Jamnagar

જામનગરમાં સફાઈ કર્મચારીઓના પ્રશ્નો ઉકેલવાની માંગ સાથે કમિશનરને આવેદન અપાયું

By GS Team
29 Sep 20262 mins read
TukuTouch Logo
જામનગરમાં સફાઈ કર્મચારીઓની વિવિધ સમસ્યાઓ મુદ્દે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી મજૂર યુનિયનનું આમરણાંત ઉપવાસ આંદોલન છઠ્ઠા દિવસે પણ યથાવત રહ્યું. મહેશ બાબરીયા અને અમિત પરમાર સહિતના હોદ્દેદારોએ મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર પાઠવી 1896 બીટ સામે 1334 કર્મચારીઓના ઓછા મહેકમ, જોખમી સફાઈ અને મુકાદમો દ્વારા થતી હેરાનગતિ જેવા પ્રશ્નોના તાત્કાલિક ઉકેલની માંગ કરી. ઉકેલ ન આવે તો 2 ઓક્ટોબરે સફાઈ બહિષ્કારની ચીમકી ઉચ્ચારાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં સફાઈ કર્મચારીઓના પ્રશ્નો ઉકેલવાની માંગ સાથે કમિશનરને આવેદન અપાયું

Jamnagar News : જામનગર શહેરમાં સફાઈ કર્મચારીઓની વિવિધ સમસ્યાઓનો તાકીદે ઉકેલ લાવવાની માંગ સાથે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી મજૂર યુનિયનના હોદ્દેદારો દ્વારા શરૂ કરવામાં આવેલું આમરણાંત ઉપવાસ આંદોલન આજે છઠ્ઠા દિવસે પણ યથાવત રહ્યું હતું. દરમિયાન સફાઈ કર્મચારી સંસ્થાના શહેર પ્રમુખ મહેશ બાબરીયા, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અમિત પરમાર સહિત સફાઈ કર્મચારીઓએ મ્યુનિ. કમિશનર દીપેશ કેડિયા તથા પદાધિકારીઓને મળી આવેદનપત્ર પાઠવી પ્રશ્નોના ઉકેલની માંગ કરી હતી.
આવેદનમાં જણાવ્યા મુજબ, જામનગર શહેરમાં સફાઈની કુલ 1896 બીટ સામે સફાઈ કર્મચારીઓનું મહેકમ માત્ર 1334નું છે. જેથી સફાઈ કર્મચારીઓનું મહેકમ વધારવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ઉપરાંત વોર્ડ નં. 8માં વીજ ટ્રાન્સફોર્મરના પાંજરામાં સફાઈ કર્મચારીઓ પાસે જોખમી રીતે સફાઈ કરાવનાર સામે કાર્યવાહી કરવા તેમજ વોર્ડ નં. 9માં સફાઈ કર્મચારી સામે કથિત રીતે ખોટી રીતે પગલાં લેનારા એસએસઆઈ સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
સફાઈ કર્મચારીઓને મુકાદમો દ્વારા કરવામાં આવતી કથિત હેરાનગતિ અટકાવવા, સફાઈ કર્મચારીઓની ખાલી પડેલી 87 જગ્યાઓ તાત્કાલિક ભરવા સહિતના પ્રશ્નોનો પણ આવેદનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
યુનિયનના હોદ્દેદારોએ ચીમકી ઉચ્ચારી હતી કે, તંત્ર દ્વારા સફાઈ કર્મચારીઓના પ્રશ્નો અંગે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી તા.2 ઓક્ટોબર, ગાંધી જયંતિના દિવસે શહેરના સફાઈ કર્મચારીઓ સફાઈ કામગીરીથી અળગા રહેશે. ત્યારબાદ પણ પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો સંપૂર્ણ હડતાળ શરૂ કરવામાં આવશે. બીજી તરફ, હોદ્દેદારોનું આમરણાંત ઉપવાસ આંદોલન પણ ચાલુ રાખવામાં આવ્યું છે.