Jamnagar

જામનગરમાં કાલાવડ નાકા પાસે યુવકને ચાર શખ્સોએ ઢીકાપાટુનો માર મારી હાથમાં ફ્રેક્ચર કર્યું

By GS Team
14 Sep 20261 min read
TukuTouch Logo
જામનગરમાં કાલાવડ નાકા પાસે KGN ચાની હોટલ નજીક 12 સપ્ટેમ્બરના રોજ રાત્રે 4 શખ્સોએ યુવક પર હુમલો કર્યો. જૂની બોલાચાલીના કારણે આફતાબ ખફી, સંજર માજોઠી, બાપુડી ઉર્ફે ચોર અને માજોઢીએ અયાન સાદીને ઢીકાપાટુ માર્યા. આફતાબે બોથડ પદાર્થ વડે હુમલો કરતા અયાનના જમણા હાથના કાંડામાં ફ્રેક્ચર થયું. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં કાલાવડ નાકા પાસે યુવકને ચાર શખ્સોએ ઢીકાપાટુનો માર મારી હાથમાં ફ્રેક્ચર કર્યું

Jamnagar Crime : જામનગરના કાલાવડ નાકા બહાર કે.જી.એન. ચાની હોટલ પાસે જૂની બોલાચાલીનો ખાર રાખી એક યુવક ઉપર ચાર શખ્સોએ હુમલો કરી હાથના કાંડાના ભાગે ફ્રેક્ચરની ઇજા પહોંચાડ્યાની ફરિયાદ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.
નૂરી ચોકડી પાસે અનપુર્ણા માતાજીના મંદિરની બાજુમાં રહેતા અયાનભાઇ મજીદભાઇ સાદી (ઉ.વ.26)એ ફરિયાદમાં જણાવ્યું છે કે, આશરે દોઢ વર્ષ પહેલાં આરોપી પૈકીના એક સાથે બોલાચાલી થઈ હતી. આ બાબતનો ખાર રાખી તા.12 સપ્ટેમ્બરના રાત્રે પોણા બાર વાગ્યાના અરસામાં તે કાલાવડ નાકા બહાર કે.જી.એન. ચાની હોટલ પાસે ઉભા હતા ત્યારે આફતાબ આશીફ ખફી અને સંજર સાહીલ માજોઢી એક્સેસ મોટરસાઇકલ પર આવ્યા હતા. જ્યારે બાપુડી ઉર્ફે ચોર અને માજોઢી પણ અન્ય એક્સેસ મોટરસાઇકલ પર આવ્યા હતા.
ચારેયએ ગાળો આપી અયાનભાઇને ઢીકાપાટુનો માર માર્યો હતો. તેઓ નીચે પડી જતા મોઢા તથા શરીરના ભાગે લાતો અને ગડદાપાટુનો માર માર્યો હતો. આ દરમિયાન આફતાબે નજીકમાંથી બોથડ પદાર્થ ઉપાડી જમણા હાથમાં મારતા કાંડાના ભાગે ફ્રેક્ચરની ઇજા થઈ હતી. હુમલાખોરોએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે. બનાવ અંગે શહેર એ ડિવિઝન પોલીસે ચારેય સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 117(2), 115(2), 352, 351(3), 54 તથા જી.પી. એક્ટ કલમ 135(1) હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.