Get The App

'તમારા દાદા પણ ભારતથી અમેરિકા આવ્યા હતા...' ટ્રમ્પનું સમર્થન કરી ફસાયા નિક્કી હેલીના દીકરા

Updated: Oct 25th, 2025

GS TEAM

Google News
Google News
'તમારા દાદા પણ ભારતથી અમેરિકા આવ્યા હતા...' ટ્રમ્પનું સમર્થન કરી ફસાયા નિક્કી હેલીના દીકરા 1 - image

US News: અમેરિકાના રિપબ્લિકન નેતા નિક્કી હેલીના દીકરા નલિન હેલી અને બ્રિટિશ-અમેરિકન પત્રકાર મહેદી હસન વચ્ચે સોશિયલ મીડિયા પર માઇગ્રેશન (પ્રવાસી) નીતિને લઈને ઉગ્ર ચર્ચા શરુ થઈ છે. નલિન હેલીએ ડોનાલ્ડ ટ્રમ્પના માઇગ્રેશન અને વિઝા નિયમો પ્રત્યે કડકાઈનું સમર્થન કરતાં કહ્યું કે, અમેરિકામાં પૂરતા લોકો છે અને AIને કારણે જોબ માર્કેટમાં તંગી છે, તેથી વિદેશીઓને આવવાની જરૂર નથી. નલિનના આ નિવેદન પર પત્રકાર મહેદી હસને વળતો પ્રહાર કરતા કહ્યું કે, "તમારા દાદા પણ 1969માં ભારતના પંજાબથી જ અમેરિકા આવ્યા હતા."

"H-1B વિઝા આપવો જ ન જોઈએ"

નલિન હેલીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, વિદેશીઓને H-1B વિઝા આપવા જ ન જોઈએ. તેમણે ટ્રમ્પ વહીવટીતંત્રને વિદેશીઓની નોકરીઓ સંબંધિત નિયમોને વધુ કડક બનાવવા માટે હાકલ કરી હતી. નલિને કહ્યું કે, "મને કોઈ ફરક પડતો નથી કે તમે કયા દેશના રહેવાસી છો, પછી ભલે તમે કેનેડાના નાગરિક હોવ. આપણે માઇગ્રેશન પર વિરામ મૂકવાની જરૂર છે. આપણી પાસે પહેલેથી જ ઘણા લોકો છે. કંપનીઓ હાયરિંગ કરી રહી નથી અને આ સંકુચિત બજારમાં વિદેશીઓ અમેરિકનોની નોકરી છીનવી લે છે."

આ પણ વાંચોઃ રશિયા-યુક્રેન યુદ્ધનું અંત નજીક? પુતિનના સહયોગીનો સંકેત, ટૂંક સમયમાં સમજૂતી થઈ શકે

નોંધનીય છે કે, નિક્કી હેલી સાઉથ કેરોલિનાના ગવર્નર રહી ચૂક્યા છે અને નલિન તેમના નાના પુત્ર છે.

મહેદી હસને પારિવારિક ઇતિહાસ યાદ અપાવ્યો

Zeteo મીડિયા કંપનીના સ્થાપક મહેદી હસને નલિનના નિવેદનનો જવાબ આપતા જણાવ્યું કે, નલિનના દાદા અજીત સિંહ રંધાવા 1969માં ભારતથી અમેરિકા આવ્યા હતા. તેમણે બાયોલોજીમાં માસ્ટર્સ કર્યું અને પછી બ્રિટિશ કોલંબિયા(કેનેડા)થી PhD કર્યું હતું. 1969માં તેઓ સાઉથ કેરોલિના ગયા અને ત્યાં ભણાવવાનું શરુ કર્યું. રસપ્રદ વાત એ છે કે, મહેદી હસનનો સંબંધ પણ ભારત સાથે છે. તેમના માતા-પિતા હૈદરાબાદથી બ્રિટન ગયા હતા.

સોશિયલ મીડિયા પર ટીકા

મહેદી હસનને જવાબ આપતા નલિને કહ્યું કે, "આ 1969 નથી. તમને લોકોને અમેરિકાથી બસ ફરિયાદો જ રહે છે." જોકે, સોશિયલ મીડિયા પર લોકો નલિનની આકરા શબ્દોમાં ટીકા કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ 'એ ડ્રગ્સ લીડર અને ખરાબ વ્યક્તિ છે..', ડોનાલ્ડ ટ્રમ્પ કોલંબિયાના પ્રમુખ સાથે બાખડ્યાં, બૅન લગાવ્યો

એક યુઝરે ટીકા કરતાં લખ્યું, "જે લોકોએ તમારા દાદાને પરેશાન કર્યા, આજે તમે તેમની જ સાથે ઊભા છો. તમને ક્યારેય સ્વીકારવામાં નહીં આવે." અન્ય એક યુઝરે કહ્યું, "જો આ નીતિ અગાઉથી જ લાગુ હોત, તો તમારો પરિવાર જ જીવિત ન હોત."