જોડીયાના વાવડી ગામમાં વીજ લાઈનના વિરોધમાં 7 ખેડૂતોના આમરણાંત ઉપવાસ, આસપાસના ગામોના ખેડૂતોનો ટેકો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar News : જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે વીજ લાઈન માટે વીજ થાંભલા ઊભા કરવાના વિરોધમાં ખેડૂતોનું ઉગ્ર આંદોલન શરૂ થયું છે. વાવડી ગામે શ્રી રામદેવપીરજી મહારાજ મંદિર પાસે ‘કિસાન સત્યાગ્રહ છાવણી’ ઊભી કરી ગામના સરપંચ સહિત સાત લોકોએ અન્નત્યાગ સાથે આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે.
વાવડીના ખેડૂતોના આ સત્યાગ્રહને લીંબુડા, આણદા, ભાદરા, કેશીયા, રામપર સહિત આસપાસના ગામોના ખેડૂતો પણ ટેકો આપવા માટે મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. સત્યાગ્રહ છાવણી ખાતે ખેડૂતો અને મહિલાઓની મોટી સંખ્યામાં હાજરી જોવા મળી હતી.
સત્યાગ્રહમાં જોડાયેલા સાતેય લોકોનું ગામના રામમંદિર ખાતે સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઢોલ-નગારાના નાદ સાથે શોભાયાત્રા યોજાઈ હતી અને મોટી સંખ્યામાં ગ્રામજનોની હાજરી વચ્ચે સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચ્યા હતા. વાવડી ગામના સરપંચ ભાવેશભાઈએ જણાવ્યું હતું કે, “અમે સાત જણા છાવણીમાં બેઠા છીએ અને આજથી અન્નત્યાગ શરૂ કર્યો છે. માત્ર પાણી ઉપર રહીશું. જ્યાં સુધી કંપનીઓ અને તંત્ર તરફથી અમને ચોક્કસ નિર્ણય આપવામાં નહીં આવે ત્યાં સુધી આ છાવણી છોડીને ક્યાંય જવાના નથી.”
ખેડૂતોનું કહેવું છે કે વીજ લાઈન અને થાંભલા ઊભા કરવાની કામગીરી અંગે તેમના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવે. જ્યાં સુધી તંત્ર અને સંબંધિત વીજ કંપનીઓ દ્વારા ચોક્કસ નિર્ણય લેવામાં નહીં આવે ત્યાં સુધી અન્નત્યાગ સાથેનો આ સત્યાગ્રહ ચાલુ રાખવાની ખેડૂતો દ્વારા ચીમકી આપવામાં આવી છે.









