જામનગરના સિક્કામાં બહેનને છોડાવવા વચ્ચે પડતાં એક મહિલા પર લાકડાના ધોકાથી હુમલો, પાંચ ટાંકા આવ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Crime : જામનગર જિલ્લાના સિક્કા વિસ્તારમાં પાડોશીઓ વચ્ચેના જૂના મનદુઃખને કારણે થયેલી મારામારીમાં એક મહિલાને લાકડાના ધોકાથી ઇજા પહોંચાડવામાં આવતાં પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. આ અંગે સિક્કા પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા–2023ની કલમ 118(1), 115(2), 54 તેમજ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 135 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
ફરિયાદ મુજબ સિક્કાના કારા ભુંગા વિસ્તારમાં નિમાઝ કોલોનીમાં રહેતી જ્યોત્સનાબેન ગોપાલભાઈ સોલંકીએ પોલીસ ફરિયાદ કરીને જણાવ્યું છે કે તે પોતાના પિયર ખાતે રહે છે. સાંજના સમયે તેમના પાડોશમાં રહેતા કાંતિભાઈ ઉર્ફે કિશનભાઈ મકવાણા અને તેમની પત્ની જ્યોતિબેન ઘર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની બહેન પુષ્પાબેન સાથે જૂના મનદુઃખના કારણે બોલાચાલી શરૂ થઈ હતી. બહેનને છોડાવવા માટે જ્યોત્સનાબેન વચ્ચે પડતાં કિશનભાઈએ ત્યાં પડેલો લાકડાનો ધોકો લઈને તેમના કપાળ પર એક ઘા તથા ડાબા હાથના કાંડા પર એક ઘા માર્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.
દરમિયાન જ્યોતિબેન અને પુષ્પાબેન વચ્ચે પણ ઝપાઝપી થઈ હતી. બાદમાં કિશનભાઈ પોતાના પરિવારના અન્ય સભ્યોને બોલાવી લાવ્યા હતા અને બોલાચાલી તથા ધમકી આપ્યાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. ઇજાગ્રસ્ત જ્યોત્સનાબેનને 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ સિક્કા સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને ત્યારબાદ વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તેમના કપાળ પર પાંચ ટાંકા લેવામાં આવ્યા હોવાનું ફરિયાદમાં નોંધાયું છે. આ બનાવ અંગે સિક્કા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




