નવી દિલ્હી : કોઈનાં મૃત્યુનો સમય ન આવે તો ગમે તે થાય, તે જીવંત જ રહે છે. એક કહેવત છે. 'જીસકો રાખે સાંઈયા, માર સકેના કોઈ.' તે કહેવત સાચી ઠરાવતો કિસ્સો લિબિયામાં મળી આવ્યો છે. તેને શોધવા માટે ગયેલી રેસ્ક્યુ ટીમે તે જીવંત રહ્યો હોવાની આશા છોડી દીધી હતી. પરંતુ જ્યારે તે યુવક સહી સલામત જીવતો મળ્યો ત્યારે રેસ્કયુ ટીમને પણ આશ્ચર્ય થયું હતું.
આ ઘટનાની હકીકત તેવી છે કે, લીબીયાનાં બ્રેગા ગામમાં રહેતો મરવાન-અલ-વરીજી ૧૨મી મેના દિવસે એક તેલ ક્ષેત્રમાંથી નીકળી પોતાના ગામે જવા નીકળ્યો ત્યાં માર્ગ ભૂલી ગયો અને દુર્ગમ રણમાં જઈ પહોંચ્યો.
રણના અંદરના ભાગમાં પહોંચતાં તેની મોટર ખરાબ થઈ ગઈ. માઇલો સુધીનું રણ, મોબાઇલ નેટવર્કનું નામો-નિશાન નહીં. બીજી તરફ તે ઘરે ન પહોંચતાં હડકંપ મચી ગયો. તેને શોધવા મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ થયું. તેમાં માત્ર સરકારી તંત્ર જ નહીં પરંતુ સ્થાનિક લોકો પણ જોડાયા. ચાર-ચાર ગાડીઓ અને હેલિકોપ્ટર્સ કામે લગાડાયાં. સોશ્યલ મીડીયા પર પણ તેના ફોટા સાથે મદદની અપીલ કરાઈ. આખરે ૧૭મી મેના દિવસે રેસ્ક્યુ ટીમને 'જિખટા' અને દક્ષિણ પૂર્વ સ્થિત 'રામલ-૮૧' (સેન્ડ-૮૧) વચ્ચે મરવાનનું લોકેશન મળ્યું.
રેસ્કયુ ટીમ મરવાનની ગાડી સુધી પહોંચી ત્યારે તે લગભગ બેશુદ્ધ સમાન હતો ઘણો થાકેલો લાગતો હતો. બચાવ ટીમને જોઈ મરવાન આનંદમાં આવી ગયો, બચાવ ટીમના પણ હર્ષનો પાર ન રહ્યો. તેમણે આનંદમાં હવામાં ગોળીબારો કર્યા તો બીજાએ ગાડીનું હોર્ન વગાડી આનંદ વ્યક્ત કર્યો.
આશ્ચર્ય તે વાતનું છે કે ભીષણ ગરમી અને ડીહાઈડ્રેશન સહન કરવા છતાં એ મરવાનનું આરોગ્ય તદ્દન સારૃં છે. સ્થાનિક મીડીયા જણાવે છે કે મરવાન જ લોકોને ચેતવણી આપતાં કહેતો હતો કે રણમાં કદી એકલા ન જવું પરંતુ કિસ્મતનો ખેલ જુઓ તે પોતે જ એકલો નીકળ્યો. કિસ્મતનો બીજો ખેલ જુઓ તે સહિસલામત રહી શક્યો.


