- અમેરિકાના પગલાંથી મધ્યપૂર્વમાં સ્થિતિ વધુ તનાવગ્રસ્ત બની
- મધ્યપૂર્વમાં બધા બંદરો સલામત રહેશે, નહીં તો એકપણ સુરક્ષિત નહીં રહે : ઇરાન હોર્મુઝની ખાડીમાં કોઇ જહાજ અંદર કે બહાર આવજા નહીં કરી શકે : અમેરિકા
કૈરો : અમેરિકન લશ્કરે જાહેરાત કરી છે કે તે સોમવારથી બધા ઇરાનીયન બંદરો અને દરિયાઈ વિસ્તારોની ઘેરાબંધી કરવાનો પ્રારંભ કર્યો છે. ઇરાન પર દબાણ લાવવાના ટ્રમ્પના આ પગલાંના કારણે ઓઇલના ભાવ ઊંચે ગયા છે અને યુદ્ધ ફરીથી ભડકવાની સંભાવના વધી ગઈ છે. ઇરાને પણ વળતી ધમકી આપતા જણાવ્યું છે કે અમેરિકાએ ઘેરાબંધી કરી તો ખાડીમાં એકપણ બંદર સલામત નહીં રહે.
ઇરાનમાં સરકારના સમર્થનમાં લોકો રસ્તા પર
ઇરાનમાં સરકારના સમર્થનમાં લોકો રસ્તા પર ઉતર્યા હતા. અમેરિકા-ઇઝરાયેલ સાથે વધતા તનાવ વચ્ચે સામાન્ય લોકો ફરીથી રસ્તા પર ઉતર્યા હતા. લોકોએ મોટાપાયા પર લશ્કરના સમર્થનમાં પ્રદર્શન કર્યુ હતુ. તેમણે અમેરિકાના હુમલા સામે વર્તમાન તંત્રને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. રાજધાની સહિત કેટલાય શહેરોમાં લોકોએ કૂચ કરી હતી અને સુરક્ષા દળો સાથે હોવાનો સંદેશ આપ્યો હતો. આ ઘટનાક્રમને વર્તમાન શાસન વ્યવસ્થાને લોકોના સમર્થન તરીકે જોવામાં આવી રહ્યું છે, જેને ટ્રમ્પ બદલવા માંગે છે.
યુદ્ધવિરામ લાગુ થયા પછી ખાડીમાંથી 40થી વધુ જહાજ પસાર થયા
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે આ ઘેરાબંધીનો પ્રારંભ ઘેરાબંધીનો પ્રારંભ સોમવારે સવારે દસ વાગે અથવા તો ઇરાનના સમય મુજબ સાંજે સાડા પાંચ વાગ્યાથી શરૂ થશે. તેના કારણે હોર્મુઝની ખાડીમાં કોઈપણ જહાજ પ્રવેશી નહીં શકે અને બહાર નીકળી નહીં શકે. યુદ્ધવિરામ શરૂ થયું તેના પછી ૪૦થી વધુ કોમર્સિયલ જહાજ હોર્મુઝની ખાડીમાંથી પસાર થઈ ચૂક્યા છે. આ ઘેરાબંધીની જાહેરાતના કારણે ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલ ૧૦૪ ડોલરને વટાવી ગયો છે.
હોર્મુઝની ઘેરાબંધીમાં બ્રિટન અમેરિકાની સાથે નથી: સ્ટારર્મર
બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારર્મરે બીબીસીને જણાવ્યું હતું કે તેઓ અમેરિકા દ્વારા ઇરાનની ઘેરાબંધી કરવામાં આવી રહી છે તેની સાથે જોડાયેલા નથી. યુકેના પ્રયત્નો હોર્મુઝની ખાડી ખોલાવવા પર કેન્દ્રિત છે.
ફ્રાન્સ યુકે સાથે મળીને મોટા શાંતિ મિશનની તૈયારીમાં : મૈક્રો
ફ્રાન્સના પ્રમુખ મેક્રોએ વૈશ્વિક તનાવ વચ્ચે જણાવ્યું છે કે ફ્રાન્સ હોર્મુઝની ખાડીમાં આવનજાવન સુરક્ષિત કરવા અને નેવિગેશનની સ્થિતિ પૂર્વવત્ કરવા સંપૂર્ણપણે તૈયાર છે. આ ક્ષેત્ર વૈશ્વિક વ્યાપાર માટે ખાસ છે. અહીંની અસ્થિરતા આખા વિશ્વને હચમચાવી શકે છે. ફક્ત એટલું જ નહીં ફ્રાન્સ અને યુકે એક મોટા શાંતિ મિશનની તૈયારીમાં છે. બંને દેશ મળીને એક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ લાવવા જઈ રહ્યા છે જેનો હેતુ વિશ્વના આ અશાંત ક્ષેત્રમાં ફરીથી શાંતિ અને સ્થિરતા લાવવાનો છે.
ઇરાનની નાકાબંધીની કોઈ દરખાસ્ત અમને મળી નથી: ઓસ્ટ્રેલિયા
ઓસ્ટ્રેલિયન પીએમ એન્થની આલ્બાનીઝે જણાવ્યું હતું કે તેમને અમેરિકાની નાકાબંધીમાં સામેલ થવાનો કોઈ અનુરોધ મળ્યો નથી. તે આંતરરાષ્ટ્રીય સમુદ્રી કાયદાના સન્માનની તરફેણમાં છે. તુર્કીના વિદેશમંત્રીએ આશા વ્યક્ત કરી હતી કે હોર્મુઝ સમુદ્રી માર્ગનો મુદ્દો ભવિષ્યમાં કૂટનીતિક રસ્તાઓ દ્વારા ઉકેલવામાં આવશે.
