પાકિસ્તાન ફરીથી ફસાશે ‘ગ્રે લિસ્ટ’માં? ભારતે ઓક્ટોબરની FATF બેઠક માટે તૈયાર કર્યો માસ્ટરપ્લાન!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India Pakistan FATF Meeting Paris October 2026: દુનિયાના કોઈપણ ખૂણે આતંકવાદી ગતિવિધિ થાય એટલે વૈશ્વિક સ્તરે પાકિસ્તાન તરફ આંગળી ચિંધાય તે સ્વાભાવિક છે. પાકિસ્તાન સરકાર અને ત્યાંના આતંકી સંગઠનો વચ્ચેની સાંઠગાંઠ હવે જગજાહેર છે. આ સ્થિતિ વચ્ચે ભારત હવે આગામી ઓક્ટોબર મહિનામાં પેરિસ ખાતે યોજાનારી એન્ટી-મની લોન્ડરિંગ (AML) અને આતંકવાદ વિરોધી ધિરાણ (CTF) વોચડોગ- FATF (ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ) ની બેઠકમાં પાકિસ્તાન વિરુદ્ધ સજ્જડ પુરાવા રજૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. ભારતનો મુખ્ય હેતુ પાકિસ્તાનને ફરીથી FATF ની 'ગ્રે લિસ્ટ'માં ધકેલવાનો છે, જેમાંથી તેને ઓક્ટોબર 2022 માં બહાર કાઢવામાં આવ્યું હતું.
'ઓપરેશન સિંદૂર' ના વીડિયો બનશે પાકિસ્તાન માટે ગળાનો ફાંસો
ભારતના 'ઓપરેશન સિંદૂર' બાદ સોશિયલ મીડિયા પર અનેક એવા વીડિયો વાયરલ થયા છે. જેમાં પાકિસ્તાની સેના અને ગુપ્તચર એજન્સી (ISI) ના ઉચ્ચ અધિકારીઓ માર્યા ગયેલા આતંકવાદીઓના અંતિમ સંસ્કારમાં ભાગ લેતા જોવા મળ્યા છે. આ ઉપરાંત, પાકિસ્તાની સત્તાધિશો આતંકી સંગઠનોની સભાઓ અને રેલીઓમાં હાજરી આપતા હોવાના ડિજિટલ પુરાવા પણ ભારત પાસે છે. ભારત આ તમામ વીડિયો અને દસ્તાવેજી પુરાવા પેરિસની આગામી બેઠકમાં વૈશ્વિક નેતાઓ સામે રજૂ કરશે. જેથી ઇસ્લામાબાદના આતંકવાદી ચહેરાને ફરી ખુલ્લો પાડી શકાય.
ભારતીય અધિકારી વાઇસ-પ્રેસિડેન્ટ બનતા ભારતનું પલ્લું ભારે
સાંસ્કૃતિક મંત્રાલયના સેક્રેટરી વિવેક અગ્રવાલને FATF ના વાઇસ-પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યા છે. જેના કારણે ભારત આ વૈશ્વિક પ્લેટફોર્મ પર પાકિસ્તાન સામે દબાણ લાવવા માટે વધુ મજબૂત સ્થિતિમાં છે. ભારત આતંકવાદી પ્રવૃત્તિઓ માટે પાકિસ્તાનની નાણાકીય વ્યવસ્થાના થતા દુરુપયોગ બદલ તેને આંતરરાષ્ટ્રીય સ્તરે જવાબદાર ઠેરવવા આતુર છે. જો કે, આ તમામ પ્રયાસો વચ્ચે પાકિસ્તાન અત્યારે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન સાથે સંબંધો સુધારવા અને પોતાને 'શાંતિ દૂત' સાબિત કરવાના હવાતિયાં મારી રહ્યું છે, જે જોતાં ભારતની આ વ્યૂહાત્મક ચાલ ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે.
શું હોય છે FATF ની ગ્રે લિસ્ટ?
FATF ની ગ્રે લિસ્ટમાં સામેલ દેશો પર આંતરરાષ્ટ્રીય સ્તરે ખાસ અને કડક દેખરેખ રાખવામાં આવે છે. આવા દેશોએ મની લોન્ડરિંગ અને આતંકવાદી ફંડિંગ રોકવા માટે નિર્ધારિત સમયમર્યાદામાં સુધારા કરવા પડે છે. જો કોઈ દેશ આ નિયમોનું પાલન ન કરે, તો તેના પર વૈશ્વિક આર્થિક પ્રતિબંધો અને આંતરરાષ્ટ્રીય સ્તરેથી મળતી લોન અટકી જવાનું મોટું જોખમ ઊભું થાય છે, જેનાથી પાકિસ્તાનની કંગાળ આર્થિક સ્થિતિ વધુ બગડી શકે છે.









