જામનગરમાં નવરાત્રીના આયોજનમાં ભાગીદારીના નામે રૂ.12.50 લાખ પડાવ્યાનો આરોપ, કેસ પાછો ખેંચાવવા રૂ. 15 લાખની ખંડણી માગી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar: જામનગરમાં નવરાત્રીના આયોજનમાં ભાગીદાર બનાવી નફો અપાવવાની લાલચ આપી રાજકોટના જમીન-મકાનના વેપારી પાસેથી રૂપિયા 12.50 લાખ મેળવી કથિત છેતરપિંડી કર્યાનો મામલો સામે આવ્યો છે. બાકી રકમના ચેક બાઉન્સ થતાં ફરિયાદીએ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. આ કેસ પાછો ખેંચાવવા ફરિયાદીને યુટ્યુબ ચેનલ પર બદનામ કરવાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપી રૂપિયા 15 લાખની ખંડણી માગવામાં આવી હોવાનો ગુનો જામનગર સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે.
આ બનાવ અંગે રાજકોટ જિલ્લાના વાવડી ગામે રહેતા અને 'શ્રીકૃષ્ણ પ્રોપર્ટી'ના નામે જમીન-મકાનની લે-વેચનો વ્યવસાય કરતા 36 વર્ષીય અર્જુનભાઈ રણધીરભાઈ ડવ (આહીર)એ જામનગરના નવરાત્રી આયોજક સંજયભાઈ ચેતરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ વર્ષ 2019 દરમિયાન જ્ઞાતિના એક સામાજિક પ્રસંગમાં ફરિયાદીની ઓળખાણ સંજયભાઈ સાથે થઈ હતી. ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા બંધાઈ હતી. વર્ષ 2023માં નવરાત્રી પહેલાં સંજયભાઈએ રાજકોટ નજીક આવેલા ‘ફોનીક્સ પાર્ટી પ્લોટ’માં ગરબીનું આયોજન કરવાનું જણાવી ફરિયાદીને ભાગીદાર બનવા અને મોટો નફો મેળવવાની લાલચ આપી હતી.
આરોપીની વાતોમાં વિશ્વાસ મૂકી ફરિયાદીએ શરૂઆતમાં રૂપિયા 5 લાખ અને ત્યારબાદ રૂપિયા 7.50 લાખ મળી કટકે-કટકે કુલ રૂપિયા 12.50 લાખ રોકડા આપ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ફરિયાદીના આક્ષેપ મુજબ આરોપીએ તેમની જાણ બહાર નવરાત્રીની ટિકિટો છપાવી લોકો પાસેથી રકમ વસૂલ કરી હતી, પરંતુ ગરબી કે નવરાત્રીનું કોઈ આયોજન કરવામાં આવ્યું ન હતું. ફરિયાદીએ ખર્ચ અને આવકનો હિસાબ માગતાં આરોપીએ ગાયકો અને ઓર્ગેનાઇઝરોને રકમ ચૂકવી હોવાનું બહાનું આપ્યું હતું.
ફરિયાદી દ્વારા સતત રકમ પરત માગવામાં આવતાં આરોપીએ શરૂઆતમાં રૂપિયા ૫ લાખ પરત કર્યા હતા. બાકીની રકમ ચૂકવવા કોટક મહિન્દ્રા બેંકના બે ચેક આપ્યા હતા. જોકે બંને ચેક બેંકમાં જમા કરાવતાં બાઉન્સ થયા હતા. પરિણામે ફરિયાદીએ આરોપી સામે કોર્ટમાં ચેક રિટર્ન ની ફરિયાદ નોંધાવેલ અને કેસ દાખલ થતાં આરોપીએ ફરિયાદીને કેસ પાછો ખેંચી લેવા દબાણ કરવાનું શરૂ કર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આરોપીએ પોતાની ‘સનાતન સત્ય’ નામની યુટ્યુબ ચેનલ પર ફરિયાદીના ખોટા વીડિયો બનાવી તેમને બદનામ કરવાની અને તેમના વ્યવસાયને આર્થિક નુકસાન પહોંચાડવાની ધમકી આપી હોવાનું પણ ફરિયાદમાં નોંધાયું છે ફરિયાદીના જણાવ્યા મુજબ બદનામીથી બચવું હોય તો રૂપિયા ૧૫ લાખ આપવા પડશે તેમ કહી આરોપીએ ખંડણી માગી હતી. રકમ નહીં આપવામાં આવે તો જાનથી મારી નાખવાની પણ અવારનવાર ધમકીઓ આપવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
વારંવારની ધમકીઓ અને દબાણથી ત્રસ્ત થઈ ફરિયાદીએ જામનગર સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો.સીટી બી ડિવિઝન પોલીસે સંજયભાઈ ચેતરીયા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(4), 356(2) અને 351(3) હેઠળ ગુનો નોંધ્યો છે.
આ સમગ્ર કેસની આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર એન.એમ. ગઢવી દ્વારા હાથ ધરવામાં આવી છે. ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપોની સત્યતા અંગે પોલીસ તપાસ બાદ વધુ વિગતો સ્પષ્ટ થશે.









