- અમેરિકા આર્થિક વિનાશ સહન કરશે : નવા યુદ્ધના સંકેત
- ટ્રમ્પ ઇરાનની સામે ઓપરેશન સ્લેજહેમર શરૂ કરવાની તૈયારીમાં, રાજકીય નહીં તો લશ્કરી ઉકેલ લાવવામાં આવશે
- મધ્યપૂર્વ પાછું ફરીથી યુદ્ધના ઉંબરે, ઇરાને પણ હોર્મુઝમાં મિસાઇલ બોટો ખડકવા માંડતા તણાવમાં નોંધપાત્ર વધારો થયો
- મધ્યપૂર્વ પાછું ફરીથી યુદ્ધના ઉંબરે, ઇરાને પણ હોર્મુઝમાં મિસાઇલ બોટો ખડકવા માંડતા તણાવમાં નોંધપાત્ર વધારો થયો
વોશિંગ્ટન: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે તેને અમેરિકનોને નાણાકીય સ્થિતિની ચિંતા નથી, તેમને અમેરિકાના વધતા દેવાની ચિંતા નથી, તેમને બીજી કોઈ ચિંતા નથી, પણ તેમનું મુખ્ય ધ્યેય ફક્ત એક જ છે અને તે છે ઇરાનને પરમાણુ શસ્ત્રો ન બનાવવા દેવા. આ માટે તે જે પણ થાય તે બધુ જ કરી છટવા તૈયાર છે. આના જ ભાગરૂપે તેમણે ચીનથી પરત ફરીને ઇરાન સામે ફરીથી ઓપરેશન એપિક ફ્યુરી પૂરુ કરી હવે ઓપરેશન સ્લેજહેમર શરુ કરવાની તૈયારી આદરી દીધી છે.
અમેરિકામાં ફુગાવો એપ્રિલમાં ૩.૮ ટકાને આંબી ગયો છે અને મેમાં તો તે ૪.૨થી ૪.૬ ટકા થઈ જશે તેમ માનવામાં આવે છે. અમેરિકન કર્મચારી અને અમેરિકન કામદાર વધુને વધુ ગરીબ થઈ રહ્યો છે. અમેરિકનો મોંઘવારીના મારથી બેવડ વળી ગયા છે ત્યારે ટ્રમ્પે જણાવ્યું છે કે અમેરિકનોનું જે થવું હોય તે થાય, પરંતુ ઇરાનને પરમાણુ શસ્ત્રો નહીં બનાવવા દઉં. ગેસોલિનના ઊંચા ભાવને ટ્રમ્પ કામચલાઉ તકલીફ માને છે. તેના ભાવમાં નોંધપાત્ર ઘટાડો આવશે તેવો ટ્રમ્પનો વિશ્વાસ છે.
ટ્રમ્પના આ નિવેદનના પગલે અમેરિકામાં મોટાપાયા પર હોબાળો મચી ગયો છે. ડેમોક્રેટ્સે જણાવ્યું હતું કે ટ્રમ્પનું આ નિવેદન તેમનો વાસ્તવિક સ્વભાવ દર્શાવે છે. તેઓ ખુલ્લા પડી ગયા છે, અમેરિકનોની તેમને જરા પણ ચિંતા નથી તેવું તેમણે સ્પષ્ટ જણાવી દીધું છે.
આનો જાણે પુરાવો આપતા હોય તેમ ટ્રમ્પે ચીનથી પરત ફરીને ઇરાન સામે યુદ્ધ ફરીથી શરૂ કરવાની તૈયારી આદરી છે. તેને એપિક ફ્યુરી ૨.૦ નહી પણ ઓપરેશન સ્લેજહેમર નામ આપવામાં આવ્યું છે. મધ્યપૂર્વમાં સૂત્રો પાસેથી મળતી જાણકારી મુજબ અમેરિકા અને ઇઝરાયેલે હાલમાં ઘણા સમયથી ક્યારેય કરી ન હોય તેવી સંયુક્ત કવાયત કરી રહ્યા છે. આ કવાયતને ઓપરેશન એપિક ફ્યુરીના બીજા ભાગની તૈયારી માનવામાં આવે છે.
