Jamnagar

જામનગર જિલ્લામાં જુગારના 5 દરોડા : 33 શખ્સો ઝડપાયા, રૂ.1.75 લાખથી વધુનો મુદ્દામાલ કબજે

By GS Team
25 Aug 20262 mins read
TukuTouch Logo
જામનગર શહેર અને જિલ્લામાં પોલીસે મોડી રાત્રે 5 સ્થળોએ દરોડા પાડ્યા. સીટી એ, સીટી સી, પંચકોશી બી અને લાલપુર પોલીસે 33 જુગારીઓને ઝડપી પાડ્યા. આ કાર્યવાહીમાં રોકડ, ગંજીપાના અને 3 મોટરસાયકલ સહિત કુલ રૂ. 1.75 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો. આ સઘન કાર્યવાહીથી જુગારીઓમાં ફફડાટ ફેલાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર જિલ્લામાં જુગારના 5 દરોડા : 33 શખ્સો ઝડપાયા, રૂ.1.75 લાખથી વધુનો મુદ્દામાલ કબજે

Jamnagar Gambling Raid : જામનગર શહેર અને જિલ્લામાં મોડી રાતે જુગાર રમતા શખ્સો સામે પોલીસ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સીટી એ, સીટી સી, પંચકોશી બી અને લાલપુર પોલીસ દ્વારા અલગ-અલગ પાંચ સ્થળે દરોડા પાડીને કુલ 33 શખ્સોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. આ કાર્યવાહીમાં રોકડ રકમ, ગંજીપતાના પાના તેમજ ત્રણ મોટરસાયકલ સહિત અંદાજે રૂ.1.75 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળે છે.
સીટી એ ડિવિઝન પોલીસની સર્વેલન્સ સ્કોડે મોડી રાત્રે મોહનનગર આવાસ, બિલ્ડિંગ નં. 1 પાસે જાહેરમાં દરોડો પાડી તીનપત્તી જુગાર રમતા સાત શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસને તેમની પાસેથી રૂ.10,250ની રોકડ રકમ તથા ગંજીપતાના પાના મળી આવ્યા હતા.
બીજી તરફ સીટી સી ડિવિઝન પોલીસની સર્વેલન્સ સ્કોડે રણજીતનગરના જુના હુડકો વિસ્તારમાં એન્જલ ચોક પાસે સ્ટ્રીટલાઈટના અજવાળે જુગાર રમતા નવ શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસ દ્વારા રૂ.25,370ની રોકડ રકમ ઉપરાંત ત્રણ મોટરસાયકલ કબજે કરવામાં આવી હતી. વાહનો સહિત કુલ રૂ.1,05,370નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
પંચકોશી બી ડિવિઝન પોલીસ દ્વારા દડીયા ગામના રામ મંદિર ચોક વિસ્તારમાં મોડી રાત્રે દરોડો પાડીને તીનપત્તી જુગાર રમતા આઠ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ.45,540ની રોકડ રકમ કબજે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.
લાલપુર તાલુકામાં પણ પોલીસ દ્વારા સણોસરા ગામના પાદરમાં એક જ રાત્રે બે અલગ-અલગ દરોડા પાડવામાં આવ્યા હતા. પ્રથમ કાર્યવાહીમાં ગંજીપતાના પાના વડે તીનપત્તી જુગાર રમતા છ શખ્સોને ઝડપી પાડી તેમની પાસેથી રૂ.4,220ની રોકડ રકમ કબજે કરવામાં આવી હતી.
ત્યારબાદ સણોસરા ગામના પાદરમાં જ અન્ય સ્થળે લાલપુર પોલીસે વધુ એક દરોડો પાડી ત્રણ શખ્સોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. આ દરોડામાં રૂ.10,380ની રોકડ રકમ તથા ગંજીપતા કબજે કરવામાં આવ્યા હતા.
આમ, જામનગર શહેર અને જિલ્લામાં મોડી રાતે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી સતત પાંચ જુગાર વિરોધી કાર્યવાહીમાં કુલ 33 શખ્સો સામે જુગારધારા હેઠળ ગુના નોંધવામાં આવ્યા છે. પોલીસની આ સઘન કાર્યવાહીથી જાહેર સ્થળોએ જુગાર રમતા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો હોવાનું જાણવા મળે છે.