- પ્રમુખ ટ્રમ્પે કહ્યું : અમેરિકા-ઈરાન મંત્રણાએ અસામાન્ય પ્રગતિ સાધી છે : ઈરાનની સંસદના અધ્યક્ષે ટ્રમ્પનાં તે કથનને રદિયો આપ્યો
જેરૂસલેમ : ઈરાન સાથેનું યુદ્ધ બંધ થવા માટે અમેરિકાએ ૯મી એપ્રિલ સંભવિત તારીખ જણાવી છે. મીડીયા આ અંગે જણાવે છે કે, પ્રમુખ ટ્રમ્પે તહેરાનનાં ઊર્જા સંયંત્રો ઉપર હુમલા કરવાનું હાલ તુરત નિવાર્યા પછી સરકારના ઉચ્ચ અધિકારીઓએ તે પ્રમાણે જણાવ્યું હતું.
તે સર્વવિદિત છે કે પ્રમુખ ટ્રમ્પે હોર્મુઝ સમુદ્રધુનિ ખુલ્લી કરવા માટે આપેલા આખરીનામાની મુદત વધારી પાંચ દિવસની કરવા સાથે પાંચ દિવસ સુધી ઈરાનનાં પરમાણુ ઊર્જા સંયંત્રો ઉપર હુમલા કરવાનું નિવાર્યું છે તે માટે કારણ આપતાં તેમણે કહ્યું છે કે ઈરાન સાથે ચાલી રહેલી મંત્રણાઓમાં અસામાન્ય અને રચનાત્મક પ્રગતિ થઈ રહી છે, જેમાં તંગદિલી ઘટાડવાનો મુદ્દો કેન્દ્ર સ્થાને રહ્યો હતો.
આ માહિતી આપતાં ઈઝરાયલનું સૌથી મોટું વર્તમાન પત્ર 'યેદીઓથ અહરોનોથ' જણાવે છે કે પ્રમુખ ટ્રમ્પ ઈઝરાયલનું રાષ્ટ્રીય પારિતોષિક અને સન્માન મેળવવા તેલ અવીવ આવવાનાં છે તે પૂર્વે આ યુદ્ધ સંપન્ન થઈ જવાની શક્યતા છે.
આ વર્તમાનપત્ર ઉપરાંત 'ધ ટાઈમ્સ ઓફ ઈઝરાયલ' વધુમાં જણાવે છે કે, સંભવત: આ સપ્તાહના અંતે અમેરિકા-ઈરાન વચ્ચે પાકિસ્તાનમાં યુદ્ધ બંધ કરવા માટે મંત્રણા યોજાશે.
બીજી તરફ ઈઝરાયલને આ મંત્રણા વિષે માહીતગાર કરાયું નથી. તેટલું જ નહીં પરંતુ ઈરાનની મજલિસ (સંસદ)ના અધ્યક્ષ મોહમ્મદ બાઘેર કલીબફે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ બનાવટી સમાચારો છે જેનો હેતુ ફાયનાન્શ્યલ માર્કેટસને રમાડવાનો છે.


