Get The App

Explainer: શું બ્રિટન ભારતને કોહિનૂર પાછો આપશે? ન્યૂયોર્કના મેયર ઝોહરાન મમદાનીની માંગને પગલે છેડાઈ ચર્ચા

Updated: May 1st, 2026

GS TEAM

Google News
Google News
Explainer: શું બ્રિટન ભારતને કોહિનૂર પાછો આપશે? ન્યૂયોર્કના મેયર ઝોહરાન મમદાનીની માંગને પગલે છેડાઈ ચર્ચા 1 - image

Zohran Mamdani remarks about Kohinoor: ન્યૂયોર્કના મેયર ઝોહરાન મમદાનીએ 9/11 હુમલાના પીડિતોને શ્રદ્ધાંજલિ આપવા માટે યોજાયેલા કાર્યક્રમમાં બ્રિટનના રાજા ચાર્લ્સ તૃતિય સમક્ષ કોહિનૂર હીરો ભારતને પરત કરવાની માંગ કરી, ત્યારે દુનિયાનું ધ્યાન ફરી એકવાર ગુલામ દેશોને લૂંટીને મબલખ સંપત્તિ ઘરભેગી કરનારા બ્રિટિશ રાજ તરફ દોરાયું છે. માત્ર ભારત જ નહીં, ગ્રીસ, નાઇજીરિયા અને ઇજિપ્ત જેવા દેશો પણ પોતાનો સાંસ્કૃતિક વારસો પાછો મેળવવા બ્રિટન સામે સખત રાજદ્વારી લડત લડી રહ્યા છે. આવા માહોલમાં પ્રશ્ન થાય કે શું બ્રિટન આવી માંગ સામે નમતું જોખીને કોહિનૂર ભારતને પરત કરશે? 

ઝોહરાન મમદાનીનો પડકાર: સંકેત નાનો, સંદર્ભ મોટો

ઝોહરાન મમદાનીએ કિંગ ચાર્લ્સને મળવા પહેલાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ‘કિંગ સાથે અલગથી વાત કરવાની તક મળે તો હું તેમને કોહિનૂર હીરો ભારતને પરત કરવા માટે સૂચન કરીશ.’ આ નિવેદન પર ઉગ્ર પ્રતિક્રિયાઓ પણ આવી. બ્રિટિશ સમર્થકોએ આને ‘ગેરવાજબી’, ‘બદતમીજી’ અને ‘ઓબ્સેશન ઓફ બ્રિટિશ કોલોનિયાલિઝમ’ ગણાવ્યું. ન્યૂયોર્ક પોસ્ટના એડિટ આર્ટિકલમાં તેમના વલણને ‘પરિપક્વતાનો અભાવ’ કહીને ટીકા કરી. 

આ માંગ સાથે મમદાનીએ એક એવા ઐતિહાસિક અન્યાય તરફ દુનિયાનું ધ્યાન દોર્યું, જેની હિમાયત માત્ર સામાન્ય નાગરિકો જ નહીં, પરંતુ હવે ઉચ્ચ અધિકારીઓ પણ કરી રહ્યા છે. કોહિનૂર ભારતને પરત કરવાની માંગ ફક્ત ભારત સુધી સીમિત રહી નથી, એ પણ બહુ સારી વાત છે.

આ પણ વાંચો : અમેરિકાથી આવશે અબજો ડોલર! 11 મેથી ટેરિફ રિફંડ, જાણો ભારતને મળશે કેટલા હજાર કરોડ

કોહિનૂરની સફર: ચોરી, દબાણ અને સત્તાની રમત

કોહિનૂરની કહાની સત્તા અને લોહિયાળ ઇતિહાસ સાથે જોડાયેલી છે. આ હીરો 13મી સદીમાં ભારતના ગોલકુંડા વિસ્તારમાં મળ્યો હતો, એટલે તેનો મૂળ સંબંધ ભારત સાથે છે. પછી તે એક શાસક પાસેથી બીજા શાસક સુધી જતો રહ્યો... મુઘલો પાસેથી ઈરાનના શાહ, પછી અમીરો અને ત્યારબાદ શીખ શાસક મહારાજા રણજિત સિંહ સુધી પહોંચ્યો. 1849માં, માત્ર 10 વર્ષના મહારાજા દિલીપ સિંહ પાસેથી લાહોરની સંધિ હેઠળ આ હીરો બ્રિટિશરોએ લઈ લીધો હતો. 

ઘણાં ઇતિહાસકારો માને છે કે આ સોંપણી બળજબરીથી થઈ હતી, કારણ કે નાનકડા બાળક પર દબાણ કરાયું હતું. તેથી ભારતનું કહેવું છે કે આ ‘દબાણ હેઠળ લેવાયેલો હીરો’ છે, એટલે તે કાયદેસર રીતે બ્રિટનનો નથી. બ્રિટન તેને ‘કાયદેસર ભેટ’ કહે છે, પણ ભારત તેને વસાહતી સમયની લૂંટનું પ્રતીક માને છે.