હવે ટ્રમ્પના સહયોગીઓ જ જણાવી રહ્યા છે કે જો રાજકીય સંવાદથી ઇરાન સાથેની મડાગાંઠનો અંત નહીં આવે તો ટ્રમ્પ લશ્કરી બળ વાપરવાનો નિર્ણય લઈ શકે તેમ છે. તેના ભાગરુપે ઇરાન પર હવાઈ હુમલા શરૂ કરવામાં આવી શકે છે. આના પગલે અમેરિકન લશ્કર હણહણાટ કરવા લાગ્યુ છે. ટ્રમ્પે હોર્મુઝમાં અમેરિકાનો કબ્જો હોવાનો દાવો પણ કરી દીધો છે. તેની સામે ઇરાને તેના કુલ ૩૩માંથી ૩૦થી પણ વધુ સ્થળોએ મિસાઇલ બોટ ગોઠવી દીધી છે. આમ ખાડીયુદ્ધ ફરીથી શરૂ થઈ જ જશે તેમ માનવામાં આવી રહ્યું છે. બીજી બાજુએ મધ્યસ્થીઓ હજી પણ શાંતિ સ્થપાય અથવા તો યુદ્ધવિરામ લંબાય તે માટે પ્રયત્નશીલ છે
બીજી બાજુએ ટ્રમ્પ ઇરાનના મુદ્દાને જરા પણ હળવાશથી છોડવાના મૂડમાં નથી. તેઓ જો ઇરાન સાથેની મડાગાંઠનો રાજકીય ઉકેલ ન આવે તો તેની સામે લશ્કરી કાર્યવાહીની તૈયારી કરી જ લીધી છે. ટ્રમ્પ અને તેમની ટીમ ઇરાનને કઈ રીતે રસ્તા પર લાવવું તેના પ્રયત્નમાં લાગી ગઈ છે. અમેરિકાના વધતા જતાં ફુગાવાની ટ્રમ્પને કોઈ ચિંતા નથી, બસ ઇરાનને સીધુ દોર કરવું છે તે જ ધૂન ટ્રમ્પ પર સવાર થઈ છે. ટ્રમ્પ તરફથી હુમલાના સંકેતો મળવા લાગતા મધ્યપૂર્વમાં રાજકીય અને લશ્કરી હિલચાલ તેજ બની ગઈ છે.
- ઈઝરાયેલ-લેબનોનમાં યુદ્ધવિરામ ૪૫ દિવસ લંબાયો
- ટ્રમ્પની હત્યા માટે રૂ. 450 કરોડના ઈનામ અંગે ઈરાનની સંસદની તૈયારી
- ઈરાન સમર્થિત સામયિક મસાફ, હેકિંગ ગુ્રપ હંડાલાએ પણ ટ્રમ્પની હત્યા માટે પાંચ-પાંચ કરોડ ડોલર ફાળવ્યાનો દાવો
ઈરાનના મીડિયા અહેવાલો મુજબ ઈરાની સંસદની રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિ સમિતિના અધ્યક્ષ ઈબ્રાહિમ અજિજિએ ઈસ્લામિક રિપબ્લિકના સૈન્ય અને સુરક્ષા એજન્સીઓ દ્વારા કાઉન્ટર એક્શન નામની યોજનાનો મુસદ્દો તૈયાર કર્યો હોવાની જાહેરાત કરી છે. આ મુસદ્દામાં ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા માટે પાંચ કરોડ યુરોનું ઈનામ આપવાની દરખાસ્તનો સમાવેશ થાય છે.
અજિજિએ કહ્યું કે, અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ, ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને અમેરિકન સેન્ટ્રલ કમાન્ડના કમાન્ડરને કાઉન્ટર એક્શન માટે ટાર્ગેટ કરવા જોઈએ. ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લાહ અલી-ખામેનેઈની હત્યામાં તેમની ભૂમિકાના કારણે તેમને ટાર્ગેટ કરવા ન્યાયિક છે. સૂચિત પ્રસ્તાવ મુજબ જે પણ વ્યક્તિ અથવા સંગઠન ટ્રમ્પ, નેતન્યાહુ અને સેટકોમના કમાન્ડરની હત્યા કરે તેમને પાંચ કરોડ યુરો (અંદાજે રૂ. ૪૫૦ કરોડ)નું ઈનામ આપવા ઈરાનની સરકાર બંધાયેલી છે.
આ સિવાય ઈરાન સરકારના સપોર્ટર અલી અકબર રાએફીપુરના મીડિયા આઉટલેટ મસાફે પણ કિલ ટ્રમ્પ નામના અભિયાન માટે પાંચ કરોડ ડોલરનું ભંડોળ સુરક્ષિત કરાયું હોવાનો દાવો કર્યો હતો. ઉપરાંત હેકિંગ ગુ્રપ હંડાલાએ પણ દાવો કર્યો હતો કે તેમણે ટ્રમ્પ અને નેતન્યાહુને ખતમ કરનારાને પાંચ કરોડ ડોલર અપાશે.
