Jamnagar

પોરબંદર રેલવે સ્ટેશન પર સફાઈ કામદારોના વેશમાં દારૂની હેરાફેરી કરતાં પકડાયેલા બે શખ્સો સામે જામનગર રેલવે પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો

By GS Team
2 Sep 20262 mins read
TukuTouch Logo
પોરબંદર રેલવે સ્ટેશન પર પોલીસે દારૂની હેરાફેરી કરતા 2 ખાનગી સફાઈ કર્મચારીઓને ઝડપ્યા. ભીડ વચ્ચે થેલામાં સંતાડેલી 7 પ્લાસ્ટિક બોટલ અને 5 ક્વાર્ટર દારૂ સાથે સુલતાનભાઈ ગલ અને રફીકભાઈ ચાવડા પકડાયા. પોલીસે કુલ રૂ.1,366નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પોરબંદર રેલવે સ્ટેશન પર સફાઈ કામદારોના વેશમાં દારૂની હેરાફેરી કરતાં પકડાયેલા બે શખ્સો સામે જામનગર રેલવે પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો

Jamnagar Police : પોરબંદર રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડ વચ્ચે દારૂની હેરાફેરી કરતા રેલવેમાં સફાઈ કામદાર તરીકે ખાનગી નોકરી કરતા બે શખ્સોને પોલીસે અલગ અલગ કાર્યવાહીમાં ઝડપી લીધા હતા. બંને પાસેથી ભારતીય બનાવટના અંગ્રેજી દારૂની કુલ સાત પ્લાસ્ટિકની બોટલ અને પાંચ ક્વાર્ટર મળી કુલ રૂ.1,366નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ પોરબંદર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-2 પર ફરજ દરમિયાન પોલીસની ટીમને એક શંકાસ્પદ શખ્સ કાળા રંગના સફેદ લાઇનવાળા થેલા સાથે મળી આવ્યો હતો. થેલાની તપાસ કરતાં તેમાં 750 મિલીલીટરની અંગ્રેજી દારૂની ચાર સીલબંધ પ્લાસ્ટિકની બોટલ મળી આવી હતી. બોટલો ઉપર ‘ગ્રીન એપલ વોડકા ફોર સેલ ઇન ગોવા ઓન્લી’ લખેલું હતું. ચારેય બોટલની કિંમત રૂ.600 હતી.
પોલીસે શખ્સની પૂછપરછ કરતાં તેનું નામ સુલતાનભાઈ ઓસમાનભાઈ ગલ (ઉ.વ.37, રહે. મોહબતપરા, તા.કુતિયાણા, જી.પોરબંદર) હોવાનું અને રેલવેમાં સફાઈ કામદાર તરીકે ખાનગી નોકરી કરતો હોવાનું જણાવ્યું હતું. દારૂ અંગેનો પાસ-પરમિટ ન હોવાનું જણાતાં પોલીસે દારૂની ચાર બોટલ તથા થેલો મળી કુલ રૂ.611નો મુદ્દામાલ કબજે કરી તેની ધરપકડ કરી હતી.
બીજા બનાવમાં પોરબંદર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-2 પર રેલવે સુરક્ષા દળની એસ્કોર્ટિંગ પાર્ટી દ્વારા એક શંકાસ્પદ શખ્સને વજનદાર થેલા સાથે પોલીસ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. પંચોની હાજરીમાં થેલાની તપાસ કરતાં 750 મિલીલીટરની ત્રણ પ્લાસ્ટિકની બોટલ તથા 180 મિલીલીટરના પાંચ ક્વાર્ટર મળી આવ્યા હતા. આ દારૂના જથ્થાની કુલ કિંમત રૂ.755 હતી.
આ શખ્સે પોતાનું નામ રફીકભાઈ ગફારભાઈ ચાવડા (ઉ.વ.35, રહે. ચોરીયાણા, તા.કુતિયાણા, જી.પોરબંદર) હોવાનું અને રેલવેમાં સફાઈ કામદાર તરીકે ખાનગી એજન્સીમાં નોકરી કરતો હોવાનું જણાવ્યું હતું. દારૂ અંગે પાસ-પરમિટ ન હોવાથી પોલીસે રૂ.755નો મુદ્દામાલ કબજે કરી તેની ધરપકડ કરી હતી.