‘બેનિન બ્રોન્ઝ’થી ‘પાર્થેનોન માર્બલ્સ’ સુધીનો સામાન પાછો કરવાની માંગ 

કોહિનૂરનો કિસ્સો આવો એકમાત્ર કિસ્સો નથી. આજકાલ આખી દુનિયામાં જૂની લૂંટાયેલી વસ્તુઓ પાછી માંગવાની લહેર ચાલી રહી છે, જેને ‘રિપેટ્રિએશન’ કહેવામાં આવે છે.

- ‘બેનિન બ્રોન્ઝ’ તેનું મોટું ઉદાહરણ છે. 1897માં બ્રિટિશ સૈન્યે બેનિન (આજનું નાઇજીરિયા)માંથી કાંસ્ય અને પિત્તળની કિંમતી મૂર્તિઓ અને કલાકૃતિઓ લૂંટી લીધી હતી, જેને બેનિન બ્રોન્ઝ કહેવાય છે. આજે આ વસ્તુઓ દુનિયાભરના મ્યુઝિયમોમાં સચવાયેલી છે. નાઇજીરિયા લાંબા સમયથી તેને પાછી માંગે છે. હવે જર્મની, સ્વિત્ઝરલેન્ડ અને અમેરિકાના ઘણાં મ્યુઝિયમો તેને પરત આપવાની તૈયારીમાં છે.

- એ જ રીતે, ગ્રીસ પણ ‘પાર્થેનોન માર્બલ્સ’ માટે વર્ષોથી લડી રહ્યું છે. પાર્થેનોન માર્બલ્સ એટલે ગ્રીસના પાર્થેનોન મંદિરના શિલ્પો અને પથ્થરની મૂર્તિઓ, જેને 19મી સદીમાં બ્રિટિશરો એથેન્સમાંથી લૂંટી ગયા હતા. બ્રિટિશ મ્યુઝિયમ તેને ‘લોન’ પર આપવા તૈયાર થયું, પણ ગ્રીસે એ ઓફર નકારી કાઢી. નિષ્ણાતો કહે છે કે આ ‘લોન’ એક ચાલાકી છે, કારણ કે એથી માલિકી બ્રિટન પાસે જ રહે છે અને ગ્રીસને માત્ર થોડા સમય માટે વસ્તુ ‘ઉધાર’ મળે છે. ગ્રીસનું કહેવું છે કે આ વસ્તુઓ તેમની સંસ્કૃતિનો ભાગ છે, ફક્ત દેખાડવા માટેની વસ્તુ નથી. 

આવા કિસ્સા બતાવે છે કે હવે દુનિયામાં લોકો પોતાની વારસાગત વસ્તુઓ પાછી મેળવવા માટે વધુ જાગૃત બન્યા છે, અને જૂના વસાહતી સમયના નિયમો સ્વીકારવા તૈયાર નથી.

આ પણ વાંચો : ઈરાન પર ફરી મોટા હુમલાની તૈયારી? અમેરિકાએ 24 કલાકમાં ઈઝરાયલ મોકલ્યા 6500 ટન વિસ્ફોટક

શું બ્રિટન ચીજો પરત કરશે?

બ્રિટન હજુ પણ કહે છે કે આ વસ્તુઓ પર તેમનો કાયદેસરનો હક છે, પણ દુનિયાભરમાંથી સતત વધી રહેલા દબાણ અને નૈતિક પ્રશ્નો તેમના માટે આ વાત પર ટકવું મુશ્કેલ બનાવી રહ્યા છે.

નિષ્ણાતો કહે છે કે, ‘એક સમય એવો આવશે જ્યારે કોહિનૂર હીરો પોતાની પાસે રાખવો એ બ્રિટિશ રાજાશાહી માટે ગૌરવ નહીં, પણ મુશ્કેલી બની જશે. જ્યારે મ્યુઝિયમોમાંથી વસ્તુઓ ચોરી થાય છે અથવા તેને નુકસાન થાય છે, ત્યારે ‘અમે તેને વધુ સુરક્ષિત રાખી શકીએ છીએ’ એવી બ્રિટન (અને અન્ય દેશો)ની દલીલ નબળી પડી જાય છે. 

ભારત જેમ આર્થિક અને રાજદ્વારી રીતે મજબૂત બનતું જાય છે, તેમ તે પોતાની ઐતિહાસિક અને સાંસ્કૃતિક વસ્તુઓ પાછી મેળવવાની સ્થિતિમાં વધુ સશક્ત બની રહ્યું છે. એટલે એક દિવસ એવો આવશે જ કે બ્રિટને કોહિનૂર પરત આપવો પડે.’

આ પણ વાંચો : ક્રૂડ ઓઇલના ભાવમાં ધરખમ વધારાથી ઈરાન ખુશ ! પરેશાન ટ્રમ્પે અનેક દેશોને મોકલ્યો સિક્રેટ મેસેજ