Jamnagar

જામનગરથી જીરાગઢ જઈ પરત ફરતી ઈકો કારનું ટાયર ફાટતાં પલટી મારી જવાથી મહિલાનો ભોગ લેવાયો

By GS Team
25 Aug 20262 mins read
TukuTouch Logo
જામનગરના જોડિયા પંથકમાં લખતર ગામના પુલ પાસે ઇકો કારનું ટાયર ફાટતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં જામનગરના 62 વર્ષીય કંચનબેન રાઠોડનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. અન્ય એકને સામાન્ય ઇજા થઇ હતી. જોડિયા પોલીસે કારચાલક સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરથી જીરાગઢ જઈ પરત ફરતી ઈકો કારનું ટાયર ફાટતાં પલટી મારી જવાથી મહિલાનો ભોગ લેવાયો

Jamnagar Accident : જોડીયા પંથકના લખતર ગામના પુલ પાસે ઈકો કારનું ટાયર અચાનક ફાટતાં કાર પલટી મારી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા જામનગરના 62 વર્ષીય કંચનબેન ખીમજીભાઈ રાઠોડને માથા સહિત શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું, જ્યારે સોનાબેનને સામાન્ય ઈજાઓ થઈ હતી.
આ બનાવ અંગે ખીમજીભાઈ દેશજીભાઈ રાઠોડે જોડીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તા.21 ઓગસ્ટના રોજ સવારે ખીમજીભાઈ રાઠોડ, તેમના પત્ની કંચનબેન, ભત્રીજાની પુત્રી આરુબેન તથા સંબંધીઓ પુનાબેન અને સોનાબેન સહિતના પરિવારજનો સગાસંબંધીએ યોજેલી દશામાના વ્રતની ઉજવણીમાં ભાગ લેવા જીરાગઢ ગામેં ગયા હતા. બપોર બાદ તેઓ સંબંધિત કેતનભાઈની ઈકો કાર નં. જીજે-13 એચ-4907 માં જામનગર પરત ફરી રહ્યા હતા.
દરમિયાન આશરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં ધ્રોળ-માળિયા હાઈવે રોડ પર લખતર ગામના ઓવરબ્રિજ પાસે પહોંચતા ઈકો કારનું ટાયર અચાનક ફાટ્યું હતું. જેના પગલે કાર પલટી મારી ગઈ હતી. અકસ્માતમાં કંચનબેનને માથા તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેઓ બેભાન થઈ ગયા હતા, જ્યારે સોનાબેનને માથા અને હાથના ભાગે ઈજા થઈ હતી.
બનાવને પગલે આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. બંને ઇજાગ્રસ્તોને ધ્રોલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ફરજ પરના તબીબે કંચનબેનને તપાસી ગંભીર ઈજાઓના કારણે મૃત જાહેર કર્યા હતા. સોનાબેનને પ્રાથમિક સારવાર આપવામાં આવ્યા બાદ રજા આપવામાં આવી હતી. કંચનબેનના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો.
ફરિયાદમાં ઈકો કાર ચાલક કેતનભાઈ કાર પૂરઝડપે અને બેદરકારીપૂર્વક ચલાવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જોડીયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.