જામનગરમાં જલારામ સોડાની સીલ પેક બોટલમાં મૃત મકોડો મળતાં પેઢી સામે કાર્યવાહી : રૂ.5 હજારનો દંડ, નમૂના લેવાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar: જામનગરમાં બેડી ગેઇટ નજીકની એક દુકાનમાં સ્થાનિક સોડા ઉત્પાદક પાસેથી મંગાવવામાં આવેલા સીલ પેક સોડાની બોટલમાંથી મૃત મકોડો મળી આવતાં ચકચાર મચી હતી. દુકાનદારે આ અંગે સપ્લાયર તેમજ મહાનગરપાલિકાની ફૂડ શાખામાં ફરિયાદ કરતાં ફૂડ સેફ્ટી અધિકારીઓએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.
મળતી વિગતો મુજબ, બેડી ગેઇટ પાસેના દુકાનદારે સ્થાનિક સોડા ઉત્પાદક જલારામ સોડા ફેક્ટરીમાંથી સોડાનો જથ્થો મંગાવ્યો હતો. આ જથ્થામાંથી એક સીલ પેક બોટલની અંદર મૃત મકોડો જોવા મળ્યો હતો. આ અંગે દુકાનદારે ફેક્ટરી સંચાલકનો સંપર્ક કરી જાણ કરી હતી. જોકે, યોગ્ય પ્રતિસાદ નહીં મળતાં દુકાનદારે સમગ્ર મામલે મહાનગરપાલિકાની ફૂડ શાખાને જાણ કરી હતી.
ફરિયાદના પગલે મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી અધિકારીઓએ જલારામ સોડા ફેક્ટરી ખાતે પહોંચી સ્વચ્છતાની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. તપાસ દરમિયાન સોડાની કેટલીક બોટલોના નમૂના લેવામાં આવ્યા હતા. સાથે જ ઉત્પાદકને રૂ.5 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો તેમજ સ્વચ્છતા જાળવવા અંગે નોટિસ આપવામાં આવી હતી. આ અંગે ફૂડ સેફ્ટી વિભાગના સિનિયર અધિકારી નિલેશભાઈ જાસોલિયાએ કાર્યવાહી અંગેની વિગતો આપી હતી.




