'એ ડ્રગ્સ લીડર અને ખરાબ વ્યક્તિ છે..', ડોનાલ્ડ ટ્રમ્પ કોલંબિયાના પ્રમુખ સાથે બાખડ્યા, બૅન લગાવ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

US-Colombia Relations: અમેરિકાએ કોલંબિયાના પ્રમુખ ગુસ્તાવો પેટ્રો પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી છે. આ પગલું ટ્રમ્પ વહીવટી તંત્ર અને અમેરિકાના જૂના સહયોગી એવા લેટિન અમેરિકન દેશ વચ્ચે વધતા તણાવને વધુ ઊંડો કરી શકે છે. અમેરિકાએ આ પ્રતિબંધ એવા સમયે લગાવ્યો, જ્યારે ટ્રમ્પે પેટ્રો પર આરોપ લગાવ્યો કે, તેમણે કોલંબિયાથી અમેરિકામાં કોકીનની તસ્કરી રોકવા માટે કોઈ નક્કર પગલાં ન લીધા.
વૉશિંગ્ટન અને લેટિન અમેરિકાના દેશો વચ્ચે તણાવ
છેલ્લાં કેટલાક અઠવાડિયાથી વૉશિંગ્ટન અને લેટિન અમેરિકાના દેશો વચ્ચે તણાવ વધી રહ્યો છે. અમેરિકન સેનાએ દક્ષિણ કેરેબિયન વિસ્તારમાં પોતાની ગતિવિધિ તેજ કરી દીધી છે અને આંતરરાષ્ટ્રીય જળ વિસ્તારમાં શંકાસ્પદ જહાજ પર હુમલો કર્યો છે, જેના પર અમેરિકાનો દાવો છે કે, તે ડ્રગ્સ લઈને જઈ રહ્યા હતા. જોકે, તેમના તરફથી અત્યાર સુધી તેના કોઈ પુરાવા આપવામાં નથી આવ્યા.
ગુસ્તાવો પેટ્રોનો અમેરિકા પર આરોપ
ગુસ્તાવો પેટ્રોએ અમેરિકા પર કેરેબિયન સાગરમાં એરસ્ટ્રાઇક કરીને નિર્દોષ લોકોની હત્યા કરવાનો આરોપ લગાવ્યો હતો. જવાબમાં ડોનાલ્ડ ટ્રમ્પે કોલંબિયાના પ્રમુખને ગેરકાયદે ડ્રગ લીડર અને ખરાબ માણસ કહીને સંબોધિત કર્યા હતા. પેટ્રો, જેનો હવે ફક્ત 10 મહિનાનો કાર્યકાળ બાકી છે, લાંબા સમયથી આ અમેરિકન સૈન્ય હુમલાના વિરોધી રહ્યા છે. તે કોલંબિયામાં છ દાયકાથી ચાલી રહેલા સંઘર્ષને શાંતિ વાર્તા અને આત્મસમર્પણ કરાર દ્વારા ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ મોટી સફળતા નથી મળી.
અમેરિકા ડ્રગ તસ્કરી સહન નહીં કરે
અમેરિકન નાણાંમંત્રી સ્કૉટ બેસેન્ટે એક નિવેદનમાં કહ્યું કે, 'જ્યારથી પ્રમુખ ગુસ્તાવો પેટ્રો સત્તામાં આવ્યા છે, કોલંબિયામાં કોકીનનું ઉત્પાદન દાયકાઓમાં સૌથી ઊંચા સ્તરે પહોંચી ગયું છે. જેનાથી અમેરિકામાં ડ્રગ્સનું જાણે પૂર આવી ગયું છે અને અમારા નાગરિક આ ઝેરનો શિકાર થઈ રહ્યા છે. પ્રમુખ પેટ્રો કોલંબિયામાં ડ્રગ્સના વેપલાને પ્રોત્સાહન આપ્યું છે અને તેને રોકવા માટે કોઈ નક્કર પગલાં નથી લીધા. પ્રમુખ ટ્રમ્પે અમેરિકાની સુરક્ષા માટે મોટું પગલું લીધું છે અને સ્પષ્ટ કર્યું કે, અમે ડ્રગ તસ્કરીને કોઈપણ કિંમતે સહન નહીં કરીએ.'
કોલંબિયા કોઈ દબાણ સામે નહીં ઝૂકશે
23 ઑક્ટોબરે ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે મીડિયાને જણાવ્યું હતું કે "પેટ્રો માત્ર એક નિષ્ફળ નેતા જ નથી પણ એક ગેરકાયદે ડ્રગ ડીલર પણ છે જેણે પોતાના દેશને ગુનેગારોને સોંપી દીધો છે."
કોલંબિયા સરકારે એક નિવેદન બહાર પાડીને અમેરિકાના આ પગલાને ગંભીર રાજદ્વારી આક્રમણ ગણાવ્યું. પ્રમુખ ગુસ્તાવો પેટ્રોએ કહ્યું કે, "અમેરિકાની કાર્યવાહી રાજકીય બદલો લેવાથી પ્રેરિત છે. કોલંબિયા ક્યારેય બાહ્ય દબાણ સામે ઝૂકશે નહીં. અમે અમારા દેશમાં શાંતિ અને ન્યાય માટે લડ્યા છીએ."
કોલંબિયાના વિદેશ મંત્રાલયે પણ અમેરિકાના રાજદૂતને બોલાવ્યા છે અને પ્રમુખ ટ્રમ્પના નિવેદન સામે ઔપચારિક વિરોધ નોંધાવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, આવા નિવેદનબાજી બંને દેશો વચ્ચેના સહયોગને ગંભીર અસર કરશે. લેટિન અમેરિકન દેશોએ કેરેબિયનમાં અમેરિકાના સતત વધતા લશ્કરી તૈનાત પર ચિંતા વ્યક્ત કરી છે. બ્રાઝિલ અને ચિલીએ સંયુક્ત નિવેદન બહાર પાડીને કહ્યું છે કે રાજદ્વારી ઉકેલ એ કોઈપણ સમસ્યાનો ઉકેલ લાવવાનો શ્રેષ્ઠ માર્ગ છે, જ્યારે મેક્સિકોએ ટ્રમ્પ વહીવટીતંત્રના આ ક્ષેત્રમાં એરક્રાફ્ટ કેરિયર 'યુએસ ઝેરાલ્ડ ફોર્ડ' તૈનાત કરવાના નિર્ણયને એકતરફી અને અસંતુલિત પગલું જણાવ્યું.