દરમિયાન મધ્ય-પૂર્વમાં વધતા તણાવ વચ્ચે અમેરિકાની મધ્યસ્થતામાં બે દિવસ સુધી ચાલેલી બેઠકના પગલે ઈઝરાયેલ અને લેબનોન હાલ ચાલી રહેલું યુદ્ધવિરામ વધુ ૪૫ દિવસ લંબાવવા સહમત થઈ ગયા છે. ઈરાન સમર્થિત આતંકી સંગઠન હિઝબુલ્લાહના આકરા વિરોધ છતાં લેબેનોનની સત્તાવાર સરકારે શાંતિ વાટાઘાટોમાં ભાગ લીધો હતો અને ઈઝરાયેલ સાથે યુદ્ધવિરામ લંબાવવા તૈયારી દર્શાવી છે.
બીજીબાજુ ઈઝરાયેલે ગાઝામાં હવાઈ હુમલો કરીને હમાસની મિલિટરી પાંખના લીડર ઈઝ અલ-દિન અલ-હદ્દાદનો ખાત્મો બોલાવ્યો હતો. અલ-હદ્દાત ૭ ઑક્ટોબર ૨૦૨૩ના હત્યાકાંડનું કાવતરું ઘડનારામાં સામેલ હતો. જોકે, ગાઝા સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, તેલ અવિવ પર હમાસના હુમલા પછી ઈઝરાયેલના વળતા આક્રમણોમાં અત્યાર સુધીમાં ગાઝામાં કુલ ૭૨,૭૦૦થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.
ચીનની મુલાકાત જાણે જી-ટુ સમાનઃ અમેરિકન પ્રમુખ
ચીન એશિયાઈ સત્તા નહીં પણ મહાસત્તા હોવાનું ટ્રમ્પે દર્શાવ્યું
વોશિંગ્ટન: અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ચીનના ત્રણ દિવસના પ્રવાસેથી પરત ફર્યા બાદ ચાઇનીઝ પ્રમુખ સાથેની બેઠકને જી-૨ ગણાવી છે. તેમનું કહેવું છે કે આ બેઠક ઇતિહાસની અત્યંત મહત્ત્વની ક્ષણ સાબિત થઈ શકે છે.
ચીનથી પરત આવ્યા પછી એક ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે આ વિશ્વના બે મહાન દેશોની બેઠક હતી. હું તેને જી-ટુ કહું છું. મને લાગે છે કે આ બેઠકને ઇતિહાસના અત્યંત મહત્ત્વના પળ તરીકે યાદ કરવામાં આવશે. ટ્રમ્પે દાવો કર્યો છે કે ચીનની મુલાકાત અત્યંત સફળ રહી છે. ઘણા બધા વ્યાપારિક કરારો થયા.
ટ્રમ્પે જણાવ્યું હતું કે ચીને અમેરિકન કંપની બોઇંગના ૨૦૦ વિમાન ખરીદવાની સંમતિ આપી છે. તે ભવિષ્યમાં બીજા ૭૫૦ વિમાન પણ ખરીદશે તેમ જણાવ્યું છે. આ ઉપરાંત તે અમેરિકા પાસેથી મોટાપાયા પર સોયાબીન અને મકાઈ ખરીદવાનું હોવાથી અમેરિકાના કૃષિ ક્ષેત્રને મોટાપાયા પર ફાયદો થશે. ટ્રમ્પે તાઇવાન મુદ્દે પણ મોટું નિવેદન આપ્યું, તેમણે જણાવ્યું હતું કે ચીન તાઇવાનને લઈને હાલમાં કોઈ આક્રમક પગલું નહીં લે. કમસેકમ હું પ્રમુખપદે હઇશ ત્યાં સુધી નહીં લે. ટ્રમ્પે જણાવ્યું હતું કે તેઓ તાઇવાન પરના કબ્જાને ટેકઓવર માનતા નથી. તેઓ ફક્ત એટલું જ સુનિશ્ચિત કરવા માંગે છે કે તાઇવાને પોતાને સંપૂર્ણપણે સ્વતંત્ર જાહેર ન કરે. ટ્રમ્પે જણાવ્યું હતું કે હું ઇચ્છું છું કે ચીન શાંત રહે અને કોઈ યુદ્ધની સ્થિતિ ન બને.


