Get The App

ઇરાનને માટીમાં દફન કરી દઈશ : ઇરાનનો શાંતિ પ્રસ્તાવ ટ્રમ્પે ઠુકરાવ્યો

Updated: May 2nd, 2026

GS TEAM

Google News
Google News
ઇરાનને માટીમાં દફન કરી દઈશ : ઇરાનનો શાંતિ પ્રસ્તાવ ટ્રમ્પે ઠુકરાવ્યો 1 - image

- ઇરાન સમજૂતી ઇચ્છે છે પરંતુ અસ્વીકાર્ય તેવી શરતો મૂકે છે ઇરાન યોગ્ય પ્રસ્તાવ નહીં લાવે તો તેનો અંજામ ભોગવવો પડશે : ટ્રમ્પ

નવી દિલ્હી : અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે ઇરાનને ફરી જબરજસ્ત ઝટકો આપ્યો છે. તેમણે ઇરાનનો નવો શાંતિ પ્રસ્તાવ ફગાવી દીધો છે. આ પ્રસ્તાવ તેણે પાકિસ્તાન દ્વારા મોકલ્યો છે. આ પ્રસ્તાવ વિષે જાણીને પ્રમુખ ટ્રમ્પ ભભૂકી ઉઠયા હતા તેમણે તે તુર્ત જ ફગાવી દીધો છે અને કહ્યું કે, 'જો ઇરાન યોગ્ય સમજૂતી શર્તો રજૂ નહી કરે  તો તેઓ કોઈ પણ સમજૂતી પર હસ્તાક્ષર નહીં કરે. પરમાણુ સમજૂતી પણ નહીં કરે તો અમેરિકી સેના બૉમ્બ વર્ષા કરી ઇરાનને માટીમાં મેળવી દેશે.

તેઓએ કહ્યું કે, 'હું આ નવા પ્રસ્તાવથી બિલકુલ ખુશ નથી. ઇરાન સમજૂતી કરવા માંગે છે પરંતુ તેની શર્તો જોતા લાગતું નથી કે કોઈ સમજૂતી થઈ શકે (કારણ કે) પ્રસ્તાવમાં જ અનેક ખામીઓ છે તેથી તે સ્વીકાર્ય બને તેમ નથી. ઇરાન યોગ્ય પ્રકારનો પ્રસ્તાવ લઈને આવે, નહીં તો પરિણામ ભયંકર આવશે. વાતચીત ખેંચાતી જ જાય છે.

રીપોર્ટ જણાવે છે કે ઇરાને શર્ત મૂકી છે કે અમેરિકા હોર્મુઝ સ્ટ્રેટઇટસ પરની નાકાબંધી ઉઠાવી લે તો તે પરમાણુ સમજૂતી પર વાતચીત કરવા તૈયાર છે. બીજી તરફ ટ્રમ્પ કહે છે કે, પહેલા પરમાણુ સમજૂતી થાય પછી જ નાકાબંધી ઉઠાવાશે.

જો કે, ઇરાને મોકલેલા પ્રસ્તાવની ખબર ફેલાતા ક્રૂડની કિંમતમાં થોડી નરમી આવી છતાં તે બેરલદીઠ ૧૦૦ ડોલરથી વધુ છે. દરમિયાન ઇરાનના વિદેશમંત્રી અરાઘચીએ તુર્કી, ઇજીપ્ત, સઉદી અરબ, ઇરાક અને આઝરબૈઝાન તથા યુરોપીયન સંઘના વિદેશ નીતિના પ્રમુખ કાઝા કલ્લાએ આ સાથે વાતચીત કરી હતી. કલ્લાએ આ પ્રશ્ન રાજદ્વારી રીતે ઉકેલવા કહ્યું હતું.