Jamnagar

જામનગર-રાજકોટ હાઇવે રોડ પર કાલાવડ નજીક વાહન અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત યુવાનનું મોત

By GS Team
8 Sep 20262 mins read
TukuTouch Logo
જામનગર નજીક કાલાવડ-રાજકોટ હાઈવે પર 4 સપ્ટેમ્બરે મોપેડને કારે ટક્કર મારતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આણંદપર ગામ પાસે બનેલી આ ઘટનામાં મોપેડ પર સવાર 36 વર્ષીય મનોજભાઈ રાજારામ માજીને માથામાં ગંભીર ઈજા થઈ હતી. તેમને રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં 7 સપ્ટેમ્બરે તેમનું નિધન થયું હતું. પોલીસે અજાણ્યા કારચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર-રાજકોટ હાઇવે રોડ પર કાલાવડ નજીક વાહન અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત યુવાનનું મોત

Jamnagar Accident : કાલાવડ તાલુકાના આણંદપર ગામ નજીક કાલાવડ-રાજકોટ હાઇવે પર કોલેજ સામે રોડ ક્રોસ કરતી વખતે મોપેડને સફેદ કારચાલકે ટક્કર મારતાં મોપેડ પાછળ બેઠેલા 36 વર્ષીય મનોજભાઈ રાજારામ માજીને માથાના પાછળના ભાગે ગંભીર ઈજા થઈ હતી. તેમને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તા. 7 સપ્ટેમ્બરના રાત્રિના 1:50 વાગ્યે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
મળતી વિગતો મુજબ, મૂળ ઓડિશાના વતની અને હાલ આણંદપર ગામે મહાવીર લુબ્રિકન્ટ્સમાં પરિવાર સાથે રહી મજૂરીકામ કરતા મનોજભાઈ માજી તા.4 સપ્ટેમ્બરની રાત્રે તેમના મિત્ર શિવવિરસિંઘ શ્યામસિંઘ સાથે મોપેડ નં. જીજે-03-જેએફ-9749 પર આણંદપર ગામમાં ઘરવખરીનો સામાન લેવા જતા હતા. દરમિયાન હાઇવે પર કોલેજ સામે રોડ ક્રોસ કરતી વેળાએ રાજકોટ તરફથી આવતી સફેદ કાર નં. જીજે-05-સીઆર-0072ના ચાલકે કાર પૂરઝડપે અને બેદરકારીપૂર્વક હંકારી મોપેડને ટક્કર મારી હતી.
અકસ્માતમાં મોપેડ પાછળ બેઠેલા મનોજભાઈ રોડ પર પટકાતા માથાના પાછળના ભાગે ગંભીર ઈજા થઈ હતી, જ્યારે મોપેડ ચલાવતા તેમના મિત્રને સામાન્ય ઈજા થઈ હતી. અકસ્માત બાદ કારચાલકે કાર આગળ ઉભી રાખી ઇજાગ્રસ્તોની પાસે આવી થોડો સમય રોકાયા બાદ ત્યાંથી ચાલ્યો ગયો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ઈજાગ્રસ્ત મનોજભાઈને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના પત્ની માનસીબેન મનોજભાઈ માજીની ફરિયાદના આધારે કારચાલક સામે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.