિરમ ઉર્ફે રાધે તથા રવીરાજસિંહ કંચવાની ધરપકડ કરી તમામને જેલહવાલે કર્યા છે.




