જામનગર લોક અદાલતમાં 3,796 કેસોનો નિકાલ : રૂા. 11.67 કરોડનું સમાધાન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar: જામનગર જિલ્લામાં યોજાયેલી રાષ્ટ્રીય લોક અદાલતમાં વિવિધ પ્રકારના કુલ 11,446 કેસો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં બંને પક્ષોની સંમતિ અને રાજીપાથી કુલ 3,796 કેસોનો સ્થળ પર જ સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન કુલ રૂા. 11,67,55,049ની રકમનું સમાધાન થયું હતું.
લોક અદાલતમાં કોર્ટમાં કેસ દાખલ થયા પહેલાંના વિવાદોના કાયમી ઉકેલ માટેના પૂર્વ-મુકદ્દમા પ્રકારના કુલ 7,351 કેસો વિચારણા હેઠળ લેવાયા હતા. તેમાંથી 830 કેસોનો નિકાલ કરી રૂા. 1,60,63,930નું સમાધાન કરવામાં આવ્યું હતું.
જામનગરની વિવિધ અદાલતોમાં લાંબા સમયથી પડતર એવા કેસોમાંથી કુલ 1,771 કેસો લોક અદાલતના બોર્ડ પર મુકાયા હતા. જેમાંથી 644 કેસોમાં પક્ષકારો વચ્ચે સફળ સમજૂતી થતાં રૂા. 10,06,91,119ની રકમનું સેટલમેન્ટ થયું હતું.
આ ઉપરાંત સ્થાયી બેઠક હેઠળ હાથ ધરાયેલા 2,324 કેસોમાંથી 2,322 કેસોનો ત્વરિત નિકાલ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય લોક અદાલતના આયોજનથી વર્ષોથી ચાલતા વિવાદોનો સમાધાનપૂર્વક અંત આવતાં પક્ષકારોને કોર્ટ-કચેરીના ધક્કા, સમય અને ખર્ચમાંથી રાહત મળી હતી. સાથે જ પરસ્પર સમજૂતી અને ભાઈચારો જળવાઈ રહે તે દિશામાં પણ લોક અદાલત મહત્વપૂર્ણ સાબિત થઈ હતી.




