જામનગરમાં ગોકુલનગર વિસ્તારમાં રહેતા એક હોટલ સંચાલક દંપતી પોતાના ત્રણ સંતાનો સાથે લાપત્તા બની જતાં ભારે ચકચાર

- છેલ્લા દસ દિવસથી સમગ્ર પરિવાર લાપત્તા બની જતાં સીટી-સી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધી કરાવાઈ: આર્થિક સંકળામણ કારણભૂત
જામનગર, તા. 21 માર્ચ 2021
જામનગરમાં ગોકુલ નગર રડાર રોડ પર નવાનગર શેરી નંબર -5માં રહેતા એક હોટેલ સંચાલક દંપતી પોતાના ત્રણ સંતાનો સાથે એકાએક લાપતા બની ગયા હતા. જેઓની શોધખોળ પછી ક્યાંય પત્તો નહીં સાંપડતાં આખરે સીટી-સી ડિવિઝન પોલીસ મથકમાં ગુમ નોંધ કરાવી છે, અને પોલીસ દ્વારા સમગ્ર પરિવારના પાંચેય વ્યક્તિની શોધ ખોળ ચલાવવામાં આવી રહી છે. જેઓના ગુમ થવા પાછળ આર્થિક સંકળામણ કારણભૂત હોવાનું મનાઈ રહ્યું છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ગોકુલ નગર રડાર રોડ પર નવા નગર શેરી નંબર -૫ માં પ્રફુલભાઈ સવાણી ના મકાનમાં રહતા અને ગોકુલ નગર નજીક બજરંગ ડાઇનિંગ હોલ નામની ભાડાથી ચલાવવામાં આવતી હોટલનું સંચાલન કરતા અરવિંદભાઈ હેમંતભાઈ નિમાવત (ઉ.વ.૫૨) અને તેમના પત્ની શિલ્પાબેન અરવિંદભાઈ નિમાવત (ઉ.વ.૪૫) ઉપરાંત પુત્રી કિરણબેન અરવિંદભાઈ નિમાવત(ઉ.વ.૨૬) પુત્ર રણજીત અરવિંદભાઈ નિમાવત (ઉંમર વર્ષ ૨૪) જ્યારે કરણ અરવિંદભાઈ નિમાવત (ઉંમર વર્ષ ૨૨) કે જેઓ ગત 11 માર્ચના દિવસે પોતાના ઘેરથી એકાએક લાપતા થઈ ગયા હતા.
જેઓની અનેક સ્થળે શોધખોળ ચલાવવામાં આવી રહી હતી, પરંતુ તેઓનો કોઈ પત્તો નહીં મળતાં આખરે જામનગરના સીટી-સી. ડિવિઝન પોલીસ મથકમાં સમગ્ર પરિવાર ના ગુમ થવા બાબતે ગૂમનોંધ કરાવવામાં આવી હતી.
જેના અનુસંધાને સીટી-સી. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.પી. ગોસાઈ દ્વારા પાંચેયની શોધખોળ ચલાવવામાં આવી રહી છે. જેઓના મોબાઈલ ફોન પણ સ્વિચ ઓફ થઈ ગયા હોવાથી કોઈ સંપર્ક સાધી શકાયો નથી. સમગ્ર મામલે પોલીસ ઊંડાણ પૂર્વક ની તપાસ ચલાવે છે. પ્રાથમિક તપાસ દરમિયાન સમગ્ર પરિવાર હોટલ નું સંચાલન કરતો હતો, અને તેઓએ લોન પણ મેળવી હતી. અને છેલ્લા કેટલાક સમયથી આર્થિક સંકળામણ ભોગવતા હતા. જેના કારણે તેઓએ જામનગર છોડી દીધું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.




