જામનગરમાં તહેવારો બાદ જી.જી. હોસ્પિટલમાં તાવ, શરદી-ઉધરસના દર્દીઓની ભારે ભીડ : રોજની ઓપીડી 2100થી 2200 સુધી પહોંચી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar GG Hospital : જામનગર શહેરમાં તહેવારો પૂર્ણ થયા બાદ બીમારીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. જી.જી. હોસ્પિટલમાં પણ દર્દીઓની સંખ્યામાં એકાએક મોટો ઉછાળો નોંધાયો છે. સાતમ-આઠમના તહેવારો પૂર્વે જી.જી. હોસ્પિટલમાં દરરોજ આશરે 1400થી 1600 જેટલી ઓપીડી નોંધાતી હતી, જે તહેવારો બાદ વધીને 2100થી 2200 સુધી પહોંચી હોવાનું જાણવા મળે છે.
હાલમાં ખાસ કરીને તાવ, શરદી અને ઉધરસ સહિતના રોગોના દર્દીઓની સંખ્યા વધુ જોવા મળી રહી છે. તહેવારો દરમિયાન લોકોની અવરજવર અને ભીડ બાદ વાયરલ તથા અન્ય બીમારીઓના કેસમાં વધારો થયો હોવાનું પણ જોવા મળી રહ્યું છે. જી.જી. હોસ્પિટલમાં દર્દીઓની ભારે ભીડને કારણે હોસ્પિટલ પર પણ વધારાનું ભારણ જોવા મળી રહ્યું છે.
બીજી તરફ શહેરમાં હાલ મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે. આગામી દિવસોમાં રોગચાળો વધુ વકરે તે પહેલાં આરોગ્ય વિભાગ અને જામનગર મહાનગરપાલિકા દ્વારા તકેદારીના જરૂરી પગલાં ભરવા જરૂરી બન્યા છે. ખાસ કરીને મચ્છરોના ઉપદ્રવવાળા વિસ્તારોમાં જંતુનાશક દવાનો છંટકાવ, ફોગિંગ સહિતની કામગીરી વધુ અસરકારક રીતે હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
તહેવારો બાદ જી.જી. હોસ્પિટલમાં દર્દીઓની વધતી સંખ્યા વચ્ચે આરોગ્ય તંત્ર દ્વારા સમયસર સાવચેતીના પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં રોગચાળો વધુ વકરવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ તો જી.જી. હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે.




