World

ઝકરબર્ગે AI ડિવાઈસ માટે નવી મેટા સુપર ઈન્ટેલિજન્સ લેબ શરૂ કરી

By GS TEAM
4 Apr 20261 min read
ઝકરબર્ગે AI ડિવાઈસ માટે નવી મેટા સુપર ઈન્ટેલિજન્સ લેબ શરૂ કરી

- સ્માર્ટ ગ્લાસ બાદ નવા પ્રોડક્ટ લોન્ચની તૈયારીઓ

- ટિકટોક, શાયોમી, લેનોવો, ટેન્સેન્ટ જેવી કંપનીઓના અનુભવી હાર્ડવેર હેડ રુઈ શુને ટીમમાં સ્થાન આપ્યું

કેલિફોર્નિયા: માર્ક ઝકરબર્ગની કંપની મેટા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેક્ટરમાં આગળ વધવા માટે નવા હાર્ડવેર ડિવિઝન પર કામ કરી રહી છે. 

રિપોર્ટ મુજબ, કંપની હવે માત્ર સોફ્ટવેર નહીં પરંતુ એઆઈ આધારિત નવા ડિવાઇસ બનાવવાની તૈયારીમાં છે. આ શરૂઆત મેટાની મેટા સુપર-ઈન્ટેલિજન્સ લેબ્સ દ્વારા કરવામાં આવી છે. 

આ લેબ્સનું નેતૃત્વ એલેક્ઝાન્ડર વેન્ગને સોંપવામાં આવ્યું છે.  

મેટા અત્યાર સુધી સ્માર્ટ ગ્લાસ અને વર્ચ્યુઅલ રિયાલિટી હેડસેટ્સ માટે જાણીતી રહી છે.  જે તેના રિયાલિટી લેબ્સ વિભાગ દ્વારા બનાવવામાં આવે છે. પરંતુ, નવા વિભાગથી સ્પષ્ટ થાય છે કે કંપની હવે એઆઈ આધારિત નવી કેટેગરીના ડિવાઇસ ડેવલપ કરવા માંગે છે. આ માટે રિયાલિટી લેબ્સના કેટલાક કર્મચારીઓને હવે મેટા સુપર-ઈન્ટેલિજન્સ લેબ્સમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેમાં, નવા પ્રોટોટાઈપ પર કામ કરવામાં આવી રહ્યું છે. 

મેટા આ નવી હાર્ડવેર ટીમ માટે અનુભવી એન્જિનિયર રુઈ શુને લાવી છે. તેઓ અગાઉ ડ્રીમર નામની એઆઈ સ્ટાર્ટઅપમાં હાર્ડવેર હેડ હતા. આ કંપનીને મેટાએ તાજેતરમાં જ ખરીદી હતી. તેમણે અગાઉ કે-સ્કેલ, બાઈટડાન્સ (ટિકટોક), શાયોમી, લેનોવો અને ટેન્સેન્ટ જેવી કંપનીઓમાં કામ કર્યું છે. જ્યાં, તેમણે જાણીતા સ્માર્ટ ડિવાઈસને ડેવલપ કર્યા છે.