નેપાળમાં પૂરના દસ દિવસ પછી પણ મહિલા અને ચીની એન્જિનિયર જીવતા મળ્યાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- નેપાળમાં ૧૨ હાઇડ્રો પ્રોજેકટમાં ૯૦૦ મજૂરો હજી પણ ગુમ
- ચંદ્રિકા નામની મહિલાના કુટુંબીઓએ તો તેને મૃત્યુ પામેલી માની પ્રતિકાત્મક અગ્નિ સંસ્કાર પણ કરી નાખ્યા હતા
નવી દિલ્હી : નેપાળમાં આવેલા ભીષણ પૂરે હજારો જીવન ઉજાડી નાખ્યા. લગભગ ૧,૫૦૦ના મોત થયા છેઅને પાંચ હજારથી વધુ લોકો ગુમ છે. આવામાં એક ચમત્કાર સર્જાયો છે. ઘરવાળાઓએ જે મહિલાને મૃત્યુ પામેલી માનીને તેના અગ્નિ સંસ્કાર કરી નાખ્યા હતા તે જ મહિલા દુર્ઘટનાના દસ દિવસ પછી કાટમાળ નીચેથી જીવતી મળી આવી છે. આ જ રીતે ચીનનો એન્જિનીયર પણ જીવતો મળી આવ્યો છે.
નેપાળના બિદુરમાં ૬૦ વર્ષની મહિલાને કાટમાળમાંથી જીવતી કાઢવામાં આવી. અધિકારીઓએ જણાવ્યું હતું કે નેપાળના નુવાકોટના બિદુર શહેરમાં આવેલા ભીષણ પૂરમાં ચાર માળની ઇમારતના સૌથી ટોચના માળ પરથી ૬૦ વર્ષની મહિલાને જીવતી કાઢવામાં આવી. તે લગભગ ૧૦ દિવસથી ત્યાં દબાયેલી હતી. તેની ઓળખ ચંદ્રિકા શ્રેષ્ઠ તરીકે થઈ છે. ચંદ્રિકાની ભાળ ન મળતા તેના કુટુંબીજનોએ તેને મૃત માની લીધી હતી. ચંદ્રિકાના કુટુંબે તેના પ્રતિકાત્મક અગ્નિ સંસ્કાર પણ કરી દીધા હતા. નેપાળની પોલીસે તેનો વિડીયો પણ શેર કર્યો છે. તેને સારવાર માટે કાઠમંડુ મોકલવામાં આવી છે.
નેપાળમાં આવેલા પૂરમાં હાઇડ્રોપાવર પ્રોજેક્ટમાં ફસાયેલા ચીનના કર્મચારીને ૧૦ દિવસ પછી બહાર કાઢવામાં આવ્યો છે. આના ચાર દિવસ પહેલા બે નેપાળી મજૂરોને પણ સુરંગમાંથી જીવતા બહાર કાઢવામાં આવ્યા હતા. હવે એક ચાઇનીઝ નાગરિકને જીવતો કાઢવામાં આવ્યો છે. નેપાળના લશ્કરે જણાવ્યું હતું કે નેપાળના લશ્કરના જવાનો અને દક્ષિણ કોરીયાના ડિઝાસ્ટર મેનેજમેન્ટના નિષ્ણાતોે મળીને ચલાવેલા અભિયાનમાં ચાઇનીઝ નાગરિકને જીવતો કાઢવામાં આવ્યો હતો. કર્મચારીને ૨૨૫ મીટર લાંબી સુરંગ બનાવી બચાવાયો હતો અને તેની તબીબી ચકાસણી કરવામાં આવી રહી છે.ચીને પહેલી જ વખત કબૂલ્યું હતું કે નેપાળ પૂર દુર્ઘઠનામાં તેના ૩૧ નાગરિકોના મૃત્યુ થયા છે.
નેપાળના લશ્કરે બચાવ કાર્યની તસ્વીરો જારી કરી છે. ચાઇનીઝ નાગરિકને હેલિકોપ્ટરતી એરલિફ્ટ કરતા બતાવવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે નેપાળમાં ૧૨ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ સાથે જોડાયેલા ૯૦૦ કર્મચારીઓ ગુમ છે. તેમાથી ૫૦૦ તો જુદી-જુદી સુરંગોમાં ફસાયેલા હોવાની શક્યતા છે.




