Jamnagar

જામનગરની પરિણીતાને પતિ, સાસુ-સસરા દ્વારા શારીરિક-માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ

By GS Team
8 Sep 20262 mins read
TukuTouch Logo
જામનગરમાં અંજલીબેન જેપારે પતિ વિજયભાઈ, સાસુ સવિતાબેન અને સસરા લખુભાઈ વિરુદ્ધ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. અંજલીબેનના લગ્ન 13 મે, 2025ના રોજ થયા હતા. પતિ દારૂ પીને મારકૂટ કરતો અને સાસુ-સસરા મેણાં-ટોણાં મારી ત્રાસ આપતા હોવાનું જણાવાયું છે. પતિએ અન્ય યુવતી સાથે મૈત્રી કરાર કરતાં, સમાધાન ન થતા આખરે ફરિયાદ નોંધાઈ.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરની પરિણીતાને પતિ, સાસુ-સસરા દ્વારા શારીરિક-માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ

Jamnagar Harassment Case : જામનગરના મહિલા પોલીસ મથકમાં અંજલીબેન વિજયભાઈ જેપારે તેમના પતિ વિજયભાઈ લખુભાઈ જેપાર તેમજ સાસુ સવિતાબેન અને સસરા લખુભાઈ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 85, 115(2), 352 અને 54 મુજબ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં અંજલીબેને જણાવ્યું છે કે તેમના લગ્ન તા. 13 મે, 2025ના રોજ નાના થાવરીયા ગામના વિજયભાઈ સાથે સમાજના રીતરિવાજ મુજબ થયા હતા. લગ્ન બાદ તેઓ પતિ તથા સાસુ-સસરા સાથે સંયુક્ત પરિવારમાં રહેતા હતા. લગ્નજીવન દરમિયાન પતિને દારૂ પીવાની કુટેવ હોવાથી નાની-નાની બાબતોમાં ઝઘડો કરી ગાળો આપી મારકૂટ કરતો તેમજ ક્યારેક અડધી રાત્રે ઘરમાંથી કાઢી મૂકતો હોવાનો આક્ષેપ કર્યો છે.
આ ઉપરાંત સાસુ સવિતાબેન અને સસરા લખુભાઈ પતિનો સાથ આપી ગાળો આપતા તથા ઘરકામ અને રસોઈ જેવી બાબતોમાં મેણાં-ટોણાં મારતા હોવાની તેમજ સાસુ મારકૂટ કરતી હોવાની ફરિયાદમાં રજૂઆત કરવામાં આવી છે.
ફરિયાદ મુજબ આશરે સાત મહિના પહેલાં પતિ દારૂ પીને ઘરે આવ્યો હતો અને મારકૂટ કરીને અંજલીબેનને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. આ અંગે તેમણે પિતાને જાણ કરતાં પિતા તેમને પોતાના ઘરે તેડી ગયા હતા અને ત્યારથી તેઓ માવતરના ઘરે રહે છે. દરમિયાન પતિએ આરતી નામની યુવતી સાથે મૈત્રી કરાર કર્યો હોવાની જાણ થતાં અંજલીબેને અગાઉ મહિલા પોલીસ મથકમાં અરજી કરી હતી. પોલીસે પતિ-પત્નીનું કાઉન્સેલિંગ કરાવ્યું હતું, પરંતુ સમાધાનનો કોઈ રસ્તો ન નીકળતાં અંતે અંજલીબેને પતિ તથા સાસુ-સસરા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે તેઓ પતિ સાથે સમાધાન કરીને ફરી ઘર સંસાર ચલાવવા માંગતા હોવાથી ફરિયાદ કરવામાં વિલંબ થયો હતો અને કાઉન્સેલિંગ માટે પતિ હાજર ન થતાં તથા આજદિન સુધી કોઈ સમાધાન ન થતાં ફરિયાદ કરવાની ફરજ પડી હતી.