Jamnagar

જામનગર જિલ્લામાં પ્રોહિબિશનના 9 કેસ : દેશી દારૂ, આથો સાથે છ ઝડપાયા

By GS Team
8 Oct 20263 mins read
TukuTouch Logo
જામનગરમાં પોલીસે પ્રોહિબિશન અંગે 9 કેસ નોંધ્યા છે. શહેર-જિલ્લાના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડી 31 લિટર દેશી દારૂ અને 17 લિટર કાચો આથો ઝડપાયો. નશાની હાલતમાં 3 શખ્સો સામે કાર્યવાહી થઈ. લાલવાડી, રણજીતસાગર રોડ, સતાપર, મુળીલા અને મોટા વડાળા સહિતના સ્થળોએથી દારૂ મળ્યો. 3 ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર જિલ્લામાં પ્રોહિબિશનના 9 કેસ : દેશી દારૂ, આથો સાથે છ ઝડપાયા

Jamnagar Liquor Raid : જામનગર શહેર તેમજ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પોલીસે પ્રોહિબિશન અંગે કાર્યવાહી કરી કુલ નવ કેસ નોંધ્યા છે. વિવિધ દરોડા અને પેટ્રોલિંગ દરમિયાન કુલ 31 લિટર દેશી દારૂ તથા 17 લિટર દેશી દારૂ બનાવવાનો કાચો આથો ઝડપાયો હતો. જ્યારે નશાની હાલતમાં મળી આવેલા ત્રણ શખ્સો સામે પણ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
જામનગરના લાલવાડી આવાસ વિસ્તારમાં સિટી એ-ડિવિઝન પોલીસે બ્લોક નં.11/3ના એક મકાનમાં દરોડો પાડી છ લિટર દેશી દારૂ, કિંમત રૂ.1,200નો જથ્થો કબજે કર્યો હતો. આ કેસમાં શાહબાજ અલતાફભાઈ ખીરા દરોડા સમયે હાજર ન મળતાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
રણજીતસાગર રોડ પર મારૂ કંસારા હોલ પાછળ આવેલા એક ઝૂંપડામાંથી સિટી એ-ડિવિઝન પોલીસે 17 લિટર દેશી દારૂ બનાવવાનો કાચો આથો ઝડપી પાડ્યો હતો. રૂ.425ની કિંમતના આથામાંથી નમૂનો લઈ બાકીનો જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. આરોપી આલાભાઈ પુંજાભાઈ રવશી હાજર ન મળતાં તેની સામે ગુનો નોંધાયો છે.
આ ઉપરાંત રણજીતસાગર રોડ વિસ્તારમાં જ એલસીબીની ટીમે એક ઝૂંપડામાં દરોડો પાડી સાત લિટર દેશી દારૂ, કિંમત રૂ.1,400નો જથ્થો કબજે કર્યો હતો. આ કેસમાં કુવરબેન રામભાઈ વિજાણી દરોડા સમયે હાજર મળી આવ્યા ન હતા.
દરમિયાન જી.જી. હોસ્પિટલની જૂની બિલ્ડિંગ પાસે નશાની હાલતમાં તોફાન કરતા ગોકુલનગરના નવલસિંહ રામસિંહ ચૌહાણ (ઉ.વ.35)ને સિટી બી-ડિવિઝન પોલીસે ઝડપી લીધો હતો. જ્યારે નવાગામ ઘેડમાં કેશુભાઈની હોટલ નજીક રાજુભાઈ રસીકભાઈ ભારથી (ઉ.વ.41) પણ નશાની હાલતમાં મળી આવતાં તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. બંને પાસે દારૂ પીવા અંગે કોઈ પાસ-પરમિટ ન હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું.
જામજોધપુર તાલુકાના સતાપર ગામ નજીક ભરડીયાની ધાર પાસે પોલીસે હરેશભાઈ નાગજીભાઈ રાઠોડને બે લિટર દેશી દારૂની ચાર કોથળીઓ સાથે ઝડપી લીધો હતો. પોલીસે રૂ.400નો દેશી દારૂ કબજે કરી પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધ્યો હતો.
કાલાવડ તાલુકાના મુળીલા ગામેથી 112 જનરક્ષક વાહન દ્વારા નશાની હાલતમાં ધર્મેન્દ્રભાઈ અમરાભાઈ ચાવડા (ઉ.વ.30)ને કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો. તેની પાસે પણ કેફી પીણું પીવા માટેનો પાસ-પરમિટ ન હોવાનું જાણવા મળતાં ગુનો નોંધાયો હતો.
મોટા વડાળા ગામેથી શીધુંડી જવાના ગાડા માર્ગ પર કાલાવડ રૂરલ પોલીસે રિઝવાનભાઈ હારુનભાઈ (ઉ.વ.35)ને પ્લાસ્ટિકની થેલીમાં રાખેલી અડધા લિટરની 12 કોથળીઓ સાથે ઝડપી લીધો હતો. તેની પાસેથી કુલ છ લિટર દેશી દારૂ, કિંમત રૂ.1,200નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
જ્યારે સોરઠા ગામમાં કાલાવડ ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે એક રહેણાંક મકાનમાં દરોડો પાડી 10 લિટર દેશી દારૂ, કિંમત રૂ.2,000નો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ કેસમાં રાહુલભાઈ હંસરાજભાઈ મકવાણા (ઉ.વ.32)ની અટકાયત કરવામાં આવી હતી.
આમ જામનગર શહેર, જામજોધપુર અને કાલાવડ વિસ્તારમાં થયેલી અલગ-અલગ કાર્યવાહીમાં 31 લિટર દેશી દારૂ તથા 17 લિટર કાચો આથો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ દ્વારા કુલ નવ પ્રોહિબિશન કેસ નોંધી ત્રણ ફરાર આરોપીઓની શોધખોળ સહિતની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.