World

દુનિયાનું ટેન્શન ફરી વધ્યું, ઈરાન પર હુમલા કર્યા બાદ હાઈ એલર્ટ, અમેરિકાએ જહાજોને મોકલી ચેતવણી

By GS Team
8 Jul 20263 mins read
TukuTouch Logo
પશ્ચિમ એશિયામાં યુદ્ધનો ખતરો વધ્યો છે. હોર્મુઝ સ્ટ્રેટમાં 3 કોમર્શિયલ જહાજો નિશાન બન્યા બાદ અમેરિકાએ ઈરાનના દક્ષિણ વિસ્તારો પર ફરી સૈન્ય હુમલા કર્યા છે. ઈરાનના બંદર અબ્બાસ, કૅશ્મ અને સીરિક નજીક જોરદાર વિસ્ફોટો થયા. અમેરિકાએ દરિયાઈ માર્ગે જતા જહાજો માટે 'સીવિયર' એલર્ટ જાહેર કર્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દુનિયાનું ટેન્શન ફરી વધ્યું, ઈરાન પર હુમલા કર્યા બાદ હાઈ એલર્ટ, અમેરિકાએ જહાજોને મોકલી ચેતવણી
IMAGE - IANS

Bandar Abbas explosions: પશ્ચિમ એશિયામાં ફરી એકવાર યુદ્ધનો ખતરો ઊભો થયો છે. હોર્મુઝ સ્ટ્રેટમાં ત્રણ કૉમર્શિયલ જહાજોને નિશાન બનાવવામાં આવ્યા બાદ, અમેરિકાએ જવાબી કાર્યવાહી કરીને ઈરાનના દક્ષિણ વિસ્તારો પર ફરીથી સૈન્ય હુમલા શરૂ કરી દીધા છે. ગયા મહિને બંને દેશો વચ્ચે થયેલા અસ્થાયી યુદ્ધવિરામ પછી આ પહેલીવાર છે જ્યારે અમેરિકન સેનાએ ઈરાન પર આકરો બોમ્બમારો કર્યો હોય. આ હુમલા બાદ અમેરિકાએ દરિયાઈ માર્ગે પસાર થતા અન્ય જહાજો માટે પણ હાઈ ઍલર્ટ જાહેર કર્યું છે, જેના કારણે હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે.

અમેરિકાની જવાબી સૈન્ય કાર્યવાહી

અમેરિકન સેનાનું કહેવું છે કે આ જવાબી કાર્યવાહી હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહેલા ત્રણ કૉમર્શિયલ જહાજો પર થયેલા હુમલાના વિરોધમાં કરવામાં આવી છે. બીજી તરફ, ઈરાનના સરકારી મીડિયા અનુસાર, દક્ષિણ ઈરાનના દરિયાકાંઠાના શહેરો બંદર અબ્બાસ, કૅશ્મ અને સીરિકની આસપાસ જોરદાર વિસ્ફોટોના અવાજો સંભળાયા હતા. સીરિકના કૉમર્શિયલ પોર્ટ પર એક પ્રોજેક્ટાઈલ(મિસાઇલ કે રોકેટનો ટુકડો) પડવાને કારણે અનેક લોકો ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

દરિયામાં ખતરાનું સ્તર 'સીવિયર' કરાયું, જહાજો માટે કડક ચેતવણી

તણાવ વધતાની સાથે જ અમેરિકન નૌસેનાના નેતૃત્વવાળા જોઈન્ટ મેરિટાઇમ ઇન્ફોર્મેશન સેન્ટર (JMIC)એ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો માટે ખતરાનું સ્તર 'સબસ્ટૅન્શિયલ' (મધ્યમ)થી વધારીને 'સીવિયર' (ગંભીર) કરી દીધું છે. 15 જૂન પછી પહેલીવાર ખતરાનું આટલું ઊંચું સ્તર જાહેર કરવામાં આવ્યું છે. એજન્સીએ ચેતવણી આપી છે કે હવે દરિયામાં નૌસૈનિક ગતિવિધિઓ વધશે, જહાજોની તપાસ તેજ કરવામાં આવશે અને ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ દ્વારા જહાજોને વારંવાર રોકવામાં આવી શકે છે.

સાઉદી અને કતારના ઓઇલ ટેન્કરો પર હુમલો

જે ઓઇલ ટેન્કરો પર હુમલા થયા હતા, તે સાઉદી અરેબિયા અને કતારના હોવાનું કહેવાય છે. બહેરીને સાઉદી અરેબિયા અને કતારના ઓઇલ ટેન્કરો પર થયેલા આ હુમલાની કડક શબ્દોમાં નિંદા કરી છે અને તેને આંતરરાષ્ટ્રીય કાયદાનું ગંભીર ઉલ્લંઘન ગણાવ્યું છે.

બીજી તરફ, ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈના અંતિમ સંસ્કારના કાર્યક્રમો પણ ચાલી રહ્યા છે. તેમનો તાબૂત ઈરાકના નજફ ઍરપૉર્ટ પહોંચ્યો હતો, જ્યાં ઈરાન અને ઈરાકના ટોચના નેતાઓએ સત્તાવાર શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન ઈરાનના પ્રમુખ મસૂદ પેજેશકિયન અને વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી પણ હાજર હતા, પરંતુ અમેરિકાના આ હુમલા બાદ પેજેશકિયન અંતિમ સંસ્કારનો કાર્યક્રમ અધવચ્ચે છોડીને તાત્કાલિક તેહરાન જવા રવાના થઈ ગયા.

ઈરાનનો અમેરિકા પર કરાર ભંગનો આરોપ

ઈરાનના વિદેશ મંત્રાલયે અમેરિકા પર ગયા મહિને થયેલા MoUનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. ઈરાનનું કહેવું છે કે અમેરિકાએ ઈરાની ઓઇલ નિકાસ પર આપેલી છૂટછાટો પાછી ખેંચીને કરારની કલમ-10નો ભંગ કર્યો છે. બીજી તરફ, અમેરિકાએ આ નિર્ણયને હોર્મુઝ સ્ટ્રેટમાં ઓઇલ ટેન્કરો પર થયેલા હુમલાનો જવાબ ગણાવ્યો છે. ઈરાને પણ હવે ખુલ્લી ચેતવણી આપી છે કે તે પોતાના રાષ્ટ્રીય હિતો અને સુરક્ષાની રક્ષા કરવા માટે કોઈપણ હદ સુધી જવા તૈયાર છે.

અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)નો મોટો પલટવાર

અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)એ સત્તાવાર જાહેરાત કરી છે કે તેમણે ઈરાન સામે સૈન્ય કાર્યવાહી શરૂ કરી દીધી છે. ઈરાને જોકે આ જહાજો પરના હુમલાની સીધી જવાબદારી લીધી નથી, પરંતુ ઈરાની સરકારી ટીવીએ દાવો કર્યો છે કે ઓછામાં ઓછા એક જહાજે ઈરાની સુરક્ષા દળોની ચેતવણીને અવગણી હતી, જેના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે. હાલમાં આ દરિયાઈ માર્ગ પર ભારે તણાવ છે અને ગમે ત્યારે યુદ્ધ શરુ થઈ શકે તેવી સ્થિતિ છે.