Jamnagar

ધ્રોળ નજીક સણોસરા પાસે સામસામે બાઇક અથડાતા 58 વર્ષીય આધેડને ગંભીર ઇજા

By GS Team
30 Aug 20262 mins read
TukuTouch Logo
જામનગર-રાજકોટ હાઈવે પર ધ્રોલ નજીક સણોસરા પાટીયા પાસે રવેચી હોટલ પાસે સામસામે બે બાઇક અથડાતા 58 વર્ષીય રફિકભાઈ કટારીયા ગંભીર રીતે ઘવાયા હતા. રોંગ સાઈડમાં પૂરપાટ આવતા અજાણ્યા બાઈકચાલકે ટક્કર મારતા રફિકભાઈને માથા, પાંસળી અને ડાબા પગે ઈજા થઈ હતી. ધ્રોલ પોલીસે અજાણ્યા બાઈકચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ધ્રોળ નજીક સણોસરા પાસે સામસામે બાઇક અથડાતા 58 વર્ષીય આધેડને ગંભીર ઇજા

Jamnagar: ધ્રોલ તાલુકાના સણોસરા ગામના પાટીયાથી થોડેક આગળ રવેચી હોટલ પાસે રાજકોટ-જામનગર હાઇવે પર સામસામે બે મોટરસાયકલ અથડાતાં 58 વર્ષીય આધેડને માથા, પાંસળી તથા ડાબા પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે ધ્રોલ પોલીસે અજાણ્યા બાઇકચાલક સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 281, 125(એ), 125(બી) તથા મોટર વાહન અધિનિયમની કલમ 177 અને 184 હેઠળ ગુનો નોંધ્યો છે.

ધ્રોલના પડધરી ગેટ, ખાટકીવાડ પાસે રહેતા અને કરિયાણાની દુકાન ચલાવતા નવાઝભાઇ રફીકભાઇ કટારીયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તા.3 ઓગસ્ટે સાંજે તેમના પિતા રફિકભાઇ ઇસ્માઇલભાઇ કટારીયા ઉંમર 58 વર્ષ યમાહા એફઝેડ-એક્સ મોટરસાયકલ લઇને પડધરી ખાતે કામ અર્થે ગયા હતા. કામ પૂર્ણ કરી પરત ધ્રોલ તરફ આવતા હતા ત્યારે સણોસરા પાટીયાથી થોડેક આગળ રવેચી હોટલ પાસે સામેથી આવતી અન્ય મોટરસાયકલના ચાલકે પોતાની બાઇક રોંગ સાઇડમાં પુરઝડપે અને બેફિકરાઇથી હંકારી રફિકભાઇની બાઇકના આગળના ભાગે ટક્કર મારી હતી.

ટક્કરના પગલે રફિકભાઇ રોડ પર પટકાયા હતા અને તેમને માથા, પાંસળી તથા ડાબા પગમાં ઇજાઓ પહોંચી હતી. બનાવની જાણ થતાં નવાઝભાઇ અને તેમના કૌટુંબીક કાકા ઇરફાનભાઇ કટારીયા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યાં અકસ્માતગ્રસ્ત બંને મોટરસાયકલ મળી આવી હતી. સામેથી આવેલી બાઇકની નંબર પ્લેટ જોવા મળી ન હતી, પરંતુ તેના ચેસીસ નંબરના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. રાહદારીઓએ પણ અકસ્માત રોંગ સાઇડમાં પુરઝડપે આવતી બાઇકના ચાલકના કારણે થયાનું જણાવ્યું હતું.

108 એમ્બ્યુલન્સ મારફતે રફિકભાઇને રાજકોટની સિનેર્જી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સારવાર બાદ તા.17 ઓગસ્ટે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. અકસ્માત કરનાર બાઇકચાલક સાથે સારવારના ખર્ચ અંગે સમાધાનની વાતચીત ચાલતી હોવાથી ફરિયાદ કરવામાં વિલંબ થયો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. હાલ રફિકભાઇને માથાના ભાગે ઇજા હોવાથી તેઓ વ્યવસ્થિત જવાબ આપી શકતા ન હોવાથી તેમના પુત્ર નવાઝભાઇએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે અકસ્માત કરનાર બાઇકચાલકની શોધખોળ શરૂ કરી છે.