જાપાન હોર્મુઝની ખાડીમાથી માઇન્સ દૂર કરવા માઇનસ્વીપર જહાજ નહીં મોકલે
જાપાને હોર્મુઝની ખાડીમાંથી સુરંગો દૂર કરવા તેના માઇનસ્વીપર જહાજ મોકલવાની તૈયારી બતાવી હતી, પરંતુ ટ્રમ્પની જાહેરાતના પગલે હવે જાપાને તેના પગલાં પરત ખેંચ્યા છે. ચીફ કેબિનેટ સેક્રેટરીએ જણાવ્યું હતું કે જાપાને હોર્મુઝની ખાડીમાં માઇન દૂર કરવાના અભિયાન માટે તેના જહાજો ગોઠવવાનો કોઈ નિર્ણય લીધો નથી. તેણે સ્થિતિ પર ચાંપતી નજર રાખી છે અને આગળનો નિર્ણય પરિસ્થિતિ મુજબ લેવામાં આવશે.
રશિયાની યુદ્ધ રોકવા માટે ચોંકાવનારી દરખાસ્ત
મધ્યપૂર્વના આ યુદ્ધ વચ્ચે રશિયાએ ચોંકાવનારી જાહેરાત કરી છે. રશિયાની આ જાહેરાતે આખા વિશ્વને વિચારતુ કરી દીધું છે. ક્રેમલિને સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે તે અમેરિકા અને બીજા દેશો સાથેના સંભવિત શાંતિ કરાર હેઠળ ઇરાનનું સંવર્ધિત યુરેનિયમ પોતાની પાસે રાખવા સંપૂર્ણપણે તૈયાર છે. રશિયાના પ્રવક્તા પેસ્કોવે સ્પષ્ટ કર્યુ કે પુતિનનો આ પ્રસ્તાવ ઘણા સમયથી મેજ પર છે, પરંતુ હજી સુધી તેના પર કોઈ પગલાં લેવાયા નથી. અમેરિકા-ઇઝરાયેલ અને ઇરાન વચ્ચેનું યુદ્ધ શાંત પાડવા આ પ્રસ્તાવ ગેમચેન્જર સાબિત થઈ શકે છે.
21 એપ્રિલના રોજ ફરીથી શાંતિમંત્રણા યોજવા પાક, તુર્કી, ઇજિપ્ત સક્રિય
અમેરિકા-ઇરાન વચ્ચેની તાજેતરની શાંતિ મંત્રણા ભલે નિષ્ફળ ગઈ હોય, પરંતુ ૨૧ એપ્રિલના રોજ ફરીથી વાતચીત થઈ શકે છે. પાકિસ્તાન, ઇજિપ્ત અને તુર્કી જેવા દેશો વાટાઘાટમાં મહત્ત્વની ભૂમિકા ભજવવા તૈયાર થયા છે. આ દેશોને ડર છે કે જો મંત્રણા નિષ્ફળ ગઈ તો મધ્યપૂર્વમાં શરૂ થયેલા યુદ્ધની આગ તેમના ઘરો સુધી પહોંચી જશે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ સ્થિતિ એક બજાર જેવી છે, જેમા બંને પક્ષ બૂમો પાડી રહ્યા છે, ભાવતાલ કરી રહ્યા છે, પરંતુ કોઈપણ દુકાન છોડીને ગયું નથી.
ઇરાનની નાકાબંધીના લીધે રોજ 31 કરોડ લિટર ક્રૂડ ઓઇલ બજારમાં નહીં આવે
તહેરાન : અમેરિકન લશ્કરે સોમવારથી ઇરાનના બધા જ બંદરો અને કિનારાના વિસ્તારોની ઘેરાબંધી શરૂ કરી દીધી છે. અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડે જાહેરાત કરી છે કે ઇરાનના સમય મુજબ સાંજે સાડા છ વાગ્યાથી બધા દેશો માટે ઘેરાબંધી લાગુ કરી દેવામાં આવી છે. આ નાકાબંધીનો અર્થ એમ થાય છે કે દરરોજે ૨૦ લાખ બેરલ ઇરાનીયન ઓઇલ બજારમાં નહીં આવે. ૨૦ લાખ બેરલ ઓઇલ એટલે ૩૧ કરોડ લિટર ઓઇલ થાય છે. આટલું ક્રૂડ ઓઇલ બજારમાં નહીં આવે. કેપલર ડેટા મુજબ ઇરાને માર્ચમાં દરરોજે ૧૮.૪ લાખ બેરલ ક્રૂડ ઓઇલની નિકાસ કરી હતી અને એપ્રિલમાં અત્યાર સુધી પ્રતિ દિન ૧૭.૧ લાખ બેરલ ક્રૂડ ઓઇલ પ્રતિ દિન મોકલ્યું છે. ટ્રમ્પે ચેતવણી આપી છે કે જે પણ જહાજ નાકાબંધી તોડવાનો પ્રયત્ન કરશે તે જહાજને ઉડાવી દેવામાં આવશે, તેને એવી રીતે ઉડાવવામાં આવશે જે રીતે ડ્રગ તસ્કરોનું જહાજ ઉડાવવામાં આવી રહ્યું છે